Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

લાઇબ્રેરીયન એટલે પવિત્ર પુજારી : પૂ. રમેશભાઇ ઓઝા

રાજકોટમાં લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રની મળી ગયેલ રાષ્ટ્રીય કોન્ફરન્સ : ૩ર૫ તજજ્ઞોની ઉપસ્થિતી : ૬૨ રીસર્ચ પેપર રજુ

રાજકોટ : હેલ્થ સાયન્સ લાયબ્રેરી એસોસીએશન દ્વારા 'ઇમર્જીંગ ટ્રેન્ડસ એન્ડ ટેકનોલોજી ઇન લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ' થીમ પર રાષ્ટ્રીય કોન્ફરન્સ રાજકોટના આંગણે યોજવામાં આવી હતી. જેમાં ભારતભરમાંથી લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રના ૩૨૫ તજજ્ઞોએ ઉપસ્થિત રહી સાંપ્રત પ્રવાહોમાં ઇ-બૂક, ઇ-જનરલ, વર્ચ્યુઅલ રફરન્સ સર્વીસ, કલાઉડ કોમ્પયુટરીંગ સર્વીસ, પ્લેગેરીઝમ એન્ટ રીસર્ચ ઇથીકસ, ઇન્ફોર્મેશન એન્ટ નેટવર્કીંગ સીકયુરીટી, કરંટ ટેકનોલોજી ઇન લાઇબ્રેરી જેવા ટોપીક ઉપર ૬૨ રીસર્ચ પેપરો રજુ કરાયા હતા. તેમજ કોર્ષનું વાસ્તવીક નિરૂપણ થયેલ. આ રાષ્ટ્રીય કોન્ફરન્સના ઉદ્દઘાટન સમારોહમાં ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝા, રાજયના આરોગ્ય કમિશ્નર અને પ્રિન્સીપલ સેક્રેટરી ડો. જયંતિ રવિ, શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, સૌ.યુનિ.ના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આશીર્વચનો આપતા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવેલ કે લાઇબ્રેરીયન એ પવિત્ર પુજરી છે. દરેક ઘરમાં જેમ દીવો પ્રગટ થવો જરૂરી છે તેમ દરેક ઘરમાં લાઇબ્રેરી હોવી પણ જરૂરી છે. લાયબ્રેરી એ કોઇપણ વ્યકિતના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ ડેલીગેટસને મેડીકલ ડીન ડો. ગૌરવીબેન ધ્રુવે આવકાર્યા હતા. જયારે અંતમાં આભારવિધિ ઓર્ગેનાઇઝર સેક્રેટરી અને મેડીકલ કોલેજના લાયબ્રેરીયન ડો. રાજેશ ત્રિવેદીએ કરી હતી.

(3:46 pm IST)