Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કર્મકાંડી કમલેશભાઇ લાબડીયાને મરવા મજબૂર કરનાર કારખાનેદાર દિલીપ કોરાટ જેલહવાલે

વકિલ આર. ડી. વોરાની શોધખોળ યથાવતઃ તેનો પાસપોર્ટ પોલીસ મથકમાં રાખી દેવાયો

રાજકોટ તા. ૧૦: નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર સામે શિવમ્ પાર્ક-૩માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ તા. ૩ના રોજ પોતાના દિકરા અંકિત (ઉ.વ.૨૨), પુત્રી કૃપાલી (ઉ.વ.૨૧)ને 'કોરોનાની દવા છે' કહી ઝેરી દવા પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધી હતી.  સારવારમાં પહેલા અંકિતનું મોત થયા બાદ કમલેશભાઇએ દમ તોડી દીધો હતો. આ બનાવમાં પોલીસે કમલેશભાઇ લાબડીયા સામે પુત્ર-પુત્રીને ઝેર પીવડાવી પોતે પી લેવા અંગે હત્યા, હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવારને અંતે રવિવારે દિકરી કૃપાલીએ પણ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ બનાવમાં પોલીસે જેની ધરપકડ કરી હતી તે દિલીપ કોરાટના રિમાન્ડ પુરા થતાં તે જેલહવાલે થયેલ છે.

કમલેશભાઇને મરવા અને સંતાનોને મારવા મજબૂર કરવા બદલ નોંધાયેલા ગુનામાં તાલુકા પોલીસે એક આરોપી દિલીપ જીવરાજભાઇ કોરાટ (ઉ.વ.૪૬-રહે. 'ધરતી', ઉદયનગર-૧૭, સરદાર કોમ્યુનિટી હોલ પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મળ્યા છે. ગત રાત તેણે લોકઅપમાં પસાર કરી હતી. આજે રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને જેલહવાલે કરવા આદેશ થયો છે.

તાલુકા પોલીસે આ બનાવમાં કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાની ફરિયાદ પરથી વકિલ આર. ડી. વોરા અને દિલીપ જીવરાજભાઇ કોરટા સામે આઇપીસી ૩૦૬, ૪૦૬, ૩૮૪, ૧૧૪, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો હતો. આ બંનેએ કાવત્રુ કરી કમલેશભાઇનું ૧ કરોડ ૨૯ લાખના મકાનનો સોદો કરી સુથીના રૂ. ૫૧ હજાર અને બીજા ૨૦ લાખ ચુકવી બાકીના સાટાખત વખતે આપવાનો વાયદો કર્યા બાદ સાટાખત કરવાના દિવસે કમલેશભાઇ એડવોકેટ રાજેશભાઇ દેવજીભાઇ વોરા (આર. ડી. વોરા)ની ઓફિસે જતાં ત્યાં તેણે અને તથા દિલીપ જીવરાજભાઇ કોરાટ કોરાટે મળી   ૧,૨૯,૫૧,૦૦૦ (એક કરોડ ઓગણત્રીસ લાખ એકાવન હજાર)ના સોદામાં ચુકવેલા  ૨૦ લાખ ૫૧ હજાર સિવાયના પૈસા તમને આપી દીધા છે અને તેના લખાણની ડાયરીના પાના તમે ફાડી નાંખ્યા છે એવો ખોટો આરોપ મુકી સાટાખત કરી દેવા દબાણ કર્યુ હતું. આ રીતે પોતાની સાથે છેતરપીંડી થતાં અને ૧,૨૯,૫૧૦૦૦નું મકાન માત્ર ૨૦ લાખ ૫૧ હજારમાં પડાવી લેવા પ્રયાસ થયો હોઇ કમલેશભાઇ ઝેર પીવા અને સંતાનોને પીવડાવવા મજબૂર થયાનો ગુનો નોંધાયો હતો.

ફરાર આરોપીઓ પૈકીનો દિલીપ જીવરાજભાઇ કોરાટ (કારખાનેદાર) અમદાવાદ હાઇવે પર આવ્યો હોવાની બાતમીને આધારે તેને પકડી લેવાયેલ. જો કે તેણે ઠગાઇ નહિ કર્યાનું રટણ કર્યુ હતું. બીજી તરફ ફરાર આરોપી વકિલ આર. ડી. વોરાનો પાસપોર્ટ પોલીસે તેના ઘરેથી લાવી પોલીસ સ્ટેશને રાખી દીધો છે. વકિલ હજુ હાથમાં આવેલ નથી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ ભરતભાઇ વનાણી, એએસઆઇ આર. બી. જાડેજા, ભરતભાઇ વનાણી, હેડકોન્સ. મોહસીનખાન મલેક, વિજયગીરી ગોસ્વામી, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, અમીનભાઇ ભલુર, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા અને હરસુખભાઇ સબાડ વધુ તપાસ કરે છે.

(3:55 pm IST)