News of Monday, 11th June 2018

ડ્રાઇવરની ભુલથી ૪ જિંદગીનો અંતઃ જેની માનતા હતી એ મહિલાએ મામા-મામી અને માસી ગુમાવ્યા

પાટણ શંખેશ્વર તરફના નાડોદા રાજપૂત પરિવારોની 'ધાર્મિક સ્થળોની યાત્રા' ચાર લોકો માટે 'અંતિમયાત્રા' બની ગઇઃ રામપર બેટી પાસે બોલેરો પુલ નીચે ખાબકતાં ચાલક પરમાભાઇ જાદવ, પાટડી સુંશીયાના નથુભાઇ સોલંકી, તેના પત્નિ મધુબેન સોલંકી અને કોૈટુંબીક બહેન જેઠીબેન વાઢેરના મોતઃ ૧૬ને ઇજા

પુલ નીચે ખાબકેલી યુટીલીટી, ઇજાગ્રસ્તો તથા બચાવ કામગીરી કરતાં લોકો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૧: કુવાડવા નજીક રામપર બેટીના પુલ પાસે ખોટી રીતેે ઓવરટેઇક કરતી વેળાએ  બોલેરો પીકઅપ ગાડીને ટેન્કરની ટક્કર લાગી જતાં આ ગાડી પુલ તોડીને ત્રીસેક ફુટ નીચે નદીમાં ખાબકતાં સુરેન્દ્રગર જીલ્લાના પાટડી તાબેના સુંશીયા ગામના નથુભાઇ ડાયાભાઇ સોલંકી (નાડોદા રાજપૂત), તેના પત્નિ મધુબેન નથુભાઇ સોલંકી (ઉ.૪૮), કોૈટુંબીક બહેન પાટણના શંખેશ્વર તાબેના મુજપુરના જેઠીબેન મહાદેવભાઇ વાઢેર (ઉ.૬૫) અને બોલેરોના ડ્રાઇવર શંખેશ્વરના સિપુર ગામના પરમાભાઇ હેમાભાઇ જાદવ (ઉ.૪૦)ના મોત નિપજતાં અને બીજા ૧૮ને ઇજા થતાં કલ્પાંત મચી ગયો હતો. સોમનાથ દર્શન કરવાની માનતા અને બીજા  ધાર્મિક સ્થળોએ દર્શન કરવાની યાત્રા નાડોદા રાજપૂત પરિવારજનો માટે શોકમય બની ગઇ હતી. જેની માનતા હતી એ મહિલાએ અકસ્માતમાં મામા, મામી અને માસીને ગુમાવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. ખોટી રીતે ઓવરટેઇક કરવાની ડ્રાઇવરની ભુલ ડ્રાઇવર સહિત ચાર જિંદગીના મોતનું કારણ બની હતી.

જીજે૧૩એટી-૫૦૮૬ નંબરની બોલેરો પીકઅપ રવિવારે સાંજે પોણા છએક વાગ્યે બેટી ગામના પુલ પરથી નદીમાં ખાબકયાની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના પીઆઇ એ.આર. મોડીયા, હિતેષભાઇ ગઢવી, હમીરભાઇ સહિતનો કાફલો દોડી ગયો હતો. ૧૦૮ની ગાડીઓ તથા બીજી બચાવ ટૂકડીઓ પહોંચી ગઇ હતી. નદીમાં ખાબકેલી બોલેરોમાંથી ડ્રાઇવર પરમાભાઇ હેમાભાઇ જાદવ (રહે. સિપુર)નો મૃતદેહ જ નીકળ્યો હતો. અન્ય ૧૯ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સુંશીયા ગામના નથુભાઇ ડાયાભાઇ સોલંકી, તેમના પત્નિ મધુબેન નથુભાઇ સોલંકી, કોૈટુંબીક બહેન જેઠીબેન મહદોવભાઇ વાઢેરના મોત નિપજતાં મૃત્યુ આંક ૪ થયો હતો.

બનાવ અંગે પોલીસે મૃત્યુ પામનાર નથુભાઇ સોલંકીના ભાણેજ પાટણના શંખેશ્વર તાબેના ટુવડ ગામે રહેતાં કાનજી હરિભાઇ સિંધવ (ઉ.૨૭)ની ફરિયાદ પરથી મૃતક બોલેરો ચાલક પરમાભાઇ જાદવ સામે બેફિકરાઇથી ડ્રાઇવીંગ કરી અકસ્માત સર્જવા સબબ ગુનો નોંધ્યો હતો. કાનજી સિંધવે જણાવ્યું હતું કે મારા બહેન નીતાબેન હસમુખભાઇ રાઠોડ (ઉ.૩૦-રહે. અમદાવાદ)ને સોમનાથ દર્શન કરવાની માનતાં હતી. જેથી સગા-સંબંધીઓએ ભેગા મળી સોમનાથ દર્શન ઉપરાંત આજુબાજુના અને વચ્ચે આવતા ધાર્મિક સ્થળોના દર્શને જવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. અમે સગાની બોલેરોમાં ડ્રાઇવર તરીકે પરમાભાઇને લઇને ૭મીએ રાત્રેે નવેક વાગ્યે સુંશીયા ગામેથી રવાના થયા હતાં.

હું તથા સાથે મારા મામા નથુભાઇ સોલંકી, મામી મધુબેન સોલંકી, માસી જેઠીબેન વાઢેર, મારા પિતા હરિભાઇ રવાભાઇ સિંધવ, માતા લીલાબેન હરિભાઇ સિંધવ, બહેન હેતલબેન હરિભાઇ સિંધવ, પત્નિ વર્ષા કાનજી સિંધવ, બનેવી હસમુખ રામાભાઇ રાઠોડ, બહેન નીતાબેન હસમુખ રાઠોડ, ભાણેજ કેવલસિંહ હસમુખભાઇ રાઠોડ, મામાના દિકરા રણજીતસિંહ નથુભાઇ સોલંકી, અરૂણસિંહ નથુભાઇ સોલંકી, હીનાબેન રણજીતસિંહ સોલંકી, અંશ રણજીતસિંહ સોલંકી, મામી વર્ષાબેન રામાભાઇ સોલંકી, મામાનો દિકરો હાર્દિકસિંહ રામાભાઇ સોલંકી, માસીના દિકરાની દિકરી પાયલ હસમુખભાઇ વાઢેર તથા ડ્રાઇવર પરમાભાઇ અને તેની સાથે માનસંગભાઇ જાદવ મળી કુલ ૨૦ જણા રવાના થયા હતાં.

અમે પ્રથમ દ્વારકા, બેટ દ્વારકા, હરસિધ્ધી માતાજી દર્શન કરી સોમનાથ ગયા હતાં. ત્યાંથી ગઇકાલે જુનાગઢ પહોંચી ત્યાંથી ચોટીલા દર્શન કરવા જવા રવાના થયા હતાં. આ વખતે પરમાભાઇ ગાડી ચલાવતાં હતાં અને મારા પિતા હરિભાઇ તથા મામા નથુભાઇ આગળ ડ્રાઇવર કેબીનમાં બેઠા હતાં. રામપર પાસે પરમાભાઇ આગળ જતાં કોઇ વાહનને ઓવરટેઇક કરવા જતાં કાબુ ગુમાવતાં બોલેરો પુલ પરથી દિવાલ તોડી નીચે નદીમાં ખાબકી હતી. જેમાં ડ્રાઇવર પરમાભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અમને બધાને ઇજાઓ થઇ હોઇ હોસ્પિટલે ખસેડાયા હતાં. અહિ મારા મામા નથુભાઇ, મામી મધુબેન, માસી જેઠીબેને દમ તોડી દીધો હતો. બીજાને સિવિલમાં અને અમુકને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

મૃત્યુ પામનાર દંપતિ નથુભાઇ અને મધુબેનને સંતાનમાં બે રણજીતસિંહ અને અરૂણસિંહ પુત્ર છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. જેઠીબેનને સંતાનમાં બે પુત્રો હસમુખભાઇ અને વિનોદભાઇ છે. તેના પતિ મહાદેવભાઇ પણ ખેતી કરે છે. (૧૪.૬)

(10:13 am IST)
  • સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કાલા'એ દુનિયાભરમાં ફક્ત ત્રણ દિવસમાં 100 કરોડ આંકડો પાર કરી લીધો છે. ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ રજનીકાંતનાં ચાહકોએ આ ફિલ્મનું દિલથી સ્વાગત કર્યુ છે. ફિલ્મ 'પદ્માવત' બાદ 'કાલા' વર્ષ 2018ની બીજી હિટ ફિલ્મ બનીને સામે આવી છે. ફિલ્મ 'કાલા'એ ફખ્ત ચેન્નઇમાં જ 4.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઇન્ટરનેશનલ બોક્સ ઓફિસ પર પણ 'કાલા' ધમાલ મચાવી રહી છે. access_time 1:39 am IST

  • કાલે મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે વધુ 12 થી 15 પૈસા સુધીનો ઘટાડો થશે :ઘટ્યા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ પડશે :નવા ઘટયા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 75,75 રૂપિયા અને ડીઝલના 72,95 રૂપિયા થશે :પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 15 દિવસથી સતત ઘટાડો થઇ રહયો છે access_time 9:45 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા જવાહરલાલ નહેરુ કરતા પણ વધુ :કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મોરચા પર મોદી સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવતાની સૌથી મોટી ઓળખ બનીને ઉભર્યા છે access_time 3:54 am IST