Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ડો. વિપુલને મરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી ન થાય તો આંદોલનઃ પરિવારજનોની રજૂઆત

રોહીશાળાના દલિત યુવાને રાજકોટની નર્સ પુજા સાથે છ માસ પહેલા જ લવમેરેજ કર્યા'તા : ભીમરાવ સોસાયટીમાં ૮ દિ' પહેલા આપઘાત કર્યો'તોઃ પત્નિ પુજા તથા સાસરિયાએ મરવા માટે મજબુર કર્યાનો મૃતકના ભાઇ દિલીપભાઇ પારીયા અને પરિવારજનોનો આક્ષેપ

ડો. વિપુલને ન્યાય આપો...સાસરિયાના ત્રાસે લીધો જમાઇનો જીવ...ડોકટર લાખોના જીવ બચાવે છે, તેના જીવનું કોઇ મુલ નહિ...આઠ દિવસ છતાં એફઆઇઆર કેમ નહિ?...નિદોર્ષને મોત, ગુનેગારને મજા...સહિતના સુત્રો સાથે બેનર લઇ આપઘાત કરનાર ડો. વિપુલ પારીયાના પરિવારજનોએ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: બિગ બાઝાર સામે કરણ પાર્ક નજીક ભીમરાવ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતાં અને બી. ટી. સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતાં મુળ ટંકારાના રોહીશાળાના વતની ડો. વિપુલ મોહનભાઇ પારીયા (ઉ.૨૫) નામના દલિત યુવાને ૩/૬ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં લેખિત રજૂઆત-ફરિયાદકરવામાં આવી હોવા છતાં પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી ન કરતાં આજે આપઘાત કરનારના ભાઇ દિલીપભાઇ મોહનભાઇ પારીયા સહિતના પરિવારજનોએ જુદા-જુદા બેનરો સાથે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી ડો. વિપુલને મરવા મજબુર કરનારા સામે ગુનો નોંધવા માંગણી કરી હતી.

મૃતકના મોટાભાઇ દિલીપભાઇ પારીયા સહિતના પરિવારજનોએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચી લેખીત રજૂઆત કરી હતી. જેમાં ભાઇ ડો. વિપુલ પારીયાને મરવા મજબુર કરનાર તેની પત્નિ પૂજા રમેશભાઇ ચાવડા, સસરા રમેશભાઇ હીરાભાઇ ચાવડા, સાસુ કાંતાબેન રમેશભાઇ ચાવડા,  પ્રિયંકા રમેશભાઇ ચાવડા, મિતલ રમેશભાઇ ચાવડા તથા ધીરજભાઇ (પુજાના બનેવી) સહિતના સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. રજૂઆતમાં દિલીપભાઇએ જણાવ્યું છે કે મારા ભાઇ ડો. વિપુલ અને પુજાના લગ્ન છ માસ પહેલા જ થયા હતાં. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને જ્ઞાતિના રિતીરિવાજ મુજબ લગ્ન થયા બાદ બંને ભીમરાવ સોસાયટીમાં ભાડેથી રહેતાં હતાં.    

આક્ષેપો સાથે જણાવાયું છે કે પુજા મારા ભાઇને ખુબ શારીરિક માનસિક ત્રાસ આપતી હતી. તે ઘરે જમવાનું ન બનાવી વારંવાર બહાર જમવાની જીદ કરતી હતી. દબાણ કરી લોન ઉપડાવી ગોવા ફરવા લઇ ગયેલ. અઠવાડીએ બે વખત વોટર પાર્કમાં લઇ જવા દબાણ કરતી. મોંઘો મોબાઇલ ફોન લેવડાવ્યો હતો.મહેસાણા વોટર પાર્કમાં  જવાની જીદ કરતાં બંને વચ્ચે માથાકુટ થઇ હતી. મારા પિતાએ વિપુલને પાંચ હજાર રૂપિયા આપ્યા હતાં તેનો પુજાએ મોલમાંથી ચુલો લઇ તેના માતાને આપી દીધો હતો.  સાસુ-સસરા સહિતના પણ મારા ભાઇને વારંવાર ગાળો દઇ ત્રાસ આપતાં હતાં.

આવા ત્રાસ વચ્ચે મારા ભાઇ ડો. વિપુલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેણે દિવાલ પર લખ્યું હતું કે પૂજા તું બહુ ખોટુ બોલશ, મેં તારી જોડે મેરેજ કરીને ભુલ કરી...આ ઉપરાંત મારા ભાઇએ આપઘાત કર્યો એ સાંજે જ પુજાએ તેના સ્ટાફના રાકેશભાઇને વ્હોટસએપથી મેસેજ કરી કહેલ કે તમે ઘરે જઇ ચેક કરી આવો, ઓલો વળી કંઇક કરી બેસશે તો હું સલવાઇ જઇશ. આનો અર્થ એવો થઇ શકે કે પુજા વિપુલના મોતના બનાવથી વાકેફ હશે. રાકેશે બાદમાં ઘરે પહોંચી મારા ભાઇએ આપઘાત ખાઇ લીધાની જાણ પુજાને કરી હતી. મહત્વની વાત એ છે કે વિપુલના મોબાઇલમાંથી તમામ વ્હોટ્સએપ અને ફેસબૂકના મેસેજ ડિલીટ કરાયા છે. આથી પુજા અને મારા ભાઇ વિપુલના છેલ્લા ત્રણ મહિનાના તમામ મેસેજ રિકવર કરી તપાસ કરવા અને ૨/૬ થી રાતથી ૩/૬ની રાત સુધી કોની-કોની આવ જા થઇ તેના સીસીટીવી ફૂટેજ ચેક કરવા અમારી માંગણી છે.

દિલીપભાઇએ અંતમાં જણાવ્યું છે કે અમે લેખિત અરજી આપી દીધો હોવા છતાં  પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. આ બાબતે તાકીદે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં નહિ આવે તો ના છુટકે આંદોલન કરવાની ફરજ પડશે.

(3:33 pm IST)