Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આપાગીગાના ઓટલે બુધવારે અન્નકોટ દર્શન- મહાપ્રસાદ

પરસોત્તમ માસના અંતિમ દિને દાળ, ભાત, શાક, રોટલી, મીઠાઈ, ફરસાણ, કેરીનો રસ ભાવથી પીરસાશેઃ જાહેર આમંત્રણ આપતા નરેન્દ્રબાપુ સોલંકી

રાજકોટ,તા.૧૧: ૧૮ કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર સમાન શ્રી આપાગીગાનો ઓટલો (ચોટીલા રાજકોટ હાઈવે) દ્વારા  આ પુરૂષોત્તમમાસના અંતિમદિને પૂ.સદ્દગુરૂદેવશ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ- સતાધારધામના આદેશથી તા.૧૩ બુધવારે સમગ્ર સેવકગણ તેમજ ભાવિકજનો માટે ભવ્યાતિ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મોટી સંખ્યામાં ભાવિકજનો પુરૂષોત્તમમાસ દરમ્યાન ઉજવણીમાં સામેલ થયા છે અને ભોજન મહાપ્રસાદનો લાભ  લીધો હોવાનું યાદીમાં જણાવાયું છે.

શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના જણાવ્યા અનુસાર પુરૂષોત્તમમાસની પૂર્ણાહુતી નિમિતે એટલે કે આગામી બુધવારે તા.૧૩ના સવારે ૮ કલાકે ભાવિકજનો તેમજ સમગ્ર સેવકગણ માટે ઠાકરોજીને ધરાવેલ અન્નકોટ દર્શન ખુલ્લા મુકવામાં આવશે. જેમાં ઈશ્વરના ચરણે અનેક પ્રકારની વિવિધ મીઠાઈઓ વાનગીઓ તેમજ ફરસાણનો ભોગ ધરાવવામાં આવશે. જેના દર્શન એક લ્હાવો સમગ્ર ભાવિકજનો અને સેવકગણને પ્રસાદ લેવા માટે શ્રી આપાગીગાના ઓટલામહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ તેમજ (ગુજરાત રાજય ઓબીસી નિગમના ચેરમેન- નરેન્દ્રભાઈ સોલંકી) દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

અન્નકુટ દર્શન બાદ ૧૦ વાગ્યાથી શ્રી આપાગીગાના ઓટલે ભોજન મહાપ્રસાદનો પ્રારંભ થશે. તેમાં ૨૪ કલાક ચાલતા અન્નક્ષેત્રમાં દર તહેવારોની જેમ આ તહેવાર નિમિતે પણ નિત્યક્રમમાં દાળ- ભાત- શાક- રોટલી- મીઠાઈ-ફરસાણ પીરસવામાં આવે છે. તેમજ ભાવથી જમાડવામાં આવે છે. જેમાં અધિકમાસ નિમિતે વધારામાં દરેક ભાવિકજનો તેમજ સેવકગણને ઉનાળાની સીઝનમાં ભોજન મહાપ્રસાદમાં કેરીનો રસ પણ પીરસવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે શ્રી આપાગીગાના ઓટલો ૨૪ કલાક વિનામુલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે તેમજ ૨૪ કલાક રહેવા જમવાની સંપૂર્ણ વિનામુલ્યે ભકતજનો દ્વારા સેવા કરવામાં આવી રહી છે. રોજના હજારો લોકો તેનો લાભ લઈ રહ્યા છે. દરેક ધાર્મિક તહેવારો નિમિતે વિશેષ અને ભવ્ય રીતે ઉજવણી ભકતજનો તથા સંસ્થા દ્વારા વિશેષ પ્રકારે કરવામાં આવે છે. અધિકમાસના પ્રસંગનું  ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવ્યું છે.(૩૦.૨)

(11:58 am IST)