Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

બાર કાઉન્‍સિલના પરિણામમાં ગેરરીતિ અંગે બુધવારે દિલ્‍હીમાં સુનાવણી

BCIની ટ્રિબ્‍યુનલ સમક્ષ અરજીઓ કરાઇ હતી : બાર કાઉન્‍સીલના નવા ચેરમેન કોને બનાવવા? ચર્ચાનો દોર

રાજકોટ તા. ૧૧ : બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ૨૮ માર્ચે યોજાયેલી ચૂંટણીમાં સુરત સહિતના અનેક બુથમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો સાથે કરાયેલી અરજીની સુનાવણી ૧૩ જૂને BCI ટ્રિબ્‍યુનલ સમક્ષ હાથ ધરાશે.

અમદાવાદના ગુજરાત ક્‍લબના બુથમાં ભારે હંગામો થતાં મતદાન રદ કરાયું હતું. અને ૫ માર્ચના રોજ ફરીથી મતદાન કરાયું હતું. ટ્રિબ્‍યુનલે ૭ જૂનના રોજ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના સેક્રેટરીને નોટિસ મોકલી છે. અને અરજીનો જવાબ રજૂ કરવા માટે ૧૩ જૂનના રોજ દિલ્‍હી સ્‍થિત બીસીઆઇ ટ્રિબ્‍યુનલ સમક્ષ હાજર થવાનો નિર્દેશ કર્યો છે. બીજી તરફ પૂર્વ ચેરમેન જે.જે.પટેલની અધ્‍યક્ષતામાં સમરસ પેનલના નેજા હેઠળ બાર કાઉન્‍સિલના જીતેલા ૧૯ ઉમેદવારોની બેઠક યોજાઇ હતી.

જેમાં પૂર્વ ચેરમેનો અનિલ કેલ્લા, ભરત ભગત સહિતના ઉમેદાવારો હાજર રહ્યા હતાં. બાર કાઉન્‍સિલના ચેરમેન, વાઇસ ચેરમેન કોને બનાવવા તેમજ મહત્‍વની વિવિધ કમિટીમાં કોને મૂકવા તે અંગેની ચર્ચા હાથ ધરાઇ હતી.

(11:46 am IST)