Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રાજકોટ કલેકટર તંત્ર ૨૧ જૂને ૨૩૮૩ કેન્દ્રો ઉપર 'યોગ' દિવસ ઉજવશે..

વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે જીલ્લા વહિવટી તંત્રનું વિરાટ આયોજનઃ શહેરમાં પાંચ મોટા સ્થળે કાર્યક્રમ

રાજકોટ, તા.૧૧: સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવાની છે ત્યારે રાજકોટ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે માઈક્રો પ્લાન ઘડાયો છે. શહેરના રેસકોર્સ સહિત પાંચ સ્થળોએ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે જિલ્લાં અધિક કલેકટરશ્રી પી. બી. પંડયાના  અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓએ વિદ્યાર્થી સિવાય લોકો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા ઉપર ભાર મૂકયો હતો. તેમજ સોશિયલ મીડિયા ઉપર વિશ્વ યોગ દિવસની પ્રચારની ઝૂંબેશ ચલાવવાની અને તેના થકી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં લોકો જોડાય તેવા જરૂરી સૂચનો અધિકારીશ્રીઓને આપ્યા હતા.

જિલ્લા અધિક કલેકટરશ્રીએ જિલ્લાભરના અધિકારીઓ પાસેથી કાર્યક્રમના આયોજન અને સ્થળ પસંદગી અંગીની માહિતી મેળવી હતી. સ્વૈચ્છિક સંસ્થા જેવી કે, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ, નહેરૂ યુવા કેન્દ્ર, બહ્માકુમારી, પંતજલિ યોગ, શ્રી શ્રી અકાદમીના સદસ્યો, સમિતી મહિતીની સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે યોગ દિવસના કાર્યક્રમના આયોજન અંગેની ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

જિલ્લાભરમાં યોગના ૨૩૮૩ સ્થળો પર કાર્યક્રમ યોજાવાના છે. તેમાં જિલ્લા કક્ષાના શહેરમાં મુખ્ય પાંચ કેન્દ્રો જેમાં રેસકોર્સ ગ્રાઉન્ડ, રણછોડદાસજી આશ્રમ સામેનો પ્લોટ કુવાડવા રોડ, પારડી રોડ આર.એમ.સી. કોપ્લેકસ પાસે, નાનામવા ચોકડી મલ્ટી એકિટવિટી સેન્ટર સામેનો પ્લોટ અને રાજ પેલેસ સામેનું ગ્રાઉન્ડ સાધુ વાસવાણી રોડ ખાતે યોજાશે. આ ઉપરાંત આવખતે પ્રથમ વાર વંચિતો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં સરસ આયોજન કરાયું છે તથા મહાનગરના પાંચેય સ્વિમિંગપુલમાં પાણીમાં એકવા યોગા યોજાશે,  નગરપાલિકા કક્ષાના ૧૨, તાલુકા કક્ષાના ૨૨, શૈક્ષણિક સંસ્થા દ્વારા સૌથી વધુ કેન્દ્રો અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા અને અન્ય કેન્દ્રો પર વિસ્તૃત કાર્યક્રમો યોજાશે. આમ વિરાટ અને વિસ્તૃત આયોજન વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યકિતઓ અને રાજયમાં આવેલ જેલોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં આવેલ મોટા ઔદ્યોગિક ગૃહો અને જી.આઇ.ડી.સી. એસ્ટેટમાં પણ કાર્યક્રમ યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં જિલ્લા પ્રાંત અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજ સિંહ વાદ્યેલા, ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ અને જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

(11:52 am IST)