Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કુસુમની કબુલાતઃ મેં દિલીપને મુકી દીધો તો'ય પાછળ પડ્યો તો એટલે નવા પ્રેમી જશા સાથે મળી કાસળ કાઢ્યું

નવાગામ કવાર્ટરમાં થયેલી દિલીપ પરમારની હત્યામાં મૃતકની પૂર્વ પ્રેમિકા કુસુમ ઉર્ફ માનુ, તેણીનો પ્રેમી જશો મેણીયા તથા ઘટના નજર સામે બની છતાં પોલીસને જાણ ન કરનાર કવાર્ટર માલિક સુરેશ દરજીની ધરપકડ : ગુરૂવારની મોડી રાતે દિલીપને મોજમજા માટે બોલાવ્યો એ પહેલા પ્લાન મુજબ જશાને છરી સાથે રૂમના દરવાજા પાછળ ઉભો રાખી દીધો'તોઃ સુરેશ પણ એ રાતે જ મોજ કરવા આવ્યો હોઇ બીજા રૂમમાં હતોઃ બે-અઢી વાગ્યે દિલીપ આવ્યો અને રૂમમાં બેઠો ત્યાં જ જશો તૂટી પડ્યો અને છરીના ખચાખચ ૧૦ ઘા ઝીંકી દીધા'તાઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ : કુવાડવા રોડ પર નવાગામ આવાસ કવાર્ટરમાં મુળ જામનગર શંકર ટેકરીના  દિલીપ હમિરભાઇ પરમાર (કોળી) (ઉ.૪૩)ની હત્યાના બનાવમાં તેની પૂર્વ પત્નિ-પ્રેમિકા કુસુમ ઉર્ફ માનુ શામજીભાઇ ગોહેલ (ઉ.૪૬) નામની કોળી મહિલા તથા તેનો નવો પ્રેમી જશો દેવજીભાઇ મેણીયા (કોળી) (ઉ.૪૫-રહે. નોલી તા. સાયલા)ને બાતમી પરથી બોટાદ તરફથી ઝડપી લીધા છે. આ ઉપરાંત કવાર્ટર માલિક મુળ કાલાવડરના સુરેશ વિઠ્ઠલભાઇ ટંકારીયા (દરજી) (ઉ.૪૦)ની પણ તેની નજર સામે જ જશા અને કુસુમે હત્યા કર્યાની વાતથી વાકેફ હોવા છતાં પોલીસને જાણ ન કરી તેમજ લાશના નિકાલ માટેના પ્લાનમાં પણ સામેલ થયો હોઇ ધરપકડ કરવામાં આવી છે.

કુસુમ ઉર્ફ માનુએ પોલીસ સમક્ષ કબુલાત આપી છે કે તે મુળ વિસાવદરની છે. તેના પ્રથમ લગ્ન ધાંધલપુર શાંતિનગરના વિહા કોળી સાથે થયા હતાં. તેના થકી જન્મેલી દિકરી હાલ રાજકોટ સાસરે છે. થોડા વર્ષ પહેલા તે દિલીપ પરમારના સંપર્કમાં આવી હતી અને બંને પતિ-પત્નિ તરીકે રહેતાં હતાં. નવાગામ કવાર્ટરમાં સાથે રહ્યા બાદ ઝઘડા શરૂ થતાં ગત ત્રીજા મહિનામાં તેનાથી છુટી પડી હતી અને લખાણ કરાવી લીધું હતું. એ પછી આ કવાર્ટરની સામે જ રહેતાં સુરેશ ટંકારીયાના કવાર્ટરમાં તેની સાથે રહેવા માંડી હતી. ત્યાં દોઢેક માસથી નોલી ગામના જશા દેવજી મેણીયા સાથે પ્રેમ થયો હતો. આ બાબતની દિલીપને ખબર પડતાં તે થોડા દિવસ પહેલા આવ્યો હતો અને પોતાની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ તું હવે ભલે ગમે તેની સાથે પ્રેમ કર પણ હું તો તને મળવા આવતો જ રહીશ...આમ કહી તે સતત હેરાન કરતો હોઇ તેને ઢાળી દેવાનો પ્લાન ઘડ્યો હતો. ગુરૂવારે મોડી રાતે મળવા આવવાનું કહ્યું હતું. એ પહેલા જ જશાને રૂમના દરવાજા પાછળ છરી સાથે ઉભો રાખી દીધો હતો. તેમજ સુરેશ પણ આ કવાર્ટરમાં હાજર હતો. રાત્રીના બે અઢીએ દિલીપ આવતાં જ તેને રૂમમાં બેસાડ્યો હતો અને બાદમાં તુરત જ જશાએ દરવાજા પાછળથી આવી છરીથી તૂટી પડી દસેક ઘા ઝીંકી પતાવી દીધો હતો. એ પછી લાશને સંડાસમાં મુકી દરવાજો બંધ કરી દીધો હતો.

સવારે કુસુમ અને સુરેેશ ધ્રોલ ગયા હતાં. બપોરે પાછા કવાર્ટરે આવ્યા હતાં અને કંઇ બન્યું ન હોઇ તેમ કુસુમે રસોઇ બનાવી હતી અને તે સુરેશ તથા જશો સાથે જમ્યા હતાં. લાશનો નિકાલ રાતે કરવાનું નક્કી કર્યુ હતું. પણ મેળ ન પડતાં કવાર્ટરમાં જ લાશ મુકી ભાગી ગયા હતાં. એ પછી સોમવારે સુરેશે પોતાની નજર સામે જ ઘટના બની હોવા છતાં કંઇ જાણતો ન હોવાનો ડહોળ ઉભો કરી કવાર્ટરમાંથી વાસ આવતી હોવાનો પડોશીનો ફોન આવતાં ત્યાં પહોંચ્યો હતો અને પોલીસને તેણે જ જાણ કરી હતી. તેને પણ હત્યાના કાવત્રામાં પોલીસે પકડ્યો છે.

ડીસીપી રવિકુમાર સૈની, એસીપી ઉત્તર એસ.આર. ટંડેલની રાહબરીમાં ઇન્ચાર્જ પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ એમ. એફ. ડામોર, એસઓજી પીએસઆઇ બી. કે. ખાચર, બી-ડિવીઝન ડી. સ્ટાફના હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મોહસીન ખાન, મનોજભાઇ, એભલભાઇ બરાલીયા, ચંદ્રસિંહ, વિજયગીરી, હંસરાજભાઇ, કેતનભાઇ પટેલ, મહેશ ચાવડા, હરપાલસિંહ વાઘેલા, એએસઆઇ સુધાબેન પાદરીયા સહિતે ડિટેકશન કર્ય હતું.

(3:43 pm IST)