Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટની મહિલાએ મૈત્રી સંબંધો તોડી નાંખતા જામનગરના હેતલ ઉર્ફ હિતેને બિભત્સ ફોટા-વિડીયો તેણીના પતિ-દિકરાઓને મોકલ્યા!

આબરૂ જવાની બીકે ફરિયાદ ન થતાં હેતલ ઉર્ફ હિતેન વધુ આગળ વધ્યો અને પોતાના ફેસબૂક એકાઉન્ટમાં પણ ફોટા અપલોડ કરી દીધાઃ અંતે ફરિયાદ થતાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી દબોચી કાયદાનું ભાન કરાવ્યું : અગાઉ જામનગર રહેતી મહિલાએ રાજકોટ રહેવા આવ્યા બાદ મૈત્રી તોડી નાંખતા ન ગમ્યું

રાજકોટ તા. ૧૧: જામનગર રહેતાં બુટ-ચપ્પલના વેપારી મોચી શખ્સે પોતાની સાથેના મૈત્રી સંબંધો પુરા કરી નાખનાર રાજકોટની એક મહિલાના પોતાના મોબાઇલમાં અગાઉ લીધેલા બિભત્સ ફોટા અને વિડીયો તેણીના પતિ અને બે પુત્રોને મોબાઇલમાં સેન્ડ કરી દઇ તેમજ પોતાના ફેસબૂક એકાઉન્ટમાં પણ આ મહિલા સાથેના બિભત્સ ફોટા અપલોડ કરી દઇ તેણીને બદનામ કરતાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ગુનો નોંધી આ શખ્સને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

આ બનાવમાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટમાં જ રહેતાં ૪૫ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી જામનગર પટેલનગર શેરી નં. ૩ સોઢા સ્કૂલ પાસે સાધના કોલોની પાછળ રહેતાં અને બૂટ ચપ્પલનો ધંધો કરતાં હેતલ ઉર્ફ હિતેન હેમતભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૨) નામના મોચી શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૫૦૪, આટી એકટ ૨૦૦૦ની કલમ ૬૭ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

મહિલાએ એફઆઇઆરમાં જણાવ્યું હતું કે તેમને ત્રણ સંતાન છે. અગાઉ જામનગર રહેતાં હતાં ત્યારે કુટુંબી સગા હેતલ ઉર્ફ હિતેન ચોૈહાણ સાથે મૈત્રી સંબંધો બંધાયા હતાં. એ દરમિયાન બંનેના સાથેના ફોટા અને વિડીયો હેતલ ઉર્ફ હિતેને લીધા હતાં અને પોતના મોબાઇલ ફોનમાં રાખ્યા હતાં. તેણે આ ફોટા વિડીયો પોતાના ફોનમાં સાચવી રાખ્યાની મહિલાને જાણ નહોતી. એકાદ વર્ષથી પોતે રાજકોટ રહેવા આવી ગયા પછી હેતલ ઉર્ફ હિતેન સાથેના સંબંધ પુરા કરી નાંખ્યા હતાં. આ વાત તેને ગમી નહોતી અને અવાર-નવાર ધમકી આપતો હતો કે જો તું મૈત્રી સંબંધ નહિ રાખ તો તારા બિભ્સ ફોટા અને વિડીયો જે મારી પાસે ફોનમાં સાચવેલા છે તે વાયરલ કરી નાંખીશ.

આમ છતાં મહિલાએ હેતલ ઉર્ફ હિતેનને પોતે સંબંધ નહિ રાખે અને ફોનમાં વાત પણ નહિ કરે તેમ કહી દીધું હતું. આથી તે છંછેડાયો હતો અને ગત ૨૫ માર્ચ ૨૦૧૯ના રોજ તેણે પોતાના મોબાઇલમાંથી બિભત્સ ફોટા અને વિડીયો મહિલાના પુત્રના મોબાઇલમાં સેન્ડ કરી દીધા હતાં! સાથો સાથ ભુંડાબોલી ગાળોનો ઓડિયો પણ મોકલ્યો હતો. આટલેથી અટકયું નહોતું. એ પછી હેતલ ઉર્ફ હિતેન વધુ રઘવાયો થયો હતો અને મહિલાના મોટા દિકરા તથા તેણીના પતિના મોબાઇલમાં પણ બિભત્સ ફોટા અને વિડીયો મોકલવાનું ચાલુ કર્યુ હતું. સમાજમાં બદનામી થવાના ડરથી જે તે વખતે ફરિયાદ નોંધાવી નહોતું.

એ પછી હેતલ ઉર્ફ હિતેને પોતે હિતેન ચોૈહાણ નામે જે ફેસબૂક એકાઉન્ટ ધરાવે છે તેમાં પણ મહિલાના ફોટાઓ અપલોડ કરી દીધા હતાં. અંતે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી સાયબર ક્રાઇમ જી. ડી. પલાસણાની રાહબરીમાં પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ બી. એમ. કાતરીયા, પીએસઆઇ એન. બી. ડોડીયા, એએસઆઇ જે. કે. જાડેજા, પી.એન. ત્રિવેદી, હેડકોન્સ. દિપકભાઇ હરેશભાઇ, કોન્સ. જયદિપસિંહ ભટ્ટી, યોગરાજસિંહ ગોહિલ, નિલેષભાઇ તથા કોન્સ. ધારાબેન પંકજભાઇએ તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

(11:55 am IST)