Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સંત પુરૂષો તો સમાજનું સાચુ ધન છેઃ પૂ.પારસમુનિ

રાજકોટ,તા.૧૧: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્યા સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સાહેબે ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘ ગોંડલમાં ચાતુર્માસ પ્રવચન ધારામાં ફરમાવેલ કે એકવાર રાજા ભતૃહરિની સામે એક વિકટ પ્રશ્ન ઉપસ્થિત  થયેલો કે સંસારમાં સંત કોણ ? અને જવાબ પણ મળી ગયેલો કે 'જે પોતાના પ્રિય વચનોથી સમગ્ર સંસાર સાથે વ્યવહાર કરે છે. ત્રણેય લોકના જીવોની પ્રસન્નતા માટે સતત પ્રયત્નશીલ રહે છે. બીજાના નાના નાના ગુણો જોઈને પણ જેના હૃદયમાં હર્ષ અને પ્રસન્નતા જાગે છે. જીવનની તમામ વિષમતાઓની વચ્ચે રહીને પણ પોતાની સુગંધથી આજુબાજુનું વાતાવરણ સુગંધિત અને દિવ્ય પ્રફુલ્લિત કરી મૂકે છે. જે હરિદ્ર માટે કલ્પવૃક્ષ સમાન છે. સજજનો માટે વાત કરવાનું સ્થાનરૂપ છે. જે શ્રધ્ધા, નીતિ, ઉદારતા, સત્ય પરાયણતા, ધીરજ અને સમર્પણ ભાવથી સદ્દભાવનાના ભંડાર જેવું જીવન જીવી રહ્યા છે. સંસારમાં રહીને પણ નિર્લેપભાવે ત્યાગ અને વૈરાગ્યના આદર્શોને ચરિતાર્થ કરનારો માનવી સંત જ છે.'

જે સ્વ પરિશ્રમથી સંપતિ પ્રાપ્તતો કરે છે પણ ધન ઉપાર્જનની સ્પર્ધામાં કદી નથી પડતા. જેમનો સંબંધ શ્રી સાથે હોવા છતાં સરસ્વતી એમના આંગણે હંમેશા પૂર્ણ પ્રસન્નતા અનુભવે છે તે જ સાચા સંસારી સંત છે. સરિતાનું વહન, ચંદ્રનું પ્રકાશન અને સત્પુરૂષના અંતરનું સ્ફુરણએ તો અનાદિ કાળના સર્જન સિધ્ધ સ્વભાવ છે. સંતપુરૂષો તો સમાજનું સાચુ ધન છે. દેશનું ચેતન છે અને કાળનું અખંડિત વહેતું રસઝરણું છે.

(11:40 am IST)