Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રાજકોટમાં તંત્રનો દંડ ઉત્સવઃ પોલીસ અને કોર્પોરેશન બંને નાગરિકો પાસેથી હજારો ખંખેરે છે !!!

વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણુ કરો : વાહન પાર્કીગ માટે સુવિધા આપવામાં તંત્ર વામણું સાબીત થઇ રહયું છેઃ એક જ જાહેરનામા ભંગમાં બે તંત્ર બે-બે વખત દંડ વસુલે છે અને લોકોએ નાછુટકે દંડ ભરવો પડે છે

રાજકોટ, તા., ૧૧: શહેરમાં જાણે તંત્ર વાહકો દંડ ઉત્સવ ઉજવી રહયા હોય તેમ સામાન્ય નાગરીકોને નાની-નાની બાબતોમાં  હજારો રૂપીયાનો દંડ ફટકારી રહયા છે. ત્યારે શહેરીજનોમાં આ બાબતે તંત્ર પ્રત્યે કચવાટની લાગણી ફેલાઇ રહી છે કેમ કે સુવિધા આપવામાં તંત્ર વામણં સાબીત થઇ રહયું છે અને દંડ ફટકારવા જોરશોરથી ઝુંબેશ શરૂ કરી છે.

આ અંગે લોકોમાં જ ચર્ચાતી વિગતો મુજબ હાલમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા અને ટ્રાફીક પોલીસ દ્વારા આડેધડ વાહન પાર્કીગ સામે  દંડ ફટકારવાની ઝુંબેશ જોરશોરથી ચલાવવામાં આવી રહી છે. તેનાથી ટ્રાફીક જામની સમસ્યા  ઘટવાની શકયતા છે.  પરંતુ રાજકોટમાં એવી પરિસ્થિતિ છે કે મોટા ભાગના રસ્તાઓમાં કોમર્શીયલ કોમ્પલેક્ષો શૈક્ષણીક સંસ્થાઓ વિગેરેમાં વાહન પાર્કીગની જગ્યા હોતી જ નથી. કેમ કે મોટા ભાગના બિલ્ડીંગોમાં સેલર પાર્કીગ હોય છે અને તેમાં પણ સામાન્ય નાગરીકોને પાર્કીગ કરવામાં દેવામાં આવતુ નથી. કેટલાક કોમ્પલેક્ષોમાં સેલર પાર્કીગમાં ઓફીસો, રેસ્ટોરન્ટો ધમધમી રહયા છે. આમ આવી પરિસ્થિતિમાં નાગરીકોએ ના છુટકે રસ્તા પર વાહન પાર્ક કરવાની ફરજ પડે છે.

એટલું જ નહિ કેટલાક કિસ્સાઓમાં નાગરીકે એક વખત કોર્પોરેશનમાં દંડ ભર્યો હોય તો પણ ટ્રાફીક પોલીસને બીજી વખત દંડ ભરવો પડે છે. આમ એક જ જાહેરનામા ભંગ માટે બે અલગ-અલગ તંત્રને બે-બે વખત દંડ ભરવો પડે છે. આ પ્રકારે નાગરીકો પાસે હજારો રૂપીયા ખંખેરવામાં આવી રહયા છે ત્યારે તંત્રવાહકો સૌ પ્રથમ વાહન પાર્કીગની સુવીધા ઉપલબ્ધ બનાવે ત્યાર પછી જ આ દંડ વસુલવાની કડક ઝુંબેશ શરૂ કરવી જોઇએ તેવી લોકલાગણી ઉભી થઇ છે.

(4:19 pm IST)