Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ચેક & મેટઃ મંગળવારથી રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધા

આ ટુર્નામેન્ટમાં ઇન્ટરનેશનલ તથા ગ્રાન્ડ માસ્ટર્સ, રાષ્ટ્રીય તથા રાજ્યના ખેલાડીઓ ભાગ લેશે : રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસિએશન દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે આયોજન

રાજકોટ તા. ૧૧ : બુધ્ધિમતાણી શ્રેષ્ઠ રમતમાં જેની ગણના થાય છે તેવી રમત 'ચેસ'નું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટ 'ચેસ પ્લેયર્સ એસોસિએશન' દ્વારા પ્રથમવાર સ્માર્ટ સિટી રાજકોટ, રંગીલા રાજકોટ ખાતે ઓપન ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટનું જાજરમાન આયોજન આગામી તા.૧૪ થી તા.૧૯ ઓગસ્ટ છ દિવસ સુધી આનંદનગર કોમ્યુનિટી હોલ યુનિટ નં. ૧ તથા ૨ માં યોજાશે. આ ટુર્નામેન્ટના વિજેતાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ  રૂ.૨,૨૧,૦૦૦ના ઇનામો આપવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાં પ્રથમ ઇનામ રૂ.૨૫,૦૦૦, બીજું ઇનામ રૂ.૨૦,૦૦૦, ત્રીજું ઇનામ રૂ.૧૫,૦૦૦ એમ મળી કુલ રૂ.૨,૨૧,૦૦૦ પ્રાઈઝ તેમજ ૧૮ ટ્રોફી મળી કુલ ૮૩ ખેલાડીઓને આપવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાં સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ, યુરાટોમ સોલાર, ગોંડલ, ઓ.એલ.પોપટ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ, જયોતિ સીએનસી, મેટોડા, એન્લીવન, રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત ઇનોવેટીવ ઇન્ટરનેશનલ સ્કુલ, ડાયનેમીક ચેસ એકેડમી, ગેસફોર્ડ ચેસ કલબ, વન્ડર ચેસ કલબ તથા ગુજરાત લેવલની રાજકોટ સહિતની તમામ 'ચેસ'ની એકેડમીએ સહકાર આપેલ છે.

આ ટુર્નામેન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા વિગેરે દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ટુર્નામેન્ટ ડાયરેકટર અને જી.એસ.સિ.ના સેક્રેટરી ભાવેશભાઈ પટેલ તેમજ મુખ્ય આયોજન કમિટીના કિશોરસિંહ જેઠવા, મનીષ પરમાર, CA પરીનભાઈ પટેલ, ચેતનભાઈ કામદાર, મીતેશભાઇ બોરખેતરીયા, CA કેયુરભાઈ પરમાર, CS પીયુશભાઇ જેઠવા, વિપુલભાઈ મકવાણા, ડો.નિમીષભાઈ પરીખ, પ્રદીપભાઈ દસ, હિમાંસુભાઈ ઝાલા, હિંમતભાઈ અજમેરા વિગેરે દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવી રહેલ છે.

આ ટુર્નામેન્ટમાં ચીફ આર્બિટર તરીકે રાજસ્થાનના IA રાજેન્દ્ર તેલી તથા આસીસ્ટન્ટ આર્બિટર તરીકે જય ડોડીયા રાજકોટ દ્વારા સેવા પ્રદાન કરવામાં આવનાર છે.  આ ટુર્નામેન્ટમાં ૩ (IM) ઇન્ટરનેશનલ માસ્ટર્સ તથા અન્ય GM ગ્રાન્ડ માસ્ટર્સ, WGM વુમન ગ્રાન્ડ માસ્ટર્સ ઉપરાંત ALL ઇન્ડિયાના ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ તથા રાજકોટ સહિતના હાઈ ઇન્ટરનેશનલ રેટેડ ખેલાડીઓ ભાગ લેશે. તેમજ રંગીલા રાજકોટની ચેસપ્રેમી જનતાને પણ આ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પદાધિકારીઓએ  દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(4:18 pm IST)