Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

શિતળાધારમાં સવિતાબેન અને પુત્ર રાહિત પર પથ્થર-સાવરણાથી ભરવાડ મા-દિકરીનો હુમલો

જસુબેન ભરવાડ અને તેની દિકરીએ હુમલો કર્યોઃ તેના વાછરડાએ સવિતાબેનના પીવાના પાણીના ટબમાં મોઢુ નાંખી દેતાં માથાકુટઃ એટ્રોસીટી

રાજકોટ તા. ૧૧: કોઠારીયા સોલવન્ટ શિતળાધારમાં વિધવા મહિલા અને તેના દિકરા પર પડોશી ભરવાડ પરિવારની મા-દિકરીએ હુમલો કરી સાવરણા અને પથ્થરથી માર મારતાં સારવાર લેવી પડી છે. ભરવાડ પરિવારના વાછરડાએ પીવાના પાણીમાં મોઢુ નાંખી દેતાં આ બાબતે ડખ્ખો થયો હતો.

બનાવ અંગે આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ શિતળાધાર ૨૫ વારીયા શેરી નં. ૯માં રહેતાં સવિતાબેન ઉર્ફ મીનાબેન ગોપાલભાઇ વાઘેલા (અનુ. જાતી) (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી તેના પડોશમાં રહેતાં જસુબેન ભરવાડ તથા મનુબેન ભરવાડ વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

સવિતાબેને ફરિાયદમાં જણાવ્યું છે કે  હું બાળકો સાથે રહુ છું અને મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. મારા પતિ હયાત નથી. મારે ત્રણ દિકરા છે. અમારી શેરીમાં મહાનગર પાલિકાનો પાણીનો ટાંકો પાણી આપવા આવ્યો ત્યારે અમારા ઘરના ટાંકા પાસે પાણી ભરેલુ ટબ રાખ્યું હોઇ બીજુ પાણી ભરતી હતી ત્યારે જસુબેન ભરવાડે તેના વાછરડાને છુટો મુકતાં તેણેે મારા પાણીના ટબમાં મોઢુ નાંખી દીધું હતું. આથી હું જસુબેનને કહેવા ગઇ હતી કે આ રીતે વાછરડાને છુટો શું કામ મુકો છો? મારું પીવાનું પાણી બગડી ગયું.

આ સાંભળી જસુબેન ઉશ્કેરાઇ ગયા હતાં અને તારા માટે હું શું મારા વાછરડાને બાંધી રાખું તેમ કહી ગાળો દેવા માંડ્યા હતાં અને જેમ તેમ બોલવા માંડ્યા હતાં. મારો પુત્ર રોહિત આવતાં જસુબેને તેને સાવરણો મારી લીધો હતો. હું દિકરાને છોડાવવા જતાં જસુબેનની દિકરી મનુબેને આવી મને પકડી લીધી હતી અને રોડ પરથી પથ્થર ઉપાડી જમણા નેણ ઉપર ફટકારી દેતાં મને લોહી નીકળવા માંડ્યા હતાં. કોઇએ પોલીસને જાણ કરતાં ગાડી આવી હતી. ત્યાંથી ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પથ્થરના ઘાને લીધે છ ટાંકા લેવા પડ્યા છે.

(1:23 pm IST)