Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કાલાવડ રોડ કે.કે.વી. સર્કલે ડબલડેકર ફલાય ઓવરની ટેન્ડર પ્રક્રિયા શરૂ

ચૂંટણી નજીક આવતા જ ઓવરબ્રીજના કામો શરૂ કરવા તજવીજ : પ્રિન્સેસ સ્કુલથી ફલાય ઓવર શરૂ થશે અને વિવેકાનંદ સ્વીમીંગ પુલ પાસે પુરો થશે : કે.કે.વી. ચોકના હયાત ફલાય ઓવર ઉપરથી આ નવો ફલાય ઓવર બની ગયા બાદ ટ્રાફિકની સમસ્યા હળવી થશે : રામદેવપીર ચોકડીએ અને નાના મૌવા ચોકડીના ઓવરબ્રીજ માટે રિ-ટેન્ડર

રાજકોટ તા. ૧૧ : આગામી ટુંક સમયમાં જ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પ્રજામાં વિકાસકામો દેખાડવા શાસકોએ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ત્રણ ઓવરબ્રીજના કામો જેની અગાઉ માત્ર જાહેરાતો જ થઇ હતી. તેના ટેન્ડરો પ્રસિધ્ધ કરવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના ઇજનેરી સૂત્રોએ જણાવ્યા મુજબ કાલાવડ રોડ ઉપર કે.કે.વી. ચોકમાં અસહ્ય ટ્રાફિકજામની સમસ્યા દુર કરવા અંડરબ્રીજની યોજના ફેઇલ જતાં હવે આ સ્થળે ડબલડેકર ફલાય ઓવરની ડીઝાઇન ફાઇનલ થઇ છે.

આ ડીઝાઇન મુજબ કાલાવડ રોડ ઉપર પ્રીન્સેશ સ્કુલથી ફલાય ઓવર શરૂ થશે જે કે.કે.વી. ચોકના હયાત ફલાય ઓવરની ઉપરથી પસાર થશે અને સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ પાસે પૂરો થશે.

આ નવો ફલાય ઓવરબ્રીજ ૧૫.૫૦ મીટર પહોળો અને ૧૧૦૦ મીટર લાંબો થશે. આ બ્રીજની બંને બાજુએ ૬-૬ મીટરનાં બે સર્વિસ રોડ બનાવાશે. કુલ ૯૦ કરોડના ખર્ચે આ નવો ફલાય ઓવર બનશે. જેની ટેન્ડર પ્રક્રિયા આવતા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થશે.

જ્યારે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડીએ પણ ૨૮ કરોડના ખર્ચે ફલાય ઓવર બનનાર છે. જેનું રિ-ટેન્ડર કરાયુ છે તેવી જ રીતે નાના મૌવા ચોકડીએ પણ ફલાય ઓવરબ્રીજ માટે ૩૦ કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયેલ. જેમાં પણ રિન્ટેન્ડર થયેલ જે હવે ખોલવામાં આવનાર છે.

(3:19 pm IST)