Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

શહેર કોંગ્રેસ- મનપાનું સંગઠન માળખુ ફરી અટવાયુ

મહાપાર્લિકાની ચૂંટણી નજીક છતાં વિપક્ષમાં નથી જોવા મળતી તૈયારીઓ : હાઈકમાન્ડની લીલીઝંડીના વાંકે નવી નિમણૂંકો ટલ્લેઃ સારા નહીં, મારાને કારણે કોંગ્રેસની ઘોર ખોદાઈ

રાજકોટ,તા.૧૧: રાજકોટ મહાપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને બહુ ઓછો સમય બાકી રહ્યો છે. શાસક પક્ષ ભાજપ સત્તા હાથમાંથી સરકતી બચાવવા તૈયારીઓમાં લાગી ગયો છે. પરંતુ વિપક્ષ કોંગ્રેસમાં કોઈ સળવળાટ જોવા મળતો નથી. પહેલેથી જ વેરવિખર કોંગ્રેસમાં કોર્પોરેશન, આગેવાનો પોતપોતાના વોર્ડમાં સક્રિય છે પરંતુ પક્ષ મજબૂત બને તે દિશામાં સંગઠિત જોવા મળતા નથી.

ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું લાંબા સમયથી વિખેરાયેલું છે જેની સીધી અસર મહાપાલિકા સહિત સ્થાનિક સ્તરે જોવા મળે છે. કોઈને કોઈ કારણસર નવું માળખું જાહેર થઈ શકતું નથી અને હવે સ્થાનિક ચૂંટણીઓ નજીક આવતા ચિંતિત બનેલા પ્રદેશ આગેવાનો હાઈકમાન્ડના ચકકર લગાવી રહ્યા છે. હાઈકમાન્ડની લીલીઝંડીના વાંકે પ્રદેશ સંગઠન માળખું જાહેર કરી ન શકાયાનું કોંગ્રેસના સૂત્રો જણાવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા નવું માળખું જાહેર કરવામાં આવશે અને તેમાં યુપી પેટર્ન જોવા મળે તેવી સંભાવના છે. હોદ્દેદારોની સંખ્યા ૧૦૦ આસપાસ રહી શકે છે.

વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડે ગુજરાત કોંગ્રેસની કમાન યુવા નેતાઓના હાથમાં સોંપી હતી. તેમ છતાં રાજયમાં કોંગ્રેસના નેતાઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જૂથવાદને કારણે કોંગ્રેસના આગેવાનો અપેક્ષિત વિરોધ કરી શકતા નથી જેથી શાસકો કે જનમાનસમાં તેની અસર જોવા મળતી નથી. સંઠગનમાં સારા નહીં પરંતુ મારાની નીતિને કારણે કોંગ્રેસના નેતાઓ વિપક્ષ તરીકે નિષ્ફળ નિવડયા છે. કોંગ્રેસના કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનને એટલે જ સફળતા મળી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લે જાહેર કરાયેલા સંગઠન માળખામાં ૪૦૦ સભ્યો હતા. જે નવા માળખામાં ૧૦૦ સુધી ટૂંકાવવામાં આવી શકે છે. નવા હોદ્દેદારોની જવાબદારી પણ ફિકસ કરાશે. ઝોનવાઈઝ કાર્યકારી પ્રમુખોની નિમણુક કરવામાં આવી શકે છે. છેલ્લે જયારે માળખું જાહેર કરાયુ ત્યારે માત્ર પ્રદેશ પ્રમુખની ખુરશી સલામત રહી હતી.

(3:21 pm IST)