Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સોમવાર સુધીમાં નવા વિપક્ષી નેતા જાહેર થઇ જવાના સંજોગો

નિરીક્ષકોનો અહેવાલ પ્રદેશમાં: કોઇ એક-બે નામ માટે સર્વાનુમતિ નહિઃ ગત સામાન્ય સભામાં ગેરહાજર રહેલા કોર્પોરેટરો સામે લાલ આંખ

રાજકોટ, તા.૧૧: રાજકોટ મ્યુ.કોર્પોરેશનનાં વિપક્ષીનેતાની નિમણુંક સોમવાર સુધીમાં કરવામાં આવે તેવી ચર્ચાઓ કોંગી પક્ષના કાર્યકરોમાં ચાલી રહી છે. ગઈકાલે વિપક્ષી નેતા માટેની સેન્સ કોંગી નિરીક્ષકો દ્વારા તમામ કોર્પોરેટરોને મળી અહેવાલ પ્રદેશમાં મોકલવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યુ છે. વિપક્ષી નેતા તરીકે મનસુખભાઇ કાલરીયા, જાગૃતીબેન ડાંગર સહિતનાં નામો ચર્ચાઇ રહયા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વિરોધ પક્ષના નેતા માટે ગઈકાલે કોંગી નિરીક્ષક ધારાસભ્ય બ્રિજેશ મેરજા, હિંમતસિંહ  પટેલ, પ્રવિણ રાઠોડ દ્વારા શહેરના ભાવી પ્રમુખ તરીકે જેમની વરણી નિશ્ચિત મનાય છે તેવા પ્રદિપભાઈ ત્રિવેદીની ઓફિસમાં કોંગ્રેસી કોર્પોરેટરોને સાંભળ્યા હતા.

પ્રદેશનિરિક્ષકોએ તમામ કોર્પોરેટરોને રૂબરૂ સાંભળી વિપક્ષીનેતાની પસંદગી માટેનો અહેવાલ પ્રદશેમાં મોકલવામાં આવ્યો છે. સોમવારે મળનાર જનરલ બોર્ડ પહેલા નવા વિપક્ષીનેતાની નિમણુંક થાય તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

સામાન્ય સભામાં ગેરહાજર રહેલા  ૧૨ નગરસેવકો સામે લાલ આંખ

રાજકોટઃ વિપક્ષ્ીનેતા માટે કોંગી નિરીક્ષકોએ નગરસેવકોની સેન્સ લીધા બાદ અગાઉ મહત્વની એવી જનરલ બોર્ડમાં ૧૨ નગરસેવકો ગેરહાજર રહ્યા હતા તે અંગે નિરીક્ષકો રૂબરૂ ખુલાસો પણ પુછવામાં આવ્યો હતો.  ગેરહાજર રહેનારા કોર્પોરેટરો પાસેથી નિરીક્ષકો તેઓ કયાં સંજોગોમાં ગેરહાજર રહ્યા હતા અને શા માટે ગેરહાજર રહ્યા હતા તે અંગેની વિગતો  પુછવામાં આવી હતી. આ અંગે વિપક્ષાનાં હોદ્દેદારે જણાવ્યુ હતુ કે, પક્ષ દ્વારા વ્હિપ આપવામાં આવ્યુ ન હતુ. તેમજ બે-ત્રણ કોર્પોરેટરો બહાર હોવાથી હજાર રહી ન શકયા હોવાનું જણાવ્યુ હતુ.

(4:02 pm IST)