Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પેડક રોડ ઉપર શીવ જવેલર્સમાંથી ૮પ લાખના દાગીના ચોરી જવાના ગુનામાં આરોપીઓની જામીન અરજી રદ

આરોપીઓએ લુંટ કરીને માલીકને તિજોરીમાં પુરી દીધા હતાં: સેસન્સ કોર્ટનો ચુકાદો

રાજકોટ તા. ૧૧: પેડક રોડ ઉપર શીવ જવેલર્સમાં કરેલ લૂંટના આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

ગત તા. ર૬-૪-ર૧ના રોજ બપોરે ત્રણ વાગ્યાના સમયે પેડક રોડ ઉપર પાણીના ઘોડાની સામે આવેલ શીવ જવેલર્સના શોરૂમમાં લૂંટ કરી શોરૂમના માલીક મોહનભાઇ વીરમભાઇ ડોડીયાને તિજોરીમાં પુરી દઇ રૂ ૮પ૪૬૯૦૦/-ના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની લૂંટ કરનાર આરોપીઓને પોલીસે પકડી પાડી જેલ હવાલે કરેલ તે પૈકી આરોપી બિકેશ કુમ્હેરસીંગ પરમાર રહે. રાજસ્થાનવાળો તથા આરોપી ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફ શરીફભાઇ કુરેશી રહે. ઉત્તર પ્રદેશ વાળાએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીઓએ કોઇ જાતની બીક કે કાયદાનો કોઇ ડર ન હોય તેમ ધોળે દિવસે શોરૂમમાં જઇ દેશી બંદુકનો તમંચો બતાવી રૂપિયા પંચ્યાસી લાખથી વધુની લૂંટ કરી અને શોરૂમના માલીકને તિજોરીમાં પૂરી દઇ ફરાર થઇ ગયેલ હતા. આવા આરોપીઓને જામીન આપવામાં આવે તો ફરી આવા ગુન્હા કરશે અને લોકોની જાનમાલનું જોખમ ઉભું થશે તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી બી. બી. જાદવે સાહેબે જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા તથા આબીદભાઇ સોસન રોકાયેલ હતા.

(3:06 pm IST)