Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ચેતજો...કોર્પોરેશનના કર્મચારી મોબાઇલમાં ફોટો પાડી ઇ-મેમોથી દંડ ફટકારશે

નો-પાર્કિંગ-જાહેરમાં થુંકવુ - જાહેરમાં શૌચક્રિયા સહિતની પ્રતિબંધીત ક્રિયા કરવામાં હવે... : ઇ-મેમોનો દંડ ઓન લાઇન પણ ભરી શકાશેઃ દંડ નહી ભરનારા રપ લોકોનાં ઘરે જઇને ૧૦૦૦ લેખે વહીવટી ચાર્જની વસુલાતઃ નો-પાર્કિંગમાં વાહન રાખનારા ૧ર૪ વાહન ચાલકોને ૮ર હજારનો અને જાહેરમાં થૂંકનારા ૧૪૯પ લોકોને દંડ ફટકારાયો

રાજકોટ તા. ૧ર :.. શહેરમાં નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્કિંગ અને જાહેરમાં થૂંકવા, જાહેરમાં શૌચકીયા, જાહેરમાં ગંદકી સહિતની બાબતો ઉપર પ્રતિબંધ મુકતાં અલગ અલગ જાહેરનામાઓ અમલમાં છે. જે અન્વયે શહેરમાં આઇ-વે પ્રોજેકટ હેઠળ મુકવામાં આવેલા સીસી ટીવી કેમરાનાં ફૂટેજનાં આધારે જાહેરનામાનો ભંગ કરનારને ઇ-મેમો મોકલી હજારો રૂપિયાનો દંડ ફટકારાઇ રહ્યો છે. અને મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર વાહકોએ આ બાબતોમાં દંડ ફટકારવાનો સકંજો વધુ મજબુત કર્યો છે. અને હવેથી કોર્પોરેશનના કર્મચારીઓ જે કોઇ નાગરીક જાહેરનામાનો ભંગ કરતાં પકડાશે તેનો પોતાનાં મોબાઇલમાં ફોટો પાડી ઇ-મેમો ફટકારી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા જાહેરમાં શૌચક્રિયા, જાહેરમાં થુંકવું, આડે-ધડ વાહન પાર્કીંગ સહિતની બાબતોનો પ્રતિબંધ ફરમાવ્યો છે. જે અંતર્ગત નાગરીકોને ઇ-મેમો ફટકારી દંડ વસુલાય છે. અત્યાર સુધીમાં જાહેરમાં થૂંકનારા ૧૪૯પ લોકોને દંડ ફટકારાયો છે. જેમાં  સૌથી વધુ નાના-મૌવા સર્કલે ૭૦ લોકોને દંડ ફટકારાયો છે.

આ ઉપરાંત અત્યાર સુધીમાં આડેધડ વાહન પાર્કીંગ કરનારા ૧ર૪ વાહન ચાલકોને ૮ર,૭૦૦ નો દંડ ફટકારાયો છે. જેમાં એક કોર્પોરેશનનું કચરાનું ટીપર વાન ત્થા ટ્રકનો પણ સમાવેશ થાય છે.

દરમિયાન હવે ઇ-મેમો ઓનલાઇન ભરવાની સુવિધા કોર્પોરેશને શરૂ કરી છે. એટલુ જ નહી જે લોકો દંડ ભરતા નથી તેવા રપ જેટલાં લોકોનાં ઘરે જઇને સેનેટરી ઇન્સ્પેકટરે રૂ. ૧૦૦૦ લેખે દંડ વસુલ્યો હતો.

હવે જાહેરનામાનો ભંગ કરનારા પાસેથી દંડ વસુલવાનો સકંજો વધુ મજબુત બનાવી અને કોર્પોરેશનનાં કર્મચારી પોતાનાં મોબાઇલમં જાહેરનામાનો ભંગ કરનારાનાં ફોટા પાડી સીધો જ ઇ-મેમો ફટકારી શકશે. આમ હવે તંત્ર વાહકો સામાન્ય નાગરીકોની સુવિધા વધારવાને બદલે દંડ વસુલવા તરફ વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

(3:09 pm IST)