Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટ બાળઅદાલત (જુવેનાઈલ જસ્ટીસ) કોર્ટનો જામીન નામંજુર કરતો ચુકાદો માન્ય રાખતી સેશન્સ કોર્ટ

રાજકોટ,તા.૧૧: શહેરના ચુનારાવાડ, લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતી બાળકિશોરી કે જેની ઉંમર ૧૫ વર્ષ ૭ માસ ૮ દિવસની છે. તેણીને ફોસલાવી, પટાવી, લલચાવી, મકાન દેખાડવાના બહાને બળજબરીથી સ્કૂટર ઉપર બેસાડીને બાળકિશોર ઈ બાળઆરોપી રાહુલ રાજેશ પરમાર (ઉ.વ.૧૭) તથા તેનો મિત્ર- વિકી રાજુભાઈ સોલંકી બન્ને આરોપીઓએ પૂર્વ આયોજીત કાવત્રુ ઘડીને, ભોગબનનાર સગીર બાળાને અવાવારૂ જગ્યા / મકાનમાં લઈ જઈ તેણીની ઈચ્છા વિરૂધ્ધ બળજબરીથી તા.૬ / ૭ /૨૦૨૦ના રોજ, બન્નેએ દારૂ પી ને, ગેંગરેપ કરેલ અને ફરિયાદ કરીશ તો મારી નાંખવાની ધમકી આપેલ. જેથી ભોગબનનાર સગીરાએ તુરત જ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ. જેથી બન્ને આરોપીઓની ધરપકડ થયેલ અને વિકી સોલંકીની સેન્ટ્રલ જેલમાં મોકલેલ  જયારે રાહુલ પરમાર સગીર ઉંમરનો હોય જેથી જુવેનાઈલ જસ્ટીટ બોર્ડ, રાજકોટ સમક્ષ રજુ કરેલ અને સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં રાખેલ. જયાંથી જામીન મુકત થવાની અરજી કરતા,  જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે જામીન અરજી નામંજુર કરેલ.

જેથી ફોજદારી અપીલ (જામીન અરજી) સેશન્સ કોર્ટમાં કરેલ. તેમજ અન્ય આરોપી વિકીએ રેગ્યુલર જામીન અરજી કરેલ. જેની સામે મુળફરિયાદી ભોગબનનાર સગીરાએ હેલ્પીંગ પ્રોસીકયુશનમાં હર્ષદકુમાર એસ.માણેક એડવોકેટને રોકેલા અને બન્ને જામીન અરજીઓ નામંજુર કરવા અંગે તમામ કાયદાકીય લેખિત રજુઆતો રજુ કરેલ અને દલીલમાં જણાવેલ કે આ કિસ્સો પૂર્વઆયોજીત કાવત્રું ઘડીને ગેંગરેપ સગીરા ઉપર ધાકધમકી આપી, મારી નાંખવાની ધમકી આપીને દારૂ પી ને કરવામાં આવેલ છે. આ કિસ્સો દિલ્હીના નિર્ભયા કેસને લગતો છે અને તેની ઓથોરીટી રજુ કરેલ. આવી તમામ રજુઆતો તથા દલીલો ધ્યાને લઈ, માન્ય રાખીને, રાજકોટના મહે.સેશન્સ જજ યુ.ટી. દેસાઈ સાહેબે, વિકી આર. સોલંકીની જામીન અરજી તથા બાળસગીરાની ફોજદારી અપીલ રદ્દ / નામંજુર કરેલ છે અને ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે તથા સેન્ટ્રલ જેલમાં રાખવાનો હુકમ કરેલ છે. આમ સમાજ વિરોધી જધન્ય કૃત્ય સબબ ભોગબનનાર સગીરાને યોગ્ય ન્યાય અપાવતો ચુકાદો આપેલ છે અને દાખલો બેસાડેલ છે.

આ કામમાં સરકારશ્રી તરફે વકિલશ્રી પ્રશાંતભાઈ કે.પટેલ તથા એસ.એમ.ખીરા તથા મુળ ફરિયાદી / ભોગબનનાર સગીરા તરફે રાજકોટના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી વિરેન્દ્રકુમાર સી. દોશી તથા હર્ષદકુમાર એસ.માણેક રોકાયેલ છે.

(3:15 pm IST)