Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ગામડે ગામડે દેના બેંકની શાખાઓઃ ધિરાણ પ્રવૃતિ બંધ રહેતા ગ્રામિણ અર્થતંત્રની માઠી

બેંક યુનિયન પૂછે છે... ડુબત લેણાની વસુલાત માટે લાલ આંખ કેમ નહિ ?: ૧૬મીએ દેના બેંકના કર્મચારીઓ ધરણા યોજી બેંકની સાચી સ્થિતિ જણાવશે

રાજકોટ, તા. ૧૧ :. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ દેના બેંક પર કોઈ પણ પ્રકારના ધિરાણ કરવાની મનાઈ ફરમાવી છે. આ એક તઘલખી નિર્ણય છે અને તેનો કર્મચારી સંગઠન વિરોધ કરી રહેલ છે. રીઝર્વ બેન્કે ભારતની ૧૧ (અગિયાર) જાહેર ક્ષેત્રની બેંક પર પ્રોમ્ટ કરેકટીવ એકશન જેને પીસીએના નામે ઓળખવામાં આવે છે તે લાગુ કરેલ છે. તેમાની એક બેંક દેના બેંક છે, પરંતુ ગુજરાતની વરિષ્ઠ બેંકોમાંની એક બેંક દેના બેંક ઉપર ફકત આ પ્રતિબંધ શા માટે ? દેના બેંક ઉપરનો આ ભેદભાવ શા કારણસર ? આ પ્રશ્ન કર્મચારી સંગઠન ઉઠાવી રહેલ છે. ભારત સરકાર - બેંક અને કર્મચારી સંગઠને એક એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ) પર સહી કરેલ છે અને તેમા જણાવેલ દરેક શરતોનું અન્ય બેંકોની જેમ દેના બેન્ક પણ પાલન કરી રહેલ છે. કોઈ પણ બેંકીંગ કંપની પર થાપણ લેવાની છુટ અને ધિરાણ પર પાબંધી તો તે સંસ્થા નફો કઈ રીતે કરી શકે ? તે સામાન્ય સમજની વાત છે તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીની યાદી જણાવે છે.

દેના બેંકે ૨૦૧૦ની સાલથી ૨૦૧૮ની સાલ સુધી ઓપરેટીંગ પ્રોફીટ કરેલ છે, પરંતુ રીઝર્વ બેંકની નવી સૂચના મુજબ ડૂબત લેણા સામેની જોગવાઈને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ઓપરેટીંગ પ્રોફીટ હોવા છતાં બેંક ખોટ કરે છે. માર્ચ ૨૦૧૮માં બેંકના ઓપરેટીંગ પ્રોફીટ રૂ. ૧૧૭૦ કરોડ હતો, પરંતુ રૂ. ૩૦૯૩ કરોડની ડૂબત લેણાની જોગવાઈને કારણે બેંકે રૂ. ૧૯૨૩ કરોડની ખોટ કરેલ છે. બેંકના ડૂબત લેણાની સમીક્ષા કરીએ તો બેંકના ડૂબત લેણા રૂ. ૧૬૫૦૦ કરોડ છે. જેમા ફકત ૨૫૦ મોટા ધિરાણ લેનારની રકમ રૂ. ૧૩૦૦૦ કરોડ એટલે કે ૮૦ ટકા જેટલી છે. બીજા ૧,૨૫,૦૦૦ ધિરાણ લેનાર ગ્રાહકોના ડૂબત લેણા ફકત રૂ. ૩૫૦૦ કરોડ છે એટલે કે ૨૦ ટકા છે. સરકાર અને રીઝર્વ બેંકે ડૂબત લેણાની વસુલી કરવા કડક પગલા લેવાની જરૂર છે પરંતુ તેમને કન્સેશન આપી બેંકને અને તેના સામાન્ય ગ્રાહકોને સજા કરી રહેલ છે તેમ તેઓ ઉમેરે છે.

બેંક ઉપરના ધિરાણના પ્રતિબંધને કારણે બેંક ગુજરાતમાં અગ્રેસરની બેંક છે તે પ્રાયોરીટી સેકટર, ખેતધિરાણ નહી કરી શકે. તેથી આ વર્ગને મોટી અસર થશે અને સામાન્ય પ્રજાને નશ્યત કરવામાં આવી રહી છે.

બેંક મોટી રકમની થાપણો ન લે તે સમજી શકાય, પરંતુ ધિરાણ પર પ્રતિબંધ શા માટે ? બેંકને શાખાઓ બંધ કરવાનું ફરમાન શા માટે ? કર્મચારીઓની ભરતી તેમજ ગુજરી જનાર કર્મચારીના સંતાનને નોકરી આપવા પર પ્રતિબંધ શા માટે ? સંગઠન તરફથી રીઝર્વ બેંક અને સરકારના નાણામંત્રીને રજૂઆત કરેલ છે પરંતુ તે પરિણામ રહિત છે. આ સંજોગોમાં કર્મચારીઓએ પ્રજા સમક્ષ સાચી હકીકત મુકવાની જરૂર છે. દેના બેંકના કર્મચારીઓ તા. ૧૬-૮-૨૦૧૮ના રોજ ગુજરાતના મુખ્ય શહેરોમાં ધરણાં યોજી જાહેર જનતાને સાચી હકીકત જણાવવા પ્રયત્ન કરશે તેમજ ગ્રાહકો પાસેથી સરકારને આપવાના આવેદન પર સહી કરાવશે. રાજકોટમાં કિસાનપરા ચોકમાં દેના બેંકના કર્મચારીઓ તા. ૧૬-૮-૨૦૧૮ના રોજ સવારે ૧૧.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી ધરણા યોજશે તેમ યાદીના અંતે જણાવાયુ છે.(૨-૨૧)

(4:09 pm IST)