Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગુરૂવારે શાળા-આંગણવાડી અને કોલેજોમાં રજા

રાજકોટમાં વાવાઝોડાની સંભાવનાને લઇને તંત્ર એલર્ટઃ મ્યુ.કમિશ્નરે અધિકારીઓ સાથે તાકિદે મીટીંગ યોજી : વાવાઝોડામાં જાનમાલના રક્ષણ માટે ફાયર બ્રિગેડ તંત્ર સાબદુઃ શહેરમાં તૂટી પડે તેવા હોર્ડિંગ બોર્ડને ઉતારી લેવામા આવશે : તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજા રદ્દ : વાયુ વાવાઝોડાની તિવ્રતા પ્રતિ કલાકે વધતા અને સૌરાષ્ટ્રમાં આ સીસ્ટમ મજબુત બનવાની ધરણાએ રાજય સરકારે અગમ ચેતીનાં પગલારૂપે રાજકોટનાં શાળા-કોલેજો અને યુનિવર્સિટીનાં ભવનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. : શહેરની તમામ વોર્ડ ઓફિસો અને ઝોન ઓફિસો ચોવીસે કલાક ખુલ્લી રાખવા બંછાનિધિ પાનીની સૂચના

રાજકોટ, તા. ૧૧ : અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર ભણી આવી રહેલા વાયુ નામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં થનારી સંભવિત અસરો સામે આવશ્યક પગલાંઓ લેવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને એલર્ટ કરી કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સંબંધિત શાખાઓએ હાથ ધરવાની થતી આગોતરી તૈયારી શરૂ કરાવી દીધી છે. આજથી રાજકોટ મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત્ત્। કરી દીધા છે જેથી કરીને કોઇપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકો તુર્ત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે.

કંટ્રોલ રૂમ કાર્યરત્ત્। કરી દીધા છે અને ત્યાં નોંધાતી ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા તાકિદ કરી છે.

 મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સંભવિત અસરો તા.૧૨થી૧૪ દરમ્યાન તેજ રફતાર સાથે પવન અને ભારે વરસાદ જોવા મળી શકે છે, અને ખાસ કરીને તા. ૧૩મીએ વાવાઝોડાની અસર સૌથી તીવ્ર હોવાનું હવામાન ખાતું જણાવે છે ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં વાવાઝોડા પૂર્વે હાથ ધરવાની થતી કામગીરીમાં ભયજનક હોર્ડીંગ્ઝ, વ્રુક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાંઓ લેવાનું શરૂ કરી દેવાયું છે. અત્યાર સુધીમાં ૨૨ હોર્ડીંગ્ઝ ઉતારી લેવાયા છે અને અન્ય જે કોઈ હોર્ડિંગ જરા પણ અસલામત જણાય તેને તાત્કાલિક ઉતારી લેવામાં આવી રહયા છે. તમામ સિનિયર અધિકારીઓને આજથી ફિલ્ડ વર્કમાં ઉતારી દેવામાં આવેલ છે. શહેરમાં અત્યારે જયાં કયાંય પણ ખાડાઓ જોવા મળે તે આજથી જ યુધ્ધના ધોરણે બુરી દેવા સિટી ઈજનેરોને સૂચના આપી દેવામાં આવી છે.

     મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, તા.૧૩-મે નાં રોજ વાવાઝોડાની સૌથી વધુ અસર રહેવાની સંભાવના હોઈ આ દિવસે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. આ ઉપરાંત વ્રુક્ષોને કારણે કોઈ અકસ્માત નાં થાય તેવા આશયથી શહેરના તમામ બગીચાઓ પણ બંધ રાખવામાં આવશે. શહેરમાં જે શાળાઓ અને ટ્યુશન કલાસીસમાં છાપરા બનાવેલા હોય તેને આજથી જ સીલ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

દરમ્યાન આજે સવારે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીશ્રીઓની એક તાકિદની બેઠક  મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે યોજવામાં આવી હતી, જેમાં ત્રણેય નાયબ કમિશનરશ્રીઓ, તમામ સિટી એન્જીનીયરશ્રીઓ, ફાયર ્રૂ ઈમરજન્સી ડીપાર્ટમેન્ટના અધિકારીઓ, સહાયક કમિશનરશ્રીઓ, સુરક્ષા વિભાગના અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર હતાં.

મહાનગરપાલિકા વાવાઝોડા અનુસંધાને પી.જી.વી.સી.એલ., તથા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ અન્ય આનુસંગિક એજન્સીઓ સાથે મળીને આ કુદરતિ આપતીનો સામનો કરવા જરૂરી સંકલન કરવા સૂચના આપી હતી.  વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકટ પરિસ્થિતિમાં પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી આવશ્યક સેવાઓ ડીસ્ટર્બ ના થાય અને ભારે પવનને કારણે જો કોઈપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલિક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવા અધિકારીઓને અત્યારથી જ સાબદા કરી દીધા હતાં.

કમિશનરશ્રીએ વધુમાં એમ કહ્યું હતું કે, એસ્ટેટ, ગાર્ડન અને ટીપી શાખા દ્વારા ભયજનક હોર્ડીંગ્ઝ, વ્રુક્ષો અને ઈમારતો ધ્યાનમાં આવ્યે તુર્ત જ આવશ્યક પગલાંઓ લેવામાં આવી રહયા છે. અધિકારીઓને ફિલ્ડમાં રવાના કરી દેવાયા છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદની સંભાવના પણ હોવાથી નીચાણવાળા વિસ્તારો તથા અન્ડર બ્રિજમાં પાણી ભરાય તો તેને તાત્કાલિક ડીવોટરિંગ કરવા માટે પંપ અને સ્ટાફ તૈયાર રખાયા છે. મહાનગરપાલિકાનાં તમામ અધિકારીઓ આઈ-વે પ્રોજેકટના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)નો પુરેપુરો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.  મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ પણ કહ્યું હતું કે, કંટ્રોલ રૂમની સાથોસાથ ક શહેરની તમામ વોર્ડ ઓફિસો અને ઝોન ઓફિસો ચોવીસે કલાક ખુલ્લી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે જેથી કોઇપણ સંકટ સમયે મહાનગરપાલિકાનો સ્ટાફ શહેરીજનોની ત્વરિત મદદે આવી શકે. સંકટ સમયે નાગરિકોની મદદ માટે ત્રણેય ઝોનમાં નિશ્યિત સંખ્યામાં સિટી બસો તૈનાત કરી દેવામાં આવશે જેથી કરીને જે તે ઝોનમાં ઓછામાં ઓછા સમયમાં સિટી બસ ઉપલબ્ધ બની શકે. આ ઉપરાંત વોટર વર્કસ શાખાને કલોરીનની ટેબ્લેટનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રાખવા તથા આરોગ્ય શાખાએ આવશ્યક દવાઓ અને મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવેલ છે. વધુ વરસાદ થાય તો તેવા સંજોગોમાં જયાં કયાંયથી પણ ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની ફરિયાદ આવે તો તેનો તાત્કાલિક નિકાલ લાવવા સ્ટાફ અને સાધનો તૈયાર રાખવા સુચના આપવામાં આવેલ છે. નાગરિકોનું સલામતરીતે અન્યત્ર સ્થળાંતર કરવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાની શાળાઓ અને રેનબસેરા રહેવા અને જમવાની સુવિધાઓ સાથે તૈયાર રાખવા જે તે શાખાઓને જણાવી દેવામાં આવેલ છે.

શહેરનાં બગીચાઓ બંધ રહેશ

વૃક્ષ નીચે કોઇએ વાહનો પાર્ક ન કરવાઃ ગાર્ડન એન્ડ પાર્કનાં ડાયરેકટર શ્રી હાપલીયાની અપીલ

રાજકોટઃ અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર ભણી આવી રહેલા વાયુ નામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં થનારી સંભવિત અસરો સામે આવશ્યક પગલાંઓ લેવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આગોતરી તૈયારી શરૂ કરી છે. આ અંગે ગાર્ડન એન્ડ પાર્કનાં ડાયરેકટર શ્રી હાપલીયાએ જણાવ્યુ હતુ કે, વાવાઝોડાની સંભવિત અસરો તા.૧૨થી૧૪ દરમ્યાન તેજ રફતાર સાથે પવન અને ભારે વરસાદ જોવા મળી શકે છે, અને ખાસ કરીને તા. ૧૩મીએ વાવાઝોડાની અસર સૌથી તીવ્ર હોવાનું હવામાન ખાતું જણાવે છે ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં વાવાઝોડા પૂર્વે હાથ ધરવાની થતી કામગીરીમાં ભયજનક વૃક્ષો  સામે અસરકારક પગલાંઓ લેવાનું શરૂ કરી દેવાયું છે. વ્રુક્ષોને કારણે કોઈ અકસ્માત નાં થાય તેવા આશયથી શહેરના તમામ બગીચાઓ પણ બંધ રાખવામાં આવશે.

કાલથી તા. ૧પ સુધીની ફાયર બ્રિગેડની ભરતીની પરીક્ષા મોકૂફ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ માટે કલીનર કમ જુનિયર ફાયરમેનની ભરતી અનુસંધાને તા.૧૧થી૧૫ દરમ્યાન ટેસ્ટ લેવાનું આયોજન હતું, જેમાં આજની તા.૧૧-મે નાં દિવસના જે કોલ લેટર મોકલાયા હતાં, તે ઉમેદવારોની ટેસ્ટ લેવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવેલ છે પરંતુ, તા. ૧૨ થી ૧૫ – મે નાં દિવસોએ જે ટેસ્ટ લેવાની હતી તે વાવાઝોડાની પરિસ્થિતિને કારણે હાલતુર્ત મોકૂફ રાખવામાં આવેલ છે અને ટેસ્ટ માટેની નવી તારીખો હવે નક્કી થયે તેની જાહેરાત કરવામાં આવશે.

(4:05 pm IST)