Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સૌરાષ્ટ્રમાં જળસંકટના પુરઃ તમામ ૧૩૭ ડેમોનું મળીને માત્ર ૪પ ટકા જ પાણી

આજની સ્થિતિએ ભાદરમાં પ૦.૧પ ટકા, આજી-૧માં ર૮ ટકા અને ન્યારી-૧માં ૪૬ ટકા પાણી : વરસાદ ન થાય તો ઠેર-ઠેર પાણી કાપ નક્કી

રાજકોટ, તા., ૧૦: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની અપુરતી કૃપાના કારણે ઘેરા જળસંકટના એંધાણ વર્તાઇ રહયા છે. સામાન્ય રીતે જુન મહીનાથી ચોમાસુ શરૂ થયાનું ગણાય છે. તે રીતે જોતા ચોમાસાના સમયના અઢી માસ જેટલો સમય વિતી ગયા છતા ડેમોમાં ખાસ આવક નથી. સૌરાષ્ટ્રમાં સિંચાઇ અને પીવાના પાણીના હેતુથી નિર્માણ પામેલા ૧૩૭ ડેમોમાં આજની તારીખે માત્ર ૪૪.૭૬ ટકા જ પાણી છે. આવતા દિવસોમાં વરસાદને કારણે નવા નીરની આવક ન થાય તો સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગામડાઓમાં સિંચાઇ અને પીવાના પાણીનો બોકાસો બોલી જશે. સૌરાષ્ટ્રમાં કુલ ૧૩૭ ડેમ છે. આજની તારીખે આખો ભરેલો હોય એવો એક પણ ડેમ નથી. જુલાઇના ત્રીજા અઠવાડીયામાં વરસાદ થયા બાદ મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા ચિંતાની લાગણી જન્મી છે. સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં મળી માત્ર ૪૪.૭૬ ટકા જ પાણી છે. તે કુલ જરૂરીયાતના અડધાથી પણ ઓછો જથ્થો છે.

રાજકોટને પાણી પુરૂ પાડતા આજી-૧ ડેમમાં ર૮ ટકા પાણી, ન્યારી-૧ ડેમમાં ૪૬ ટકા અને ભાદરમાં પ૦.૧પ ટકા જ પાણી છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના નીરની વ્યવસ્થા ગોઠવાયેલ છે પરંતુ કમનસીબે આ વખતે મધ્યપ્રદેશમાં પુરતો વરસાદ ન થતા નર્મદા ડેમમાં પણ પાણીની સપાટી એકધારી ઘટી રહી છે. આજની તારીખે નર્મદાની સપાટી ઘટીને ૧૧૦.૯પ મીટરે પહોંચી છે. ૧૧૦.૬૪ મીટરથી નીચે જશે તો ડેડ સ્ટોકમાંથી પાણી ઉપાડવાની કાર્યવાહી કરવી પડશે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમોમાં અપુરતુ પાણી છે અને પડયા પર પાટુ હોય તેમ નર્મદા પણ પાણી ઘટી રહયું છે. હજુ એકાદ મહિનો ચોમાસાનો સમયગાળો ગણાય છે. જોરદાર વરસાદ આવે તો ગમે ત્યારે પાણીનું ચિત્ર ફરી શકે તેમ છે.

(3:32 pm IST)