Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

રૈયાધાર ઇન્દિરાનગરમાં વ્યાજની ઉઘરાણી માટે ધમકી મળતાં રંજનબેનનો આપઘાત

વણકર મહિલાના મોતથી પરિવારમાં અરેરાટીઃ લીલીબેન નામની મહિલા પાસેથી ચાર મહિના પહેલા ૨૦ હજાર ૧૦ ટકા વ્યાજથી લીધાનું પતિ મોહનભાઇનું કથન

રાજકોટ તા. ૧૦: રૈયાધાર પાસે ઇન્દિરાનગરમાં રહેતાં વણકર મહિલાને વ્યાજની ઉઘરાણી માટે એક મહિલા ફોન કરી ધમકાવતી હોઇ કંટાળી જઇ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ઇન્દિરાનગર-૧માં રહેતાં રંજનબેન મોહનભાઇ ગોહેલ (ઉ.૪૦) નામના વણકર મહિલાએ સવારે દસેક વાગ્યે ઘરના બાથરૂમમાં જઇ અગ્નિસ્નાન કરી લેતાં ધૂમાડા નીકળતાં પડોશી જોઇ જતાં ૧૦૮ બોલાવી હતી. રંજનબેનને ગંભીર રીતે દાઝેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર રંજનબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. તેના પતિ મોહનભાઇ માલાભાઇ ગોહેલ શાંતિ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેના કહેવા મુજબ તેના પત્નિએ ચાર મહિના પહેલા લીલીબેન નામની મહિલા પાસેથી ઘરમાં જરૂરિયાત હોવાથી રૂ. વીસ હજાર દસ ટકા વ્યાજથી લીધા હતાં. આ રકમ પૈકી વ્યાજ ચુકવ્યું હતું. વધુ વ્યાજ માટે લીલીબેન અવાર-નવાર ફોન કરી હેરાન કરતાં હોવાથી પત્નિએ આ પગલું ભર્યુ હતું. પોલીસે આ વિગતોની ખરાઇ કરવા તપાસ હાથ ધરી છે.

મધુવન સોસાયટીના કસ્તુરીબેન કામદારનું બેભાન હાલતમાં મોત

મવડી ૧૫૦ રીંગ રોડ પર ઇગલ ટ્રાવેલ્સની ઓફિસ નજીક મધુવન સોસાયટી-૧માં રહેતાં કસ્તુરીબેન હેમાંગભાઇ કામદાર (ઉ.૫૮) નામના મહિલાને સવારે પુત્ર નંદીનભાઇએ ઉઠાડતાં નહિ ઉઠતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. મૃત્યુ પામનાર કસ્તુરીબેનને બે પુત્ર નંદીનભાઇ અને અભિનભાઇ છે. પતિ હેમાંગભાઇ ઇલેકટ્રોનિક કન્સ્લટન્ટ તરીકે કામ કરે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(4:08 pm IST)