Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

૫૫ કરોડના બોગસ ઇ-વે બીલ જનરેટનું કૌભાંડ ઝડપાયું

રાજકોટ વેટ તંત્રનો સપાટોઃ સંખ્યાબંધ વ્યકિતના દસ્તાવેજો મેળવી બોગસ નંબર મેળવી રાજકોટ-મોરબીની ૪ કંપનીના નામે ઇ-વે બીલ જનરેટ કર્યા : ૯.૭૩ કરોડની ટેક્ષ ચોરી ખૂલ્લીઃ સામખીયાળીના રાયધણ ડાંગરની મોડી રાત્રે ધરપકડ કરતું વેટ ડીપાર્ટમેન્ટ : રાજકોટની આકાશ એન્ટરપ્રાઇઝ અને ભવ્ય એન્ટરપ્રાઇઝ તથા મોરબીની સૂપિરિયર સિરામીક અને સ્કાય રાઇના નામે પપ કરોડના બોગસ ઇ-વે બીલ જનરેટ કર્યાનો ધડાકો હજુ અનેક નામો બહાર આવશે

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ વેટ તંત્રના વિભાગ ૧૦ ના જોઇન્ટ કમીશનર શ્રી ત્રિવેદીએ સપાટો બોલાવી પપ કરોડ આસપાસ એટલે કે પ૪.૮૧ કરોડનું બોગસ ઇ-વે બીલ જનરેટ કરવાનું કૌભાંડ ઝડપી લેતા અને ૯.૭૩ કરોડની ટેક્ષ ચોરી કર્યાનું ખોલી નાંખતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે મળતી વિગતો મુજબ આ મુસમોટા કૌભાંડમાં સામખીયાળીના રાયધણ ગોવીંદભાઇ ડાંગર નામના કૌભાંડકાર શખ્સની વેટ વિભાગે મોડી રાત્રે પોલીસને સાથે રાખી ધરપકડ કરી લેવાઇ છે, તેને સમન્સ મોકલ્યા બાદ - પુછપરછ દરમિયાન જ તંત્રે ઉપાડી લીધો હતો અને હાલ ગુપ્ત સ્થળે પુછપરછ ચાલુ હોવાનું જાણવા મળે છે, મોડેથી કોર્ટમાં રજૂ કરાય તેવી શકયતા છે.

વેટ વિભાગ-૧૦ ના શ્રી ત્રિવેદીને મળેલ બાતમી બાદ તેમના ઇન્સ્પેકટરોની ટીમોએ આ આખુ કૌભાંડ ઉજાગર કરી નાખ્યુ હતું, સામખીયાળીના આ શખ્શ રાયધણ ગોવીંદભાઇ ડાંગર નામના શખ્સે સિરામીક કોમોડીટીમાં મોટી ટેક્ષ ચોરી કરવા સંદર્ભે રાજકોટ-મોરબીના જુદા જુદા વેપારીઓને પ્રલોભનો આપી અન્ય લાભનું જણાવી તેમની પાસેથી દસ્તાવેજો - બુકસ ઓફ એકાઉન્ટ મેળવી બોગસ  વેટ નંબર મેળવી લીધા હતા. અમે પછી રાજકોટમાં બે અને મોરબીમાં ર એમ ૪ કંપનીના નામે પ૪.૮૧ કરોડના ઇ-વે બીલ જનરેટ કરી માલ સગેવગે કર્યાનું બહાર આવ્યું હતું. આ અંગે વેટ તંત્રે તપાસ હાથ ધરતા આ આખુ બોગસ ઇ-વે બીલ કૌભાંડ ખુલ્યું હતું. અને તેમાં ૯.૭૩ કરોડની ટેક્ષચોરી થયાનું ખુલ્યું હતું. વેટ તંત્રના અધિકારીઓ પાસે પ કરોડ ઉપર ટેક્ષ ચોરી જાય તો ધરપકડ કરવાની સતા છે અને તેમાં પરીણામે ઉપરોકત શખ્સ રાધણ ડાંગરને સમન્સ મોકલી પુછપરછ કરી રાજકોટમાં ૪ ગત મોડી રાત્રે ધરપકડ કરી લીધી હતી. અને વધુ પુછપરછ ચાલુ કરાઇ છે. તેમાં અનેક બોગસ દંપતીઓ અને પપ કરોડનો આ આંકડો ૭પ કરોડને પણ પાર કરી જાય તેવી શકયતા ટોચના અધિકારી વર્તુળો દાખવી રહયા છે.

રાજકોટ-મોરબીમાં જે ૪ કંપનીના નામો ખુલ્યા તેમાં રાજકોટની આકાશ એન્ટરપ્રાઇઝ, ભવ્ય એન્ટરપ્રાઇઝ, મોરબીની સુપીરીયર સીરામીક અને સ્કાય હાઇસીરામીકનો સમાવેશ થાય છે.

અન્ય લોકોના ડોકયુમેન્ટ મેળવી વેટના ખોટા નંબરો મેળવી આ મસમોટુ કૌભાંડ આચર્યાનું બહાર આવ્યું છે. પરિણામે ગુજરાત માલવેરા અધિનિયમ ર૦૧૭ની કલમ -૧૩ર તથા કલમ-પ૯ હેઠળ કસ્ટોડીયન સંદર્ભે આરોપીની ધરપકડ કરાયાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

ત્રાહિત વ્યકિતના દસ્તાવેજો મેળવી-બોગસ નંબરો ઉભા કરી ઇ-વે બીલ કરોડોનું બીલ વગરનું કરી કરોડોની કરચોરીની વિગતો ખુલ્યા બાદ વેટ તંત્ર દ્વારા તમામ ડેટા ચેક કરાયા તો તેમાં કેટલાક બોગસ રજીસ્ટ્રેશન થયાનું બહાર આવ્યું અને તેમાં ૪ કેસમાં જ પપ કરોડના ઇ-વે બીલ જનરેટ થયાનું ખુલ્યું છે.

રાજકોટ વેટ તંત્રના ઇતિહાસમાં આવડું મોટુ કૌભાંડ પહેલી વાર બહાર આવ્યું છે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ બાબતે ભારે ચર્ચા ઉપડી છે, તપાસનો ધમધમાટ ચાલુ હોય, હજુ વધુ વિગતો ખુલશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.

(3:18 pm IST)