Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

લોહાણા મહાજનની ચૂંટણીમાં જીતવાનો મને પુરો વિશ્વાસ છેઃ પ્રતાપભાઇ કોટક

દ્રેષભાવ વગર અને ખેલદિલીપૂર્વક દરેક ઉમેદવાર પોતપોતાની શકિત પ્રમાણે ચૂંટણી લડે તેવું ઇચ્છનીય ગણાવતા પ્રતાપભાઇઃ સર્વસંમતિ અને સર્વસ્વિકાર્ય ઉમેદવારની પણ તરફેણ કરીઃ જનકભાઇ કોટકે પણ ચૂંટણી લડવી જોઇએ તે સંદર્ભના મેસેજ સોશ્યલ મિડીયામાં વાઇરલ થયા

રાજકોટ તા.૧૧ :. લોહાણા મહાજન રાજકોટ ની ચૂંટણી ૮ જુલાઇ, ૨૦૧૮ ને રવિવારના રોજ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા દરમ્યાન કેશરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ રાજકોટ ખાતે યોજાવાની છે ત્યારે રાજકોટ શહેર ભા.જ.પ. ના પૂર્વ પ્રમુખ અને લોહાણા અગ્રણી પ્રતાપભાઇ કોટકે (મો. ૯૪૨૯૦ ૯૯૦૯૯, ઉ.વ. ૬૮), આજરોજ ચૂંટણી લડવાનો દ્રઢ નિર્ણય જાહેર કર્યો હતો. ઉપરાંત ચૂંટણીમાં જીત મેળવવાનો વિશ્વાસ પણ ટેલિફોનિક વાતચીતમાં દર્શાવ્યો હતો.

ચૂંટણી સંદર્ભે આજરોજ તેઓએ અકિલાને જણાવ્યું હતું કે ચૂંટણીમાં પ્રમુખપદના દરેક ઉમદેવાર પોતપોતાની શકિત પ્રમાણે ખેલદિલીપૂર્વક અને કોઇપણ જાતના દ્રેષભાવ વગર લડે તે લોહાણા સમાજના માનમોભા તથા પ્રતિષ્ઠા માટે ઇચ્છનીય છે. ચૂંટણી લડવાની સ્પષ્ટ જાહેરાતની સાથે-સાથે તેઓએ પ્રમુખપદ માટે નિષ્પક્ષ, અનુભવી અને સર્વસ્વિકાર્ય ઉમેદવાર માટે સર્વસંમતિની પણ તરફેણ કરી હતી. સમાજના વરીષ્ઠ નાગરિકોને સાથે બેસાડી એકસૂત્રતા લાવવાનું પણ કહયું હતું.

પ્રમુખપદે ચૂંટાઇને સમાજના છેવાડાના સામાન્ય સ્થિતિ ધરાવતા લોકોનું કલ્યાણ  થાય તે બાબત તેેઓની પ્રાથમિકતા રહેશે તથા સામાન્ય લોકો માટે વાડીની પ્રાપ્યતા સંદર્ભેની સમસ્યા નિવારીને નજીવા દરે વાડીનું બુર્કીગ આપવાનું પ્રતાપભાઇ કોટકે જણાવ્યું હતું. સમાજના આગેવાનોએ પુરતો સહકાર-સમર્થન આપવાનું કહયું હોવાનો પણ ઉચ્ચાર કર્યો હતો.

ચૂંટણીમાં મતદાન સ્થળ લોહાણા સમાજની વસ્તીને જોતા ટૂંકુ અને અગવડતાભર્યુ પડશે તેવો ભય પણ તેઓએ વ્યકત કર્યો હતો. ભુતકાળમાં નાગરિક બેન્કની ચૂંટણીને યાદ કરીને પ્રતાપભાઇએ ચોૈધરી હાઇસ્કૂલ જેવડાં મોટા સ્થળની તરફેણ કરી હતી. કે જયાં મતદાન માટેની જગ્યા, વધુ બુથની વ્યવસ્થા, પાર્કીગ વ્યવસ્થા, મત આપવા આવનાર જ્ઞાતિજનોના સમયની બચત, વિગેરે મુદાઓ સંદર્ભે સરળતા રહે તે બાબતનો પ્રતિભાવ આપ્યો હતો. મતદાન સ્થળ તો એકમાત્ર રાખવાની જ તેઓએ હિમાયત કરી હતી. મતદાન દરમ્યાન એક યા બીજા કારણોસર સંઘર્ષ થાય તો એકમાત્ર મતદાન સ્થળ હોવાથી ઘી ના ઠામમાં ઘી પાડી શકાય તેવી વાત પણ કરી હતી. હસીખુશીના વાતાવરણમાં ઉત્સવ જેવા માહોલમાં સમાજની ચૂંટણી થાયતેવી પણ લાગણી દર્શાવી હતી.

ચર્ચા પ્રમાણે છેલ્લા બે-ત્રણ દિવસથી સોશ્યલ મિડીયામાં મેસેજ ફરે છે કે જનકભાઇ કોટક જેવા અનુભવી, પ્રામાણિક અને ઠરેલ કોઠાના માણસોએ ચૂંટણી લડીને પ્રમુખપદે ચૂંટાઇ આવવંુ જોઇએ. આ મેસેજ સંદર્ભે પોતે કંઇ જાણતા ન હોવાનું અને પોતે માત્ર સમાજસેવામાં જ ધ્યાન કેન્દ્રીત કરતા હોવાનું અંતમાં પ્રતાપભાઇ કોટકે જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નાયબ ચેરીટી કમિશ્નર રાજકોટ દ્વારા લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી કરવાનો આદેશ થતાં લોહાણા સમાજ રાજકોટના યુવા, લડાયક અને તેજતર્રાર અગ્રણી રમેશભાઇ ધામેચા તથા ગ્રુપે ચૂંટણી લડવાનો સ્પષ્ટ કોલ આપી દીધો છે અને તેઓ દિવસે-દિવસે સંખ્યાબંધ જ્ઞાતિ આગેવાનો અને લોકોનું સમર્થન પણ મેળવી રહયા છે.

લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી જાહેર થતા જ નિયમ મુજબ તમામ હોદેદારોનું માળખુ વિખેરાઈ ગયું છે અને ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી કાર્યવાહક પ્રમુખ તરીકે કાશ્મીરાબેન નથવાણીની નિયુકિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કાશ્મીરાબેન નથવાણી દ્વારા જણાવ્યા મુજબ પ્રમુખપદની ચૂંટણી માટે તા. ૧૪-૬-૨૦૧૮ ગુરૂવારથી સાંગણવા ચોક મહાજનવાડી ખાતેથી ફોર્મ વિતરણ શરૂ થનાર છે. જેનો સમય સવારે ૧૦ થી બપોરે ૧૨.૩૦ અને સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી રહેશે. ભરેલુ ફોર્મ જમા કરાવવાની એક માત્ર તારીખ ૨૮ જૂન જ રહેશે. જેનો સમય સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા સુધીનો હશે.(૨-૧૯)

(3:54 pm IST)