Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આવાસ યોજનાના ડ્રો માં ગેરરીતીની રાવ

મિલ્કત ધરાવનારાઓને ફલેટ લાગી જાય અને ભાડે રહેનાર ગરીબો વંચિત રહી જાય છે : અગાઉના ડ્રો માં લાભ લઇ જનારાઓને ફરીથી ફલેટ લાગતા હોવાની પણ રાવ : ડ્રો માં વંચિત રહી ગયેલ અરજદારો દ્વારા કલેકટરને રજુઆત : જેને ફલેટ લાગ્યા છે તેમના કેવાયસી કરાવવા માંગણી

રાજકોટ તા. ૧૧ : શહેરી વિકાસ સત્તા મંડળ આવાસ યોજના તળે હાલમાં થયેલ ડ્રો માં ભયંકર ગેરરીતી આચરવામાં આવી હોવાની વંચિત રહી ગયેલ અરજદારોએ હૈયા વરાળ ઠાલવી છે.

કલેકટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. અન્યાયનો ભોગ બનેલ અરજદારોએ જણાવ્યુ છે કે પ્રધાનમંત્રી  આવાસ યોજનાનો ફેબ્રુઆરીમાં ડ્રો થયો હતો. આજે પણ થયો. પરંતુ તેમાં ખરેખર જે લોકોને ફલેટ મળવા જોઇએ તેવા ગરીબ અને ભાડાના મકાનમાં રહેનારાઓ ફલેટથી વંચિત રહી જાય છે. સામે ઘરના મકાન ધરાવતા હોય તેવા મિલ્કતધારકોને ફલેટ મળી જાય છે.

આ લોકોએ વસવસો ઠાલવતા જણાવેલ  કે જો ડ્રોની પારદર્શીતા જાળવવી હોય તો ફોર્મ ભરતી વખતે જ વેરાબીલની નકલ માંગવી જોઇએ. તેમ છતાય હજુ તપાસ કરીને જે લોકોને ફલેટ લાગ્યા છે તેમના કેવાયસી કરવા જોઇએ. તેમાં વેરાબીલનો આગ્રહ રાખવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે.

એટલુ જ નહીં આ પહેલાના ડ્રોમાં કોઇને ફલેટ લાગ્યો હોય તેમને પણ અન્ય નામે બીજો ફલેટ લાગી ગયાના ઘણા કિસ્સા છે. આ બાબતે તંત્રને રજુઆત કરવામાં આવી તો રજુઆત કરનારાઓ પાસે પુરાવા માંગવામાં આવ્યા. ખરેખર તો પુરાવા તંત્રવાહકોએ જેતે લાભાર્થી પાસે માંગીને ખરાઇ કરવી જોઇએ. રજુઆત કરનાર તો લાચાર હોય છે.

અરજદારોએ આક્રોશભેર જણાવેલ કે ફોર્મ ભરતી સમયે અમો ગરીબ લોકો કેટલી યાતના ભોગવીએ છીએ. આવકના દાખલા કઢાવવામાં પગે પાણી આવી જાય છે. કામધંધામાં રજા પાડીને માંગ્યા મુજબ ડોકયુમેન્ટ ભેગા કરીને ફોર્મ ભરીએ છીએ. સાથે આર્થીક વેત ન હોય તો પણ ઉછી ઉધારા કરીને જરૂરી રૂ. ૨૦૦૦૦ ભરવા પડે છે. પછી જયારે ડ્રો થાય ત્યારે ખરા હકદારને બદલે પહોંચતા માણસો લાભ ખાટી જાય ત્યારે ખુબ દુઃખ થાય છે.

એક અરજદારે એવુ સુચન કરેલ કે ખરેખર તો આ આવાસ યોજના શહેરી લોકો માટે હોય છે. છતા આસપાસના ગામડાના લોકોના પણ ફોર્મ ભરવામાં આવે છે. આથી અરજદારોની સંખ્યા ખુબ મોટી થઇ જાય છે. આ વખતે અંદાજીત ૪૨૦૦ જેટલા ફોર્મ ભરાયા હતા. ખરેખર તો શહેરીજનો માટે અને ગ્રામીણજનો માટે અલગ અલગ વ્યવસ્થા થવી જોઇએ. શહેરમાં જે ફલેટ નિર્માણ થાય તેમાં ફકત શહેરીજનો અને ગ્રામીણ વિસ્તારમાં ફલેટ નિર્માણ થાય તેમાં ફકત ગ્રામીણજનોને લાભા આપવો જોઇએ.

આ ડ્રો થયો અને તેમના જેઓને ફલેટ લાગ્યા તેવા લોકો ડ્રો સમયે હાજર પણ નહોતા. મતલબ જેને ડ્રો લાગ્યો કે નથી લાગ્યો તે જાણવાની પણ જરૂર નથી જણાતી તેવા લોકોન ફલેટ મળી જાય છે. જયારે ઝુરી ઝુરીને રાહજનારાઓને ધરમ ધકકા થાય છે.

આવાસ યોજનાના ફલેટના ડ્રોમાં પારદર્શીતા લાવવા આ લોકોએ કલેકટરને પાઠવેલ એક પત્રમાં માંગણી ઉઠાવી છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા જયેશભાઇ કિશોરચંદ્ર લોટીયા (મો.૯૮૨૫૪ ૯૨૭૫૯), મુમતાઝબેન પીલુડીયા, ગોપાલભાઇ ગોહેલ, જીજ્ઞેશભાઇ સોની, નિલેશભાઇ વાઘેલા, તુષારભાઇ ગોહેલ, દિપકભાઇ ટાંક, સચીનભાઇ પરમાર, રાજેશભાઇ પરમાર વગેરે નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

કેવાયસી કરાવો એટલે દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે : મુમબતાઝબેન

રાજકોટ : આવાસ યોજનાના ફલેટના ડ્રો માં ગેરરીતી થયાની રાવ કરનાર અરજદારોમાના મુમતાઝબેન પીલુડીયાએ જણાવેલ કે ખરેખર ભાડાના મકાનમાં રહેનાર ગરીબો વંચિત રહી ગયા છે. જયારે મિલ્કત ધરાવનારાઓ ખાટી ગયા છે. જે લોકોને ફલેટ લાગ્યા છે તેમની પાસે કેવાયસી કરાવવામાં આવે અને વેરા બીલ માંગવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. સંબંધિત અધિકારીઓ ચકાણસી કરાવે તેવી તેમણે માંગણી ઉઠાવી છે.

(3:51 pm IST)