Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પ્રદ્યુમન પાર્ક ઝૂની સિંહણ ઋત્વીની તબીયતમાં સુધારો

ઝેરી સાપે દંશ દેતા તુરત જ આ સિંહણને વેટરનરી ડોકટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી

રાજકોટ તા. ૧૧ : મ.ન.પા. સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂની સિંહણ 'ઋત્વી' ને ગઇકાલે ઝેરી સાપે દંશ દેતા તાકિદે વેટરનરી ડોકટર દ્વારા સારવાર અપાતા  આજે સિંહણની તબીયતમાં ખુબ સારો સુધરો જોવા મળ્યો હતો.

આ અંગે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. હિરપરાના જણાવ્યા પ્રમાણે રાજકોટ ઝૂ ખાતે ગઇકાલે તા.૧૦ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક કરતા સિંહણ રૂત્વી ઉંમર ૬.૫ વર્ષ સુતેલી હાલતમાં જોવા મળેલ. આ સિંહણને ઉભી કરવા છતા ૫ણ ઉભી ન થઇ શકતા એનિમલ કિ૫ર દ્વારા વેટરનરી ડોકટરને તાત્કાલિક જાણ કરી બોલાવવામાં આવેલ. વેટરનરી ડોકટર દ્વારા સિંહણને તપાસતા સિંહણના પૂછડીના મૂળના ભાગે સોજો મળેલ અને સિંહણ કોમા કન્ડીશનમાં સુતેલી અવસ્થામાં હોય, પ્રાથમિક રીતે સિંહણને રાત્રી દરમિયાન ઝેરી સર્પદંશ થવાનું જણાઇ આવતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવેલ.

સારવાર માટે વેટરનરી ઓફીસર ડો. ઉપેન્દ્ર પટેલ, ડો. જાકાસણીયા તથા ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. હિરપરાની ટીમ દ્વારા સતત રાઉન્ડ કલોક સઘન સારવાર ચાલુ રાખવામાં આવેલ. એન્ટી સ્નેક વેનમ અને લાઇફ સેવીંગ ટ્રીટમેન્ટ શરૂ રખાતા ૬ કલાકની સારવાર બાદ સિંહ માદાની તબીયતમાં આંશીક સુધારો જણાયેલ.

સતત અને સઘન સારવારના અંતે મોડી રાત્રી દરમિયાન સિંહણની તબીયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ અને આજ તા.૧૧/૦૫/૨૦૨૧ના વહેલી સવાર સિંહણ સારવારનાં પાંજરામાં નોર્મલ અવસ્થામાં હરતી-ફરતી થઇ ગયેલ છે. હાલ સિંહણની તબીયતમાં ખુબ સારો સુધારો જોવા મળેલ છે અને હજુ પણ આ સિંહણને સતત અવલોકન હેઠળ રાખવામાં આવેલ છે.

(3:56 pm IST)