Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મ્યુનિ. કોર્પોરેશનના રોજમદાર કર્મચારીને નોકરીમાં લેવા અંગે લેબર કોર્ટનો આદેશ

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ મહાનગર પાલિકાના કર્મચારીને નોકરીમાં મૂળ જગ્યાએ સળંગ નોકરીથી કામે લેવા અંગે મજુર અદાલત રાજકોટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.

આ કેસની બાબત એવી છે કે, રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ શાખામાં આસિ. મદદનીશ તરીકે રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે નાદુરસ્ત તબિયતના કારણે રજા રીપોર્ટ આપેલ હતો તેમ છતાં ગેરહાજર ગણીને રાજેન્દ્ર બસીયાને ગેરહાજરીના આક્ષેપ સબબ તા. ૨૩-૯-૨૦૦૪ના રોજ છુટા કરવામાં આવેલ હતા. જેથી અરજદારે રાજકોટના એડવોકેટ શ્રી જી.આર. ઠાકરને વકિલ તરીકે રોકવામાં આવેલ હતા.

આ કેસ દરમિયાન આ કામદાર સામે થયેલ ફોજદારી કેસ સબબ તા. ૨૮-૧૧-૨૦૦૪થી ૨૯-૭-૨૦૦૬ સુધી જેલમાં રહેલ હતા જે તમામ બાબતે પરત્વે તથા સમય મર્યાદા બાબતે તથા ટર્મીનેશન બાબતે ખૂબ જ દલીલો કરવામાં આવેલી હતી. જે તમામ દલીલોને માન્ય રાખતા અરજદારને તા. ૨૩-૯-૦૪ના રોજ છુટા કરવાનો હુકમ મજુર અદાલતે રદ ઠરાવેલ છે અને કામદારને તેમની મૂળ જગ્યાએ સળંગ નોકરી ઉપર પુનઃ સ્થાપિત કરવા તેમજ રૂ. ૧૫૦૦ ખર્ચના આપવા રાજકોટ મહાનગર પાલિકા વિરૂદ્ધ હુકમ ફરમાવેલ છે. આ કામમાં અરજદાર કર્મચારી રાજેન્દ્રભાઈ બસીયા વતી રાજકોટ એડવોકેટ શ્રી જી.આર. ઠાકર તથા ગાર્ગીબેન ઠાકર તથા મીલન દુધાત્રા રોકાયેલ હતાં.

(3:47 pm IST)