Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મક્કમ ચોકમાં એકટીવા ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે પાઇપ-હેલ્મેટ અને ચાના ડોયાથી ધબધબાટી

કોન્સ્ટેબલ અંકિત નિમાવતની ફરિયાદ પરથી પાર્થ રાઠોડ અને કિશન ડાંગર સામે તથા પાર્થની ફરિયાદ પરથી કોન્સ. અંકિત, ફોૈજીભાઇ, કરણ અને ચાવાળા સંજય ડાભી સામે ગુનોઃ ટ્રાફિક પોલીસની મદદ કરવા ચા વાળો દોડ્યોઃ તેણે વાહન ચાલકે ડોયાથી ફટકાર્યો

રાજકોટ તા. ૧૧: શહેરમાં અવાર-નવાર વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસ કે વોર્ડન વચ્ચે માથાકુટ થતી રહે છે. રવિવારે સાંજે સવા આઠેક વાગ્યે ગોંડલ રોડ મક્કમ ચોકમાં એકટીવા પર નીકળેલા બે યુવાને સિગ્નલ બંધ હોવા છતાં તેનું વાહન હંકારતા તેને અટકાવીને ટ્રાફિક પોલીસમેને વાહન ડિટેઇન કરવાની તજવીજ કરતાં વાહન ચાલકે 'તું મને ઓળખતો નથી...' કહી ઝઘડો શરૂ કર્યા બાદ તેણે અને સાથેના શખ્સે મળી પોલીસમેનને ઢીકા-પાટુનો માર મારી તેમજ તેનું જ હેલ્મેટ ખેંચી લઇ તેનાથી પણ માર મારી હેલ્મેટ તોડી નાંખી નુકશાન કરતાં ટોળા ભેગા થઇ ગયા હતાં. સામા પક્ષે લુહાર યુવાન પણ પોતાને ટ્રાફિકપોલીસમેન સહિત ચાર જણાએ પ્લાસ્ટીકના પાઇપ અને લોખંડના ડોયાથી માર માર્યાની ફરિયાદ કરી છે. પોલીસ સાથે ચા વાળો પણ હુમલામાં સામેલ થયો હતો!

જાણવા મળ્યા મુજબ હુડકો ચોકડી પાસે રહેતાં અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ અંકિત બટુકભાઇ નિમાવત (ઉ.૨૨) પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનના પીએસઆઇ બી. બી. કોડીયાતરે તેની ફરિયાદ પરથી પાર્થ અને અંકિત નામના શખ્સો સામે આઇપીસી ૧૮૬, ૩૫૩, ૫૦૬ (૧), ૫૦૪, ૧૧૪, ૨૭૯, ૪૨૭, ૧૮૭, ૧૭૭ મુજબ ગુનો નોંધ્યો હતો.

અંકિતના કહેવા મુજબ પોતે રવિવારે બપોરે બાર થી રાત્રીના નવ સુધી મક્કમ ચોકમાં નોકરી પર હતો. સાથે કોન્સ. રમેશભાઇ પાંચાભાઇ પટેલ પણ હતાં. સાંજે સવા આઠેક વાગ્યે બે શખ્સ કાળા એકટીવા પર સિગનલ બંધ હોવા છતાં પુરઝડપે નીકળતાં તેને દોડીને ટકાવ્યા હતાં. તે સાથે જ ચાલકે કોલર પકડી લઇ લીધો હતો અને પાછળ બેઠેલા શખ્સે ઝપાઝપી શરૂ કરી હતી. એ પછી બંનેએ નીચે ઉતરી ઢીકા-પાટુનો માર મારવાનું શરૂ કર્યુ હતું. ચાલકે મારું નામ પાર્થ છે, તું મને ઓળખતો નથી...અત્યારે સત્તા અમારી છે, તારી વર્દી ઉતરાવી નાંખીશ તેમ કહી ઝપાઝપી કરતાં સરકારી હેલ્મેટ નીચે પડી જતાં તેણે હેલ્મેટ ઉપાડી તેનાથી માર મારવાનું શરૂ કર્યુ હતું.

બાદમાં હેલ્મેટનો ઘા કરતાં તે તુટી ગયું હતું. રમેશભાઇ દોડી આવતાં અને વચ્ચે પડતાં બીજા શખ્સે પોતાનું નામ કિશન હોવાનું કહી ગાળાગાળી શરૂ કરી હતી. રાહદારીઓ ભેગા થઇ જતાં આ બંનને પકડી લીધા હતાં. બાદમાં પોતાને ઇજા થઇ હોઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. પોતાની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી આ બંનેએ મારકુટ કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

સામા પક્ષે સહકાર રોડ વિરાટનગર-૫માં રહેતો અને ફાયનાન્સમાં નોકરી કરતો પાર્થ પ્રવિણભાઇ રાઠોડ (ઉ.૨૨) નામનો લુહાર યુવાન પણ પોતાને ટ્રાફિક પોલીસ અને વોર્ડન સહિતે માર માર્યાની ફરિયાદ સાથે દાખલ થતાં પોલીસે તેની ફરિયાદ પરથી ટ્રાફિક કોન્સ. અંકિત નિમાવત, ફોૈજીભાઇ, કરણભાઇ અને સંજય ડાભી સામે ગુનો નોંધ્યો છે.

પાર્થના કહેવા મુજબ તે ગોંડલ રોડ વિત્તભવનમાં આવેલી એજન્સીમાં ટુવ્હીલર રીકવરીનું બે વર્ષથી કામ કરે છે. રવિારે સાંજે પોતે મિત્ર કિશન ડાંગર સાથે નંબર વગરનું એકટીવા લઇ ગોંડલ રોડ બોમ્બે પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા જતો હતો ત્યારે મક્કમ ચોકમાં ટ્રાફિક પોલીસે રોકીને આગળ-પાછળ નંબર પ્લેટ નથી, દંડ ભરવો પડશે તેમ કહેતાં પોતાની પાસે પૈસા ન હોઇ ડિટેઇન કરવાનું કહી તેણે ચાવી કાઢી લઇ એક ઝાપટ મારી દીધી હતી અને ગાળો દીધી હતી. બાદમાં તેની સાથેના ફોૈજીભાઇ, અજાણ્યા પોરબંદરના પોલીસવાળા કરણભાઇ તથા ચાની હોટલવાળો સંજય ડાભી ધસી આવ્યા હતાં અને પ્લાસ્ટીકના પાઇપથી માથામાં માર માર્યો હતો. તેમજ હેલ્મેટ ફટકારી ઇજા કરી હતી. ચા વાળાએ ચાનો ડોયો લઇ માથામાં ફટકાર્યો હતો. તેમજ એપલનો ફોન લઇ લીધો હતો. હુમલો થતાં મિત્ર કિશન ડાંગર ગભરાઇને ભાગી ગયો હતો. બાદ ફોન કરીને પોતાના મિત્રો-સગાને બોલાવી હોસ્પિટલમાં દાખલ થયો હતો.

પોલીસે આ બંને ફરિયાદ પરથી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. (૧૪.૮)

(12:58 pm IST)