Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોરન્ટાઇનમાં તંત્રનું લોલંલોલ : પોઝિટિવ ખુલ્લા - તંદુરસ્તો બાનમાં !!

જામનગર હાઇવે પર નાગેશ્વર એપાર્ટમેન્ટમાં એક પણ કેસ નથી છતાં ૪૮ ફલેટ કોરન્ટાઇન ! તેની સામે અજમેરા એપાર્ટમેન્ટમાં ૪ કેસ છતાં કોઇ કોરન્ટાઇન નથી : જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી નહી થતાં લોક રોષ

કોરન્ટાઇન કર્યા વગરનો અજમેરા એપાર્ટમેન્ટ :વિનાકારણ કોરન્ટાઇન કરાયેલ નાગેશ્વર એપાર્ટમેન્ટ

રાજકોટ તા. ૧૧ : શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે હવે કોરન્ટાઇનની કાર્યવાહીમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું હોવાથી આ પ્રક્રિયામાં ભારે લોલંલોલ ચાલી રહી હોવાની ફરિયાદ લોકોમાં ઉઠવા પામી છે.

આ અંગે જામનગર હાઇવે ઉપર આવેલ નાગેશ્વર વસાહતના નાગેશ્વર એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ આ એપાર્ટમેન્ટના એક બંધ ફલેટમાં થોડા દિવસો અગાઉ આ બંધ ફલેટના માલિકે તેના મિત્રને બે - ત્રણ દિવસ વાંચવા માટે ફલેટ આપ્યો હતો.

ત્યારબાદ જે વાંચવા આવતા હતા તેને કોરોના પોઝિટિવ આવતા તેઓ કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઇ સાજા થઇ ગયા હતા અને એ દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્રએ નાગેશ્વર એપાર્ટમેન્ટમાં સર્વે તથા મેડિકલ ચેકઅપ પણ કર્યું હતું પરંતુ આ બધુ થઇ ગયાના ઘણા દિવસો પછી એકાએક ત્રણ કર્મચારીઓ આવી નાગેશ્વર એપાર્ટમેન્ટ કે જ્યાં એક પણ કેસ નથી અને અગાઉ જે પોઝિટિવ આવેલ તેની સાથે કોઇ સંપર્ક પણ ન હતો છતાં ૧૦ દિવસ માટે આ એપાર્ટમેન્ટના ૪૮ ફલેટ ધારકોને ૧૦ દિવસ કોરન્ટાઇન કરી બાનમાં લઇ લીધા છે.

આમ, નાગેશ્વર એપાર્ટમેન્ટના રહેવાસીઓ કોઇ કારણ વગર સામાજીક અને માનસિક ત્રાસની મુશ્કેલી ભોગવી રહ્યા છે. જ્યારે તેનાથી ઉલ્ટું આ એપાર્ટમેન્ટની બરાબર સામે આવેલ અજમેરા એપાર્ટમેન્ટમાં એક જ પરિવારમાં ૪ કેસ છે. છતાં આજના દિવસે આ અજમેરા એપાર્ટમેન્ટ કોરન્ટાઇન નથી થયો અને આ એપાર્ટમેન્ટના રહેવાસીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે.

આમ તંત્રવાહકોની બેદરકારી કહો કે સંકલનનો અભાવ તેના કારણે સેંકડો તંદુરસ્ત લોકો બાનમાં મુકાયા છે અને જે કોરોના સંક્રમિત છે તે ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

આ બાબતે જિલ્લા પંચાયત કન્ટ્રોલ રૂમમાં પણ જાણ કરાઇ છતાં કોઇ કાર્યવાહી નહી થતાં વિસ્તારવાસીઓમાં લોકરોષ ફેલાયો છે.

(3:15 pm IST)