Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રા.લો. સંઘમાં મનસુખ સરધારાનું ફોર્મ માન્ય : ઢાંકેચા જુથને રાહત

મોડી રાત્રે ચૂંટણી અધિકારીનો ચૂકાદો : વાંધો ઉડાવી દેવાયો : એડવોકેટ મહેન્દ્ર ફળદુની સરધારા વતી ધારદાર સફળ દલીલ

રાજકોટ તા. ૧૧ : સહકારી સંસ્થા રાજકોટ - લોધિકા સહકારી સંઘમાં ચાંદલી બ્લોકના ઉમેદવાર મનસુખ સરધારા સામે હરીફ જુથની નિકટના ગણાતા મુકેશ તોગડિયાએ રજુ કરેલ વાંધો બંને પક્ષની લોબી દલીલો સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે ફગાવી દીધો છે. શ્રી સરધારાની ઉમેદવારી માન્ય રહી છે તેની સામે તોગડિયા હાઇકોર્ટમાં જાય તેવી શકયતા નકારાતી નથી. સરધારા પોતે મંડળીના મંત્રી હોવાથી ચૂંટણી લડી શકે નહિ તેવો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારીએ વાંધો માન્ય રાખ્યો નથી. ઢાંકેચા જુથને અત્યારે રાહત મળી છે. ઢાંકેચા અને રૈયાણી બંને જુથે સત્તાવાર રીતે સમાધાન જાહેર કર્યું છે. ૧૨ બેઠકો બિનહરીફ જાહેર થવા તરફ છે. ૩ બેઠકોમાં વધારાના ફોર્મ ભરાયા છે તે પાછા ન ખેંચાય તો ૩ બેઠકોની ચૂંટણી થશે. ત્રણેય બેઠકોના મળી કુલ ૧૨ મતદારો છે. ચૂંટણી અધિકારીએ માન્ય ઉમેદવારોની (કુલ ૧૯) યાદી જાહેર કરી દીધી છે.

ચૂંટણી અધિકારીએ ચૂકાદામાં જણાવ્યું છે કે, મંડળીનો માત્ર પગારદાર કર્મચારી જ સભ્ય પદ માટે ગેરલાયક ઠરે છે. તે જોતા તેઓ કોઇ પ્રકારના પગાર ભથ્થા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના ઓડીટ રીપોર્ટ અનુસાર મેળવતા નથી તથા લાભકારક હોદ્દો ધરાવતા નથી. રા.લો. સંઘના મેનેજર દ્વારા પણ તેઓ સંઘના પેટા નિયમો અનુસાર કોઇ પ્રકારની ગેરલાયકાત ધરાવતા નથી તે સંબંધે સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવેલ છે. આ તમામ બાબતો પરથી શ્રી સરધારા મહેનતાણુ નહી મેળવતા મંત્રી તરીકે માનદ સેવા આપતા હોવાનું ફલીત થાય છે તથા પગારદાર કર્મચારી હોવાનું ફલીત થતું નથી. તથા આ સંબંધે તેઓ પગાર મેળવતા હોય તેવા કોઇ આધાર પુરાવા વાંધેદારો રજુ કરી શકેલ નથી તથા શ્રી સરધારા ઉમેદવારી નોંધાવવા સંબંધે કોઇ પ્રકારની ગેરલાયકાત ધરાવતા હોવાનું પ્રતિત થતું નથી. ઉકત હકીકતો ધ્યાને લેતા વાંધેદારોની વાંધા અરજી ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. ઉમેદવાર મનસુખભાઇ રણછોડભાઇ સરધારા દ્વારા ભરવામાં આવેલ ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવે છે.

ચૂંટણીની કાર્યવાહી, ઉમેદવારી ફોર્મની લાયકાત ગેરલાયકાત અને અન્ય કાયદાકીય મુદ્દાઓના અર્થઘટનમાં જાણીતા સિનિયર એડવોકેટ મહેન્દ્રભાઇ ફળદુની સરધારા તરફી રજૂઆતો, ભૂમિકા ખૂબ જ મહત્વની રહેલ હતી.

(2:37 pm IST)