Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દિવસે મજૂર બની ખેતી કરતાં અને મધરાતે ચોરીઓઃ આંતર રાજ્ય ટોળકીના બે ચોરને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

રાજકોટ મોરબીના ૧૨ ચોરીના ભેદ ખુલ્યાઃ એક તસ્કર ઉજ્જૈનના તેજાજીનગર પોલીસ સ્ટેશનના ૧૩ ગુનામાં ફરાર હતો :વિરેન્દ્રસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાની બાતમીઃ ટીમને ૧૫ હજારનું ઈનામ : પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમનું સતત બીજા દિવસે ડિટેકશન

વિગતો આપી રહેલા એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ વી. કે. ગઢવી તથા સાથે પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ એસ. વી. સાખરા, પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમ તથા ઝડપાયેલા બંને તસ્કર, કબ્જે થયેલો મુદ્દામાલ અને કામગીરી કરનાર ટીમ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧: રીઢા ગુનેગાર ઇમરાન ઉર્ફ ઇમુડાને ગઇકાલે ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા બાદ સતત બીજા દિવસે આંતર રાજ્ય ચોરી કરતાં હાલ ગઢકા અને કલ્યાણપુરમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના બે તસ્કરને ઝડપી લેતાં ૧૨ ચોરીના ભેદ ખુલ્યા છે. આ બે પૈકી એક તસ્કર અગાઉ મધ્યપ્રદેશમાં ચોરીના ૧૩ ગુનામાં પણ ફરાર છે. આ બંને સાથે ચોરીઓમાં સામેલ અન્ય ત્રણ સાગ્રીતોના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચના વિરેન્દ્રસિંહ ઝાલા અને કુલદિપસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ચોરીઓના ગુનામાં સામેલ અને આંતર રાજ્ય ચોરીઓ કરતાં બે તસ્કર ભાવનગર રોડ પર આઇટીઆઇ પાસે આવ્યા છે. તેના આધારે પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમે બે શખ્સો બારમસિંગ ઉર્ફ રમેશ લીમસિંગ  પંચાલ ભ્ીલ) (ઉ.વ.૨૩-રહે. હાલ ગઢકા, રાજેશભાઇની વાડીએ તા. રાજકોટ, મુળ ગુરાડીયા તા. કુકસી જી. ધાર મધ્યપ્રદેશ) તથા કાલુ ઉર્ફ કાલીયો નાથસિંગ ઉર્ફ થાનીયા મનલોઇ (મીનવા) (ઉ.વ.૨૬-રહે. હાલ કલ્યાણપુર ભીખાભાઇની વાડી મુળ ગુરાડીયા મધ્યપ્રદેશ)ને પકડી લીધા હતાં.

આ બંને સાથે અન્ય ત્રણ શખ્સો જાંબુવાના જોબટ તાબેના કુંડલવાસાના વેશુ ઉર્ફ વિષ્ણુ શીંગાણીયા, ગુરાડીયાના માંગીલાલા ઉર્ફ માંગી વેસ્તાભાઇ મસાણીયા અને ગુરાડીયાના જ કૈલાસ જીરૂભાઇ મસાણીયાના પણ નામ ખુલ્યા છે. પકડાયેલા શખ્સો પાસેથી મોબાઇલ ફોન, રોકડ મળી રૂ. ૮૧૭૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ટોળકીએ જ્યાં ચોરીઓ કરી છે તેની વિગતો જોઇએ તો આઠેક મહિના પહેલા કોઠારીયા રીંગ રોડ પર મકાનનો દરવાજો તોડી ઘડીયાળ, રોકડની ચોરી, જામનગરના નાઘોડીમાં સોના-ચાંદીના દાગીનાની મકાનમાંથી ચોરી, કોઠારીયા રોડ સ્વાતિ પાર્કમાં મકાનમાંથી ચાંદીની બંગડી અને રોકડની ચોરી, સ્વાતિ પાર્ક પાસેથી બાઇકની ચોરી, આ જ વિસ્તારમાંથી અન્ય એક બાઇકની ચોરી, સાતેક મહિના અગાઉ આજીડેમ ચોકડી માધવ વાટીકા સોસાયટીમાં મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી, માધવ વાટીકામાં અન્ય શેરીમાં મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરતાં કંઇન મળતાં એક ધાબળાની ચોરી, કોઠારીયા રીંગ રોડ પર તપસી હોટેલ પાછળના મકાનમાંથી બાઇકની ચોરી (જે ત્રંબા નજીક પંપ પાસે રેઢુ મુકી દીધુ હતું), તેમજ ઢેબર રોડ પર મકાનમાંથી નકુચા તોડી રૂ. ૪૫ હજાર, સોનાની વીંટી અને હોમ થીએટર તથા ટેબ્લેટની ચોરી, પાંચેક મહિના પહેલા માંડા ડુંગર પાસે મકાનના તાળા તોડી ચાંદીના છડા, સોનાની કડી, રોકડા દસ હજાર, એક મુર્તિની ચોરી, આઠેક મહિના પહેલા મોરબીમાં બાઇકની ચોરી (પંચર પડતાં રેઢુ મુકી દીધેલું) સહિતના ગુનાનો સમાવેશ થાય છે.

આ ચોરીઓમાં પાંચમાંથી વારાફરતી અલગ-અલગ ત્રણ-ચાર જણાની ટોળકી બનાવી હાથફેરો કરવામાં આવતો હતો. એટલે કે દરેક ગુનામાં સાગ્રીતો ફરી જતાં હતાં. બારમસિંગ ઉર્ફ રમેશ પંચાલ ઇન્દોરના તેજાજીનગર પોલીસ સ્ટેશનના ચોરીના ૧૩ ગુનામાં નાસતો ફરે છે. તેના સાગ્રીતો ૧૫ લાખના મુદ્દામાલ સાથે પકડાયા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. પોલીસ કમિશનર તરફથી આ ટીમને ૧૫ હજારનું ઇનામ અપાયું હતું.

રાત્રે બે થી ત્રણ વચ્ચે જ ચોરી કરવાની ટેવઃ મકાનમાં ચોરી કર્યા બાદ નજીકમાંથી બાઇકની ઉઠાંતરી કરવાની પણ આદત

આ તસ્કરો મોટા શહેરોની આજુબાજુના ગામની વાડીઓમાં ખેતમજૂરીએ રહેતાં અથવા ભાગીયા તરીકે રહી દિવસે મજૂરી કરતાં અને રાતે શહેરી વિસ્તારમાં ચોરીઓ કરવાની ટેવ ધરાવે છે. રાત્રે બે થી ત્રણના સમય વચ્ચે જ ચોરી કરવાનો નિયમ છે (આ સમયે મોટે ભાગે લોકો ઘસઘસાટ ઉંઘતા હોય છે). આ ઉપરાંત જે તે મકાનમાંથી ચોરી કર્યા બાદ ત્યાં નજીકમાંથી જ કોઇપણ બાઇકની ચોરી કરવાની પણ ટેવ છે. રોકડ રકમનો ભાગ પાડી લેતાં અને સોના-ચાંદીના દાગીના વતનમાં લઇ જઇત્યાં વેંચી નાંખતા હતાં.

(3:21 pm IST)