Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

રાજકોટ શહેર કોંગ્રેસના સમિકરણોમાં ફેરફાર કરવા પ્રદેશ સમિતિના પ્રયાસો

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માટે રાજકોટ શહેર કોંગ્રેસની યાદવાસ્થળી, જુથવાદ, ગેરશિસ્ત, આક્ષેપો-પ્રતિઆક્ષેપો વિગેરે બાબતો માથાના દુઃખાવારૂપ બની છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના મોટાભાગના મુખ્ય આગેવાનો શહેરમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને અને સૌ શાંતિથી કામગીરી કરી શકે તે માટેના પ્રયાસો આદર્યા છે.

રાજકોટ શહેર કોંગ્રેસના વર્ષોથી ચાલ્યા આવતા ચોક્કસ સમીકરણોને જ સમુળગા બદલી દે એવા પ્રયાસો આદરાયાનું મનાય છે તે વચ્ચે પરેશ ધાનાણીના 'ઘરવાપસી'ના નિર્દેશો પણ મુખ્ય ભાગ ભજવે તેમ મનાય છે. શહેરમાં ઘણા સમયથી નિષ્ક્રીય થઈ ગયેલા નેતાઓ, અનુભવી વરિષ્ઠ નેતાઓ તરફ પણ નજરો દોડાવાઈ છે. છેલ્લા દસેક વર્ષો દરમ્યાન કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા રાજકોટ જીલ્લા અને શહેરના આગેવાનો તરફ પણ નજર દોડાવાઈ છે.

આગામી લોકસભા ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળીયાથી થયેલ નુકશાન ભરપાઈ થઈ જાય અને લોકસભા બેઠકમાં કોંગ્રેસ ધાર્યુ પરિણામ લાવી શકે તે માટે ટોચના કોંગ્રેસી નેતાઓ વચ્ચે પમ રાજીવ સાતવની ગત ગુજરાત મુલાકાત સમયે ચર્ચા થયાનું મનાય છે.

એકાદ બે દિવસમાં રાજ્ય પ્રભારી ગુજરાતની મુલાકાતે આવે ત્યારે રાજકોટ શહેર તથા જીલ્લા સહિત સૌરાષ્ટ્રના સંગઠન અંગે વન - ટુ - વન વિચાર-વિમર્શ હાથ ધરાશે તેમ મનાય છે.(૨-૧૪)

(2:28 pm IST)