Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

લક્ષ્મીનગર નાલા પાસે વિરાણી સ્કૂલના છાત્ર અને તેના બે મિત્રો પર છરી-ધોકાથી હુમલો

પોપટપરાના અઝાન શેખને સહઅધ્યાયી હરેશ વચ્ચે વર્ગમાં થયેલી બોલાચાલી બાદ ભેગા થયા ને જામી પડી

રાજકોટ તા. ૧૧: પોપટપરામાં રહેતાં અને વિરાણી હાઇસ્કૂલમાં ધોરણ-૧૦માં ભણતાં ૧૬ વર્ષના મુસ્લિમ તરૂણ તથા તેના બે મિત્રો પર રવિવારે સાંજે લક્ષ્મીનગરના નાલા પાસે છરી-ધોકાથી હુમલો થતાં સારવાર લેવી પડી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોપટપરા ૫૩ કવાર્ટરમાં રહેતો અને વિરાણી હાઇસ્કૂલમાં ધોરણ-૧૦માં ભણતો અઝાન ઇમરાનભાઇ શેખ (ઉ.૧૬) તથા તેના મિત્રો સાહિલ (ઉ.૧૭) અને રાહુલ નારણભાઇ રાઠોડ (ઉ.૨૦)ને સાંજે લક્ષ્મીનગર નાલા પાસે ધનરાજ સહિતના શખ્સોએ માર મારી છરી-ધોકાથી હુમલો કરી ઇજા કરતાં અઝાન અને રાહુલને સારવાર માટે દાખલ કરાયા હતાં. સાહિલને મુંઢ ઇજા થઇ હોઇ પ્રાથમિક સારવાર લીધી હતી.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. અઝાનના પિતા ઇમરાનભાઇ પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. તેણે જણાવ્યું હતું કે નિશાળમાં અઝાનને સાથે ભણતા હરેશ સાથે મજાક-મશ્કરીમાં બોલાચાલી થઇ હતી. આ બાબતે વાતચીત કરવા રવિવારે લક્ષ્મીનગરના નાલા પાસે અઝાનને બોલાવતાં તે બે મિત્રો સાથે ત્યાં ગયો હતો. ત્યારે હરેશના મિત્રો ધનરાજ સહિતના તેના પર તુટી પડ્યા હતાં. પોલીસે રાહુલ રાઠોડની ફરિયાદ નોંધી છે. પીએસઆઇ બી. બી. કોડીયાતર અને સાજીદભાઇ વધુ તપાસ કરે છે. (૧૪.૯)

(12:58 pm IST)