Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ખાનગી શાળાના શિક્ષકોની ખાનગી વાત

સરકાર - શૈક્ષણિક સંસ્થા અને વાલીઓ વચ્ચે શિક્ષકગણ પીસાઇ રહ્યો છે : ઓનલાઇન શિક્ષણ આપીને શિક્ષકોએ પોતાની મહારત સાબિત કરી, પણ...

કોરોના વાયરસની આ વૈશ્વિક મહામારીમાં લોકોના જનજીવનને માઠી અસર થઇ છે. અનેક જાતની ન વિચારી હોય એવી સમસ્યા ઉત્પન્ન થઇ છે. સમસ્યાના ઉકેલ લાવવા પ્રયત્નો તો થાય છે પણ કેટલીક સમસ્યાઓ અછૂતી જ રહી જાય છે, એવું લાગે છે કે તેની તરફ કોઈ ધ્યાન જ આપતું નથી.

સમસ્યાઓના સમાધાન માટે સરકાર તથા કેટલીક સમાજસેવી સંસ્થાઓ તથા મંડળો અનેક પ્રયાસો તો કરે જ છે. છતાં બધું થાળે પડતાં સમય લાગે જ, એવું માનીને લોકો પણ મૂંગા મોઢે કાં તો બધું જોયા કરે છે કાં તો ફાંફાં મારે છે ને 'સહન કરવું જ પડશે' એવું સમજીને સમાધાન તરફ વળે છે. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવતા આપણા ભારત દેશમાં સૌ કોઈ જાણે છે કે સમસ્યાના સમાધાન મુશ્કેલ જ છે છતાં પ્રયત્નો તો કરવા જ રહ્યા.આર્થિક સમસ્યા, વ્યવસાય કે ઔદ્યોગિક સમસ્યા, શૈક્ષણિક સમસ્યા જેવી અનેક સમસ્યાઓ વચ્ચે સૌથી વધુ મધ્યમ વર્ગનો માણસ પીસાતો હોય છે. આવા મધ્યમવર્ગમાં ગણાતો હોય તેવો એક માણસ તે છે 'શિક્ષક' અને એ પણ 'ખાનગી શાળાનો શિક્ષક'.

ઝાઝી વાતો ના ગાડાં ભરાય. હું મૂળ વાત પર આવું. લોકડાઉન માં શાળાઓ બંધ થઈ. શાળાના સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું. અચાનક આવતી મહામારીની સમસ્યા વચ્ચે પણ બાળકોનું શિક્ષણ બગડે નહીં એવા હેતુથી બાળકોને ભણવાનું ચાલુ રાખ્યું. ખાનગી શાળાના શિક્ષકોએ સાબિત કરી બતાવ્યું કે તેઓ મુશ્કેલ પરિસ્થિતિ ને હેન્ડલ કરવામાં માહિર છે.શાળા સંચાલકોને આદેશથી ખાનગી શાળાના શિક્ષકોએ વગર ટ્રેનિંગે ઓનલાઇન ભણાવવાનું કામ હાથોહાથ ઉપાડી લીધું અને તેઓ તેમાં ખૂબ જ સારી રીતે સફળ રહ્યા પણ ખરા.

સાબિત થયું કે ખાનગી શાળાનો શિક્ષક મર્યાદિત પગાર હોવા છતાં પણ આત્મસંતોષ માટે ને સમાજ સુધારણા માટે ને શિક્ષણનો વ્યાપ વધારવા માટે રાત-દિવસ એક કરીને સખત પરિશ્રમ કરનારો છે. આમ છતાં આપણો સમાજ અને દેશનું વહીવટીતંત્ર શિક્ષકોની ક્ષમતાને સમજવામાં ને તેની કદર કરવામાં બહુ વામણું સાબિત થયું છે.ઙ્ગ

વાલીઓ પોતાની સમસ્યાઓના ગાણાં ગાય અને શાળાના સંચાલકો પોતાની સમસ્યાઓ કહે શું ખાનગી શાળાના શિક્ષકોની કોઈ સમસ્યા નહીં હોય ? તેઓની સમસ્યાને સમજવા કે તેનું સમાધાન કરવાનો કોઇએ વિચાર પણ કર્યો ખરો ?

વાલીઓ ફી માફીની માગણી કરે ને સરકાર તેને રમાડતી હોય તેમ 'નરો વા કુંજર વો' જેવી વાતો કરે. કહી દીધું સરકારી નેતાઓએ કે છ મહિના સુધી કોઇ પણ સ્કૂલ સંચાલક વાલીઓને ફી ભરવાનુ દબાણ ન કરે અને વાલીઓએ માંગણી કરી કે ફી માફ કરો. જો શાળા સંચાલક ફી માંગે તો રાજકીય રોટલા શેકવા વાળા કેટલાક લોકો યુનિયન બનાવીને સરકારી ખાતામાં ફરિયાદ કરે ને શાળા સંચાલકોને ધમકાવે ને ફોટા કે વીડિયો વાયરલ કરીને નેતાગીરીનો સંતોષ માને.

સરકારે ફી માફીનો કોઈ પરિપત્ર આપેલો જ નથી પણ શિક્ષણ વિભાગમાંથી બીજી કોઈ પણ સ્પષ્ટતા પણ નથી. કોને શું કરવું એની કોઈને ખબર નથી. એટલે જ લોકશાહીમાં તો મારે તેની તલવાર ની જેમ હો-હલ્લો બોલાવવા બધાં તૈયાર થઈ જાય.વાતાવરણ એવું કરી દેવામાં આવ્યું છે કે વાલીઓએ ફી ન ભરવી, તો ખાનગી શાળાઓને શું સરકાર ગ્રાન્ટ આપે છે? નથી આવતી. તો પછી એ બીજા બધા ખર્ચા કયાંથી કાઢશે?

કેટલાક લોકો એવું કહે છે કે ઓનલાઈન ભણવામાં વળી શેનો ખર્ચ થાય? અરે મારા વ્હાલા દેશવાસીઓ! મોબાઈલ કે લેપટોપ ના ખર્ચ શિક્ષકોને શું નથી કરવા પડતા ? ઇન્ટરનેટનો ખર્ચ નથી થતો ? એ બધાની સાથે શું શિક્ષકોની મહેનતની કોઈ ગણતરી કરવાની જ નહીં ?ઙ્ગ આવા ખર્ચાઓને તો ધ્યાનમાં લેવા જોઈએ કે નહીં ?

મુદ્દાની વાત એ છે કે સરકારની વાતો વાલીઓની ખોટી માગણી અને શાળા સંચાલકો વચ્ચે શિક્ષક પીસાય છે તેનું શું ? અત્યારના સમયમાં સૌથી વધુ હેરાન-પરેશાન હોય તો એ છે ખાનગી શાળાનો શિક્ષક.

કેવી રીતે, એ હું તમને સમજાવું. વાલીઓ ફી ભરતા નથી. એટલે શહેરની મોટાભાગની શાળાઓએ શિક્ષકોને કે બીજા કર્મચારીઓને છૂટા કરી દીધા. જેને નોકરી પર રાખ્યા તેને પણ પૂરતો પગાર આપતા નથી. પગાર અધૂરો આપે એ પણ અનિયમિત.જોકે કેટલીક શાળાઓ એવી પણ છે, જેણે સ્ટાફને છુટ્ટો પણ નથી કર્યો અને પૂરતો પગાર પણ આપે છે. પણ જયાં શિક્ષકો મહેનત કરે છે તેનું વળતર પૂરૃં મળતું નથી ને તેનું સાંભળનારું પણ કોઈ નથી.

શાળા સંચાલકો કહે છે કે વાલીઓ ફી ભરતા નથી તેથી તમને પગાર આપવો પોસાય તેમ નથી. હવે જે શિક્ષકોએ જે તે સંસ્થા માટે પોતાની જિંદગીના બહુમૂલ્ય વર્ષો એ શાળા ને સમર્પિત કરી દીધા હોય, એમ કહું કે પોતાનું લોહી એ સંસ્થા માટે રેડી દીધું હોય, તેનું અને તેના પરિવારનું શું ? આવા શિક્ષકોને પરિવારની પૂરી જવાબદારી હોય છે. તેને ભવિષ્યમાં પણ પેન્શન કે બીજા કોઈ પણ લાભ મળવાના જ નથી. નથી તેના વિશે શાળા સંચાલકો વિચારતા કે નથી સરકાર વિચારતી. એની હાલત તો ન ઘરના કે ન ઘાટના જેવી થઈ ગઈ છે.

શિક્ષકોને પગાર ન મળે તો તેના મકાનના હપ્તા, તેનો જીવન જરૂરી ખર્ચ, તેના પોતાના કે પરિવારના સભ્યોના દવાઓના ખર્ચ, શિક્ષકોના બાળકોની સ્કુલ ફી કે તેનાં અન્ય ખર્ચ કયાંથી નીકળશે ? શિક્ષક સ્વમાની હોય છે. તે કયાં હાથ લાંબો કરવા જશે ? આવી વિકટ સ્થિતિમાંથી પસાર થતો શિક્ષકવર્ગ અત્યારે મૂંઝવણમાં કિંકર્તવ્યમૂઢ બની બેઠો છે.ઙ્ગ

આપણી સંસ્કૃતિ પ્રમાણે ગુરુનું સ્થાન શ્રેષ્ઠ છે એ સંસ્કૃતિ કયાં વિલીન થઈ ગઈ ? જો કોઈ સાચું સમજવાવાળું હોય તો ખાનગી શાળાના શિક્ષકોને સમાજના સભ્યો ગણીને યોગ્ય ન્યાય અપાવે તો સારૃં.

: આલેખન :

નિલેશ ગોહેલ

(3:14 pm IST)