Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

દિવસે જ ચોરી કરતો શકમંદ સકંજામાં: લોકમાન્ય તિલક ટાઉનશીપ, મનહરપ્લોટ સહિતના પાંચેક ગુનાનો ઉકેલાશે

પ્રજાપતિ ચતુરભાઇ કોશીયાના ઘરમાંથી પરમ દિવસે સમી સાંજે ૨૨ હજારની મત્તા ચોરાઇ હતીઃ મનહર પ્લોટના જગજીત એપાર્ટમેન્ટમાં પણ ચોરી થઇ હતીઃ બી-ડિવીઝન પોલીસને સફળતા મળવાની આશા

રાજકોટ તા. ૧૧: મોરબી રોડ પર લોકમાન્ય તિલક ટાઉનશીપમાં બે દિવસ પહેલા સાંજના સમયે અલગ-અલગ વિંગના ચાર ફલેટમાં ચોરી અને ચોરીનો પ્રયાસ થયો હતો. બી-ડિવીઝન પોલીસે એક શકમંદને શોધી કાઢતાં ભેદ ઉકેલાઇ જવાની આશા છે. આ તસ્કર દિવસે  અને સમી સાંજે ચોરીઓ કરવાની ટેવ ધરાવે છે. બી-ડિવીઝન ઉપરાંત એ-ડિવીઝન, યુનિવર્સિટી વિસ્તારના મળી પાંચેક ગુનાના ભેદ ઉકેલાઇ જવાની આશા છે.

ચોરીના એક બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ પર શિવધારા રેસિડેન્સી પાસે આવેલી લોકમાન્ય તિલક ટાઉનશીપ ઇ-૧૦૩માં રહેતાં અને સુથારી કામ કરી ગુજરાન ચલાવતાં ચતુરભાઇ વેલજીભાઇ કોશીયા (પ્રજાપતિ) (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

ફરિયાદી ચતુરભાઇના કહેવા મુજબ ૯મીએ સાંજે પાંચેક વાગ્યે મારા પત્નિ રંજનબેન ફલેટનો દરવાજો બંધ કરી તાળુ મારી નીચે દૂધ લેવા ઉતર્યા હતાં. દૂધ લીધા બાદ ફલેટ નીચે બગીચામાં બીજી મહિલાઓ બેઠી હોઇ ત્યાં બેસવા ગયેલ. સાંજે સવા સાતેક વાગ્યે હું ઘરે આવ્યો ત્યારે પત્નિ પણ નીચેથી ફલેટ તરફ જતી મળી હતી. અમે ફલેટ પર પહોંચ્યા ત્યારે દરવાજો અર્ધખુલ્લો દેખાયો હતો. પત્નિએ મારેલુ તાળુ જોવા મળ્યું નહોતું. અમે અંદર તપાસ કરતાં બેડ રૂમનો કબાટ ખુલેલ હતો અને સામાન વેરવિખરે જોવા મળ્યો હતો.

તપાસ કરતાં કબાટની તિજોરીમાંથી રૂ. ૪ હજાર રોકડા, સોનાની ગીની રૂ. ૩ હજારની, ચાંદીની ગીની રૂ. ૫૦૦ની તથા સોનાની બંગડીઓ રૂ. ૧૫ હજારની મળી કુલ રૂ. ૨૨૫૦૦ની મત્તા ગાયબ જણાઇ હતી. જે તે વખતે અમે પોલીસ સ્ટેશનમાં મોૈખીક જાણ કરી હતી. પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ સુધાબેન પાદરીયા, વિરમભાઇ ધગલ, મનોજભાઇ, હેમેન્દ્રભાઇ સહિતની ટીમે તપાસ શરૂ કરી એક શકમંદને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે.

મનહરપ્લોટમાં ફલેટમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાઇ જવાની શકયતા છે. જે શકમંદને સકંજામાં લેવાયો છે તે અગાઉ પણ ત્રણેક વખત ચોરીઓના ગુનામાં સંડોવાઇ ચુકયો છે અને એકાદ મહિના પહેલા જ જેલમાંથી છુટ્યો છે.

(1:24 pm IST)