Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

લાયસન્સ વગર ISI માર્કો લગવાનારાઓ પર તવાઇ : રાજકોટ અને કચ્છમાં દરોડા

ઓપનવેલ સબમર્સિબલ પમ્પ અને પેકેજડ પાણીમા ગેરરીતી જોવા મળી

રાજકોટ તા. ૧૧ : આઇ.એસ.આઇ. માર્કનો દુરઉપયોગ થઇ રહ્યાની મળેલ બાતમીના આધારે ભારતીય માનક બ્યુરો રાજકોટ શાખા દ્વારા તાજેતરમાં રાજકોટના મેઘાણીવાડી શેરીમાં આવેલ ઓપનવેલ સબમર્સીબલ પમ્પના ઉત્પાદક મેસર્સ બ્રહ્માણી એન્જીનીયરીંગ ખાતે તપાસ આદરવામાં આવતા માનક બ્યુરોના માર્કા (આઇ.એસ.આઇ.) નો દુર ઉપયોગ થતો જોવા મળ્યો હતો. ગેરકાયદે માર્કાવાળા કોમેકસ બ્રાન્ડના ૮ ઓપનવેલ સબમર્સિબલ પમ્પ મળી આવ્યાનું ભારતીય માનક બ્યુરોના એસ. કે. સિંહની યાદીમાં જણાવાયુ છે.

એજ રીતે કચ્છના ગાંધીધામના પેકેજડ પીવાના પાણીના ઉત્પાદક આહીર બેવરેજીસમાં તપાસ હાથ ધરાતા કાવ્યા બ્રાન્ડના ૨૦૦ મીલીના ૫૦ પાઉચ ૪૦૦ બેગ અને પોલીથીનના ફિલ્મના ૧૫ રોલ મળી આવ્યા હતા.

માનક બ્યુરોની યાદીમાં જણાવાયુ છે કે કોઇપણ વ્યકિત ભારતીય માનક બ્યુરોના બ્યુરો માનક માર્ક આઇ.એસ.આઇ.ના લાયસન્સ વિના માર્કો મારીની કોઇ વસ્તુનું ઉત્પાદન કરી શકે નહી. બ્યુરોની પૂર્વ પરવાનગી વગર આવા માર્કાનો પ્રયોગ કરવો એ દંડનીય અપરાધ છે. આ અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ.૨,૦૦,૦૦૦ નો આર્થિક દંડની જોગાવાઇ છે. અથવા બન્નેના સજાપાત્ર છે.

ગ્રાહકોએ કોઇપણ વસ્તુની ખરીદી કરતી વખતે આઇ.એ.એસ.આઇ. માર્કો અચુક ચકાસવા અને કઇ ગેરરીતી જણાય તો ભારતીય માનક બ્યુરો, એફ.પી. ૩૬૪/પી વોર્ડ નં.૧૩ કાલાવડ રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવા પ્રમુખ એસ. કે. સિંહ (મો.૯૭૨૭૨ ૪૫૫૦૩) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(11:57 am IST)