Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રૂખડીયાપરામાં મુમતાઝબેન પર ભત્રીજા સોહિલનો છરી-ધોકાથી હુમલોઃ બાઇક સળગાવી કબાટમાંથી રોકડ-દાગીના ચોરી ગયો

અમદાવાદથી આવેલા ભાણેજને પણ છરીથી ઘાયલ કરાયોઃ બધા હોસ્પિટલે ગયા તો પાછળથી ઘરમાં ઘુસી ગયો

રાજકોટ તા. ૧૧: ભગવતીપરાના મુસ્લિમ શખ્સે રૂખડીયાપરામાં કાકા-કાકીના ઘરે જઇ ડખ્ખો કરી કાકી અને અમદાવાદથી આવેલા તેના ભાણેજ પર હુમલો કરી બાઇક સળગાવી નાંખી તેમજ ઘરમાંથી રોકડ-દાગીનાની ચોરી કરી લેતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રૂખડીયાપરા ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતાં મુમતાઝબેન હનીફભાઇ શેખ (ઉ.૩૮) અને તેના પતિ હનીફભાઇ શેખ તથા માતા મીરાબેન ગોસાઇ તેમજ અમદાવાદથી આવેલો મુમતાઝબેનના બહેનનો દિકરો તરૂણ લછુભાઇ રોજડા (ઉ.૨૫) સાંજે ઘર બહાર બેઠા હતાં ત્યારે હનીફભાઇના ભત્રીજા સોહિલ બાબુભાઇ શેખ (રહે. ભગવતીપરા)એ આવી અહિ શું બેઠા છો? આ મહેમાન કોણ છે? તેમ કહી ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં તેણે કાકી મુમતાઝબેનને છરી બતાવી ધોકા-ઢીકા-પાટુનો માર મારતાં અને તરૂણ વચ્ચે પડતાં તેને પણ છરીથી ઇજા કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતાં.

પાછળથી સોહિલ પરત આવ્યો હતો અને ફળીયામાં રાખેલુ બાઇક સળગાવી નાંખી રૂ. ૫ હજારનું નુકસાન કર્યુ હતું તેમજ ટુવ્હીલરમાં ચાવી હોઇ તેમાં ઘરના તાળાની ચાવી પણ ભેગી હોઇ તેનાથી તાળા ખોલી કબાટમાંથી રોકડા રૂ. ૩૫ હજાર તથા ૨૧ હજારના સોના-ચાંદીના દાગીના ચોરી ગયો હતો.

આ મામલે પ્ર.નગરના પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ મુમતાઝબેનની ફરિયાદ પરથી સોહિલ સામે ગુનો નોંધ્યો છે. જુના મનદુઃખને લીધે તે આમ કરતો હોવાનું જણાવાયું હતું. તસ્વીરમાં હુમલામાં ઘાયલ મુમતાઝબેન, તેનો ભાણેજ તથા સળગાવાયેલુ બાઇક અને જેમાંથી ચોરી થઇ તે કબાટ જોઇ શકાય છે. મુમતાઝબેન મુબળ રાજસ્થાનના ગોસાઇ પરિવારના છે. તેણે હનીફભાઇ સાથે પ્રેમલગ્ન કર્યા છે.

(11:15 am IST)