Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

'અનલોક-૨' : પોલીસે ૧૦ દિ'માં ૧ કરોડનો દંડ વસુલ્યો

સરકારની માર્ગદર્શિકાનું પાલન નહિ કરનારા લોકો ઝપટે ચડ્યાઃ જાહેરનામા ભંગના ૬૦૯ ગુના દાખલઃ ૪૬૫૨ વાહનો ડિટેઇન થયા : જાહેરમાં થુંકનારા અને માસ્ક નહિ પહેરનારા ૫૨,૨૨૯ લોકો દંડાયાઃ નિયમોનું પાલન કરી દંડથી અને કોરોનાથી બચવા પોલીસ કમિશનરનો નગરજનોને અનુરોધ

રાજકોટ તા. ૧૧: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ફફડાવી મુકયુ છે. સરકારે કોરોના ફેલાતો અટકાવવા લોકડાઉન અમલી બનાવ્યું હતું. એ પછી અનલોક પ્રક્રિયામાં છૂટછાટો અપાઇ હતી. રાજકોટમાં અનલોક-૨ દરમિયાન શહેર પોલીસે ધંધા રોજગાર ચાલુ રાખતી વખતે સાવચેતી રાખવા અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા જાહેરનામુ બહાર પાડ્યું હતું. આમ છતાં લોકોએ કોરોના પ્રત્યે બેદરકાર રહી નિયમોનો ભંગ કરતાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. છેલ્લા ૧૦ જ દિવસમાં પોલીસે અધધધ રૂ. ૧ કરોડ ૪ લાખ ૪૫ હજાર ૮૦૦નો દંડ વસુલ કર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે સરકારની માર્ગદર્શિકા મુજબ લોકો અનલોક-૨માં ધંધા રોજગાર ચાલુ રાખી શકે તે માટે નિયમો બનાવાયા છે. આ મુજબ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. રાત્રીના દસથી સવારના પાંચ સુધી કર્ફયુ પણ જાહેર થયો છે. લોકો માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરે તે માટે સુચનો અપાયા હતાં. આમ છતાં લોકોએ નિયમોનો ભંગ કરતાં દંડની કાર્યવાહી કરવી પડી છે. તા. ૧/૭ થી અનલોક-૨ના આજ સુધીના સમયગાળામાં એટલે કે દસ દિવસમાં શહેરની તમામ પોલીસે જાહેરનામા ભંગના કુલ ૬૦૯ ગુના દાખલ કર્યા છે અને ૪૬૫૨ વાહનો ડિટેઇન કર્યા છે.આ ઉપરાંત જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થુંકનારા કુલ ૫૨,૨૨૯ લોકોને પકડી લઇ રૂ. ૧,૦૪,૪૫,૮૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

લોકોએ જાહેરમાં નીકળતી વખતે માસ્ક પહેરવું માર્ગદર્શિકા મુજબ ફરજીયાત છે તેમજ જાહેરમાં થુકંવુ નહિ તે પણ નિયમ છે.

આમ છતાં લોકો માસ્ક વગર નીકળી પડે છે અને જાહેરમાં થુંકે પણ છે. રાત્રી કર્ફયુનો ભંગ પણ કરી રહ્યા છે અને બીજા નિયમોનું પણ પાલન ન કરી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. પોલીસને નાછુટકે દંડની કાર્યવાહી કરવી પડે છે. હજુ પણ લોકો જો નિયમોનું પાલન નહિ કરે તો પોલીસ ૨૬૯ મુજબ કાર્યવાહી કરશે. પોલીસે પાંચ કરતાં વધુ વખત જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળ્યા હોય તેવા ૨૩૭ લોકોને પણ પણ શોધી કાઢ્યા છે. તેમજ જાહેરમાં થુંકતા લોકોને પણ સીસીટીવી કેમેરાની મદદથી શોધી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.

પોલીસ કમિશનર શ્રી અગ્રવાલે અનુરોધ કર્યો છે કે લોકોએ સહકાર આપી ફરજીયાત નિયમો પાળવા જરૂરી છે. જો આમ થશે તો જ કોરોનાને હરાવી શકાશે, મહામારીને આગળ વધતી અટકાવી શકાશે. જનતા સહકાર આપશે તો દંડથી પણ બચી શકશે અને કોરોનાથી પણ બચી શકશે.

(2:58 pm IST)