Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મહર્ષિ અરવિંદ ટાઉનશીપના ઉપપ્રમુખ ભાવનાબેન સિધ્ધપુરાના ઘરમાં ટોળુ ઘુસી જતાં તબિયત બગડી

પ્રમુખ સહિતના લોકો ઓડિટ અને બીજા પ્રશ્નો સબબ સતત હેરાન કરતાં હોવાનો પતિ દિપકભાઇ સિધ્ધપુરાનો આક્ષેપઃ ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હોઇ તેની તપાસ

રાજકોટ તા. ૧૧: રેલનગર મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહેતાં અને આ ટાઉનશીપમાં ઉપપ્રમુખ તરીકે નિમાયેલા ભાવનાબેન દિપકભાઇ સિધ્ધપુરા (લુહાર) (ઉ.૪૭)ના ઘરમાં રાત્રે દસેક વાગ્યે મહિલાઓ સહિત કેટલાક લોકોએ ઘુસી જઇ માથાકુટ કરતાં અને ધાકધમકી આપતાં તેમને ગભરામણ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

ભાવનાબેનના પતિ દિપકભાઇ સિધ્ધપુરા પ્રિન્ટીંગનું કામ કરે છે. તે પણ આ ટાઉનશીપમાં ખજાનચી છે. તેણે આક્ષેપો સાથે કહ્યું હતું કે ટાઉનશીપના ઓડિટ બાબતે પ્રમુખ સાથે અમારે વાંધો ચાલે છે. તાજેતરમાં ઉપપ્રમુખ એવા મારા પત્નિને પુછ્યા વગર ચાલીસ હજારની જાળી બનાવી લેવાઇ હતી અને તેના ચેક પર સહી કરવાનું કહેવાયું હતું. જેમાં સહી કરવાની ના પાડતાં પ્રમુખ દેવરાજભાઇ સહિતે માથાકુટ કરી હતી. ખાલી કવાર્ટરમાં બહારના લોકો પણ આવજા કરે છે. આ સામે પણ અમે વાંધો ઉઠાવતાં હોઇ તેના કારણે અમને અહિથી હાકી કાઢવા કાવાદાવા થાય છે. રાત્રે અજાણ્યા મહિલા સહિતનું ટોળુ ધસી આવ્યું હતું અને ઝઘડો કરતાં મારા પત્નિને ગભરામણ થઇ હતી. અમે અગાઉ ક્રાઇમ બ્રાંચમાં અરજી કરતાં પ્રમુખ સહિતને પી.આઇ.શ્રીએ બોલાવ્યા હતાં. આમ છતાં હજુ પણ અમને હેરાન કરાય છે. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)