Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મ્યુ.કોર્પોરેશનના આવાસો ૭ વર્ષ સુધી વેંચાણ કે ભાડેથી નહી આપી શકાય

આવાસ યોજનાઓમાં સઘન ચેકિંગઃ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા છ ટીમની રચના

રાજકોટ,તા.૧૦:  શહેરમાં ઘરનું ઘર નહી ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની માલિકીનું ઘર પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી બનાવાયેલી વિવિધ આવાસ યોજનામાં કેટલાક લાભાર્થીઓએ પોતપોતાના આવાસ અન્ય લોકોને ભાડેથી રહેવા માટે આપી દીધા હોવાની રાજકોટ મહાનગરપાલિકાને મળેલી ફરિયાદના આધારે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વિવિધ આવાસ યોજનામાં ખરેખર જેઓને આવાસ ફાળવવામાં આવેલ છે એ લાભાર્થીઓ જ રહે છે કે અન્ય કોઈ વ્યકિત તેની ચકાસણી કરવા માટે છ ટીમની રચના કરી છે અને આ ટીમો દ્વારા ચકાસણી ચાલુ કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ આવાસ યોજનાઓનો હેતુ ઘર વિહોણા લોકોને પોતાની માલિકી આશરો મળે, પોતાની માલિકીના ઘરમાં રહેવાની સુવિધા તેઓને મળે તેવો છે. ઉપરાંત આવાસ યોજનાના ફોર્મમાં તેમજ દસ્તાવેજમાં એ નિયમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે, દસ્તાવેજ બન્યાની તારીખથી ૭ વર્ષ સુધી આવાસ વેંચાણ કે ભાડેથી અન્ય કોઇપણ વ્યકિતને આપી શકાશે નહી. કમિશનરશ્રીએ વિશેષમાં કહ્યું કે, આ નિયમ ભંગ થવાના કિસ્સામાં આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં લઇ શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓમાં આવી પ્રવૃતિઓ ચલાવી નહી લેવાય. આવાસ યોજનાઓનો લાભ ઘર વગરના લોકોને જ મળે તેવો મૂળભૂત આશય પરિપૂર્ણ થવો જ જોઈએ. એમાં રાજકોટ મહાનગરપાલિકા કોઈ જ બાંધછોડ નહી કરે. હાલમાં પોતપોતાના આવાસમાં રહેતા મૂળ માલિકો પણ પોતાના આવાસ અન્ય કોઈને ભાડે નાં આપે કે વેંચાણ પણ ના કરે તેવો ખાસ અનુરોધ છે. આ નિયમનો ભંગ થયાનું જોવા મળશે તો આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે તેમ અંતમાં જણાવાયુ છે.

(3:27 pm IST)