Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભાજપના કોર્પોરેટર પતિ અરવિંદ ભેંસાણીયાની ૨૪ કલાકમાં ધરપકડઃ બંછાનિધી

વધુ એક ફડાકાકાંડઃ કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાના પતિએ સીટી ઈજનેર મહેશ જોશીને ફડાકા ઝીંકયા : સામાકાંઠે વોર્ડ નં. ૫માં અટલબિહારી બાજપાઈ ઓડીટોરીયમમાં ખુરશી રીપેરીંગ કરવા બાબતે ડખ્ખોઃ સીટી ઈજનેરોએ મ્યુ. કમિશ્નરને આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવવા અને કોર્પોરેટર પતિ સામે કડક પગલા લેવા ઉગ્રમાંગ કરતા શહેર ભાજપમાં ખળભળાટ

ઉગ્ર રજૂઆતઃ વોર્ડ નં. ૫ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાના પતિ અરવિંદભાઈએ ડે. ઈજનેર મહેશ જોશીને ફડાકા ઝીંકી દેતા તેના વિરોધમાં આજે બપોરે ૧૨ વાગ્યે તમામ સીટી ઈજનેરોએ એકત્ર થઈ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને અરવિંદ ભેંસાણીયા સામે પોલીસ ફરીયાદ નોંધાવવા ઉગ્ર રજૂઆતો કરી હતી તે વખતની તસ્વીરમાં ફડાકાકાંડનો ભોગ બનનાર મહેશ જોશી તેમજ રજૂઆત કરી રહેલા સીટી ઈજનેર ચિરાગ પંડયા નજરે પડે છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૧ :. મ્યુ. કોર્પોરેશનમાં કોર્પોરેટરો દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને અવારનવાર ફડાકા ઝીંકવાની ઘટનાઓ બને છે. તેમા આજે વધુ એક ફડાકાકાંડ સર્જાયો હતો કેમ કે સામાકાંઠે આવેલ વોર્ડ નં. ૫માં અટલબિહારી બાજપેઈ ઓડીટોરીયમમાં ખુરશીઓ રીપેર કરવા બાબતે ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાના પતિ અરવિંદભાઈએ ડે. ઈજનેર મહેશ જોશીને ફડાકા ઝીંકી લેતા આ બાબતે પોલીસ ફરીયાદ નોંધાવી અને અરવિંદભાઈની ૨૪ કલાકમાં ધરપકડ કરાવાશે તેવી ખાત્રી મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ સીટી ઈજનેરોને આપી હતી.

આ બનાવની વિગતો મુજબ વોર્ડ નં. ૫ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેનને ત્યાં પ્રસંગ હોય તેઓએ અટલબિહારી બાજપાઈ ઓડીટોરીયમ આગામી તા. ૧૪, ૧૫, ૧૬ જૂન એમ ત્રણ દિવસ માટે ભાડે રાખેલ છે, પરંતુ આ ઓડીટોરીયમમાં ગંદકી હતી અને ખુરશીઓ પણ તુટેલી ફુટેલી હતી તેથી દક્ષાબેનના પતિ અરવિંદભાઈએ આ હોલમાં સફાઈ તથા ખુરશી રીપેરીંગ કરવા ડે. ઈજનેર મહેશ જોશીને ૧૦ દિવસ અગાઉ રજૂઆત કરી હતી, પરંતુ આમ છતા હોલમાં આજની તારીખે પણ ખુરશીઓ રીપેર નહિ થતા અને સફાઈ પણ થયેલ ન હોય અરવિંદભાઈએ ડે. ઈજનેર મહેશ જોશીને સ્થળ પર બોલાવી આ બાબતે ટપાર્યા હતા, પરંતુ ઈજનેર મહેશભાઈએ ખુરશી રીપેરીંગ માટે એસ્ટીમેન્ટ બનાવવુ પડે અને તેને મંજુર કરાવવંુ પડે તેવુ બહાનુ આપતા અરવિંદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થતા અરવિંદભાઈએ મહેશ જોશીને ફડાકો ઝીંકી લીધો હતો.

આથી ઈજનેર શ્રી જોશીએ તાત્કાલીક સીટી ઈજનેર ચિરાગ પંડયાને આ બનાવની વાત કરતા ચિરાગ પંડયાએ તમામ સીટી ઈજનેરોને સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે એકત્રીત કરી કોર્પોરેટરના પતિએ ઈજનેર પર કરેલા હુમલા બાબતે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આ મામલે અરવિંદભાઈ સામે ફોજદારી ફરીયાદ નોંધાવી કડક પગલા લેવડાવવા માંગ ઉઠાવી હતી.

આ રજૂઆતના પ્રત્યુત્તરમાં મ્યુ. કમિશ્નર શ્રી પાનીએ એવી ખાત્રી ઉચ્ચારી હતી કે, આ પ્રકારે ઈજનેરો પર હુમલો કરવો એ અયોગ્ય છે આ બાબત ચલાવી લેવાય નહિ કોઈપણ કિસ્સામાં કામ થયુ ન હોય તો તેનુ કોઈ કારણ હોય અને આ બાબતે રજુઆતો થઈ શકે, ફડાકા મારવા એ કોઈ ઉકેલ નથી માટે આ પ્રકરણમાં કોર્પોરેટરના પતિ સામે પોલીસ ફરીયાદ નોંધી અને પોલીસ કમિશ્નરને અરવિંદ ભેંસાણીયાની ૨૪ કલાકમાં ધરપકડ કરવા રજુઆત કરાશે તેવી ખાત્રી શ્રી પાનીએ ઈજનેરો સમક્ષ ઉચ્ચારી હતી.

(4:23 pm IST)