Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

૮૫ાા લાખની લૂંટમાં વધુ બે આગ્રાથી ઝડપાયાઃ પ્લાન ઘડનાર સતિષ પાસેથી વધુ ૧૩ લાખનુ સોનુ-ચાંદી અને તમંચો કબ્જે

રાજકોટ શહેર પોલીસે અગાઉ ચારને દબોચ્યા બાદ સતિષનું નામ ખુલતાં એક ટીમ ધોલપુર હોલ્ટ હોઇ ત્યાંથી આગ્રા મોકલાઇ હતી : સતિષનો લૂંટેલો માલ વેંચી આપવામાં મદદ કરનાર આગ્રાના જગનેરનો ઇસુવ ઉર્ફ યુસુફ ઉર્ફ ટલ્લે કુરેશી પણ ઝડપાયો

રાજકોટ તા. ૧૧: શહેરના સામા કાંઠે ચંપકનગર-૩માં ૨૬/૫ના ભરબપોરે શિવ જ્વેલર્સમાં ત્રાટકી ત્રણ લૂંટારા વેપારીને મારકુટ કરી લમણે હથીયાર તાંકી કુલ રૂ. ૮૫,૪૬,૯૦૦ની માલમત્તા લૂંટી ગયા હતાં. જેનો ભેદ શેહર પોલીસે ઉકેલી નાંખી ૪ આરોપીઓને દબોચી લઇ રૂ. ૬૨,૩૭,૮૪૧નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એક ટૂકડી રાજસ્થાન રોકાઇ હોઇ વધુ બે આરોપીને ત્યાંથી પકડી લઇ વધુ ૧૨,૮૭,૦૦૦નું સોનુ, ૭૮૫૦૦નું ચાંદી મળી ૧૨,૯૪,૮૫૦નો મુદ્દામાલ કબ્જે કરી એક દેશી તમંચો રૂ. ૧૦ હજારનો પણ જપ્ત કર્યો છે. વધુ જે બે આરોપી પકડ્યા છે તેમાં એક લૂંટના પ્લાન ઘડવામાં મુખ્ય સુત્રધાર છે, તે અગાઉ ૧૨ ગુનામાં સંંડોવાઇ ચુકયો છે અને તેમાંથી ૬ ગુનામાં તો વોન્ટેડ પણ હતો.

લૂંટના ગુનામાં અગાઉ પડકાયેલા ચાર આરોપીઓને લઇને તમામ ટીમો હરીયાણાથી રાજકોટ ખાતે પરત આવવા નીકળી એ પહેલા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે દુરંદેશી વાપરી એક ટીમ તાત્કાલિક બેકઅપ માટે મોકલવાનો આદેશ આપ્યોલ હતો. આ ટીમમાં પીએસઆઇ  પી. બી. તરાજીયા, ડીસીબીના હેડકોન્સ્ટેબલ વિક્રમભાઇ ગમારા,એએસઆઇ વીરમભાઇ ધગલ, કોન્સ. પ્રતાપસિંહ મોયા, સીરાજભાઇ ચાનીયા  સામેલ થયા હતાં.

 આ ટીમ એટલા માટે મોકલાઇ હતી કે જેથી પકડાયેલ આરોપીઓની પુછપરછમા કોઇ લીડ મળે તો તાત્કાલીક ઉત્તર પ્રદેશ, રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં રવાના થઇ એકશન લઇ શકાય. એ પછી ત્યાં રહેલી ચારેય ટીમો સાથે નવી ટીમનંુ કેસ બાબતે સંકલન કરાવી દીધેલ ત્યારબાદ બાકીના આરોપીને પકડવા માટે અને મુદામાલ રીકવર કરવા માટે તે ટીમને ધોલપુર હોલ્ટ રાખી દેવામાં આવી હતી.તેમજ અગાઉ પકડાયેલ આરોપીઓની પુછપરછમાંથી પણ પકડવાના બાકી આરોપી સતિષ સિકરવાર બાબતે મહત્વના ઇનપુટ મળેલ હોઇ અને હ્યુમન રીસોર્સથી આરોપી આગ્રાના જગનેર ખાતે હોવાની માહિતી મળી હોઇ ત્યાં તપાસમાં ગયેલી ટીમને પોલીસ કમિશનરશ્રીએ આગ્રા ખાતે મોકલી હતી. તેમજ આગ્રા પોલીસની ટીમની પણ સારામાં સારી મદદ મળી શકે તે માટે ત્યાંના અધિકારીનો સંપર્ક કરતાં આગ્રાની એસ.ઓ.જી.ની ટીમ મદદમાં આવી હતી.

ત્યારબાદ આરોપી આગ્રાના જગનેર ગામ ખાતે આવવાનો છે તેવી બાતમી મળતા વોચ રાખી તેને પકડી લીધો હતો.  આ આરોપીએ પોતાનું નામ  સતિષ  સોવરનસિંહ સિકરવાર (જાટ-ઉ.વ. ૨૭ ધંધો નોકરી, રહે.મુરૈના સિધ્ધનગર કાલી માતાના મંદીર પાસે મુરૈના (મહેન્દ્રવાળી ગલી-મધ્યપ્રદેશ, મુળ રહે. ગલેથા ગામ હનુમાનજીના મંદીર પાસે તાલુકો જોરા પોલીસસ્ટેશન બાગચીની જિ.મુરૈના મધ્યપ્રદેશ) જણાવ્યું હતું.

સતિષે પોલીસની વિશેષ પુછપરછ દરમ્યાન જણાવેલ કે પોતાના ભાગમાં આવેલ સોના-ચાંદીનો મુદ્દામાલ તેણે જગનેર ગામના ઇસુવ નામના વેપારીને વેંચવા માટે આપેલ છ. જેથી પોલીસે ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફ શરીફભાઇ કુરેશી (ઉ.વ. ૨૮, ધંધો ભંગારનો ડેલો, રહે. જગનેર મનીહાર ગલી તા.ખેરાગઢ થાના જગનેર જીલ્લો આગ્રા (ઉતરપ્રદેશ) ,મુળ રહે કરાહરી ગામ તા.થાના માત જિ મથુરા-યુ.પી) જણાવ્યું હતું. તેની પાસેથી પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  • રાજકોટમાં અવિનાશ ઇજાગ્રસ્ત હોવાથી સતિષને લૂંટ કરવા જવું પડ્યું'તું

બંને આરોપીને રાજકોટ લાવી વિશેષ પુછતાછ કરવામાં આવતાં એવી વિગતો ખુલી હતી કે રાજકોટની શિવ જવેલર્સની લૂંટ વખતે અવિનાશ ઉર્ફ ફૌજીને એકિસડેન્ટમાં હાથમાં લાગેલુ હોવાથી તે લૂંટ કરવા જવેલર્સની અંદર જઇ શકે તેમ ન હતો જેથી શુભમ દ્રારા ખુબ  દબાણ કરાતા સતિષને લૂંટ કરવા અંદર જવુ પડ્યું હતું. આથી સતિષ પોતે જ હથિયાર સાથે અવિનાશની જગ્યાએ અંદર ગયેલ હતો. સામાન્ય રીતે સતિષ કદી પણ લૂંટ કરવા જતો નહિ. તે બહાર જ ઉભો રહેતો હતો.

  • સતિષનું ગામ હથીયારો બનાવવા માટે કુખ્યાત

આરોપી સતિષ  મધ્યપ્રદેશના મુરૈનાનો છે. રાજકોટની લૂંટમાં હથીયાર તેણે જ પુરૂ પાડ્યું હતું. જે દેશી તમંચો તેની પાસેથી કબ્જે લેવાયો છે. મધ્યપ્રદેશના મુરૈના તથા ભીંડ બંને જીલ્લાનો વિસ્તાર વર્ષોથી ગુન્હાખોરી, ડાકુ, લૂંટારાનો ચંબલ ઘાટીનો કુખ્યાત વિસ્તાર છે. આ બને જીલ્લા ફાયરઆર્મસ એટલ ેકે બંદુક, રીવોલ્વર, પિસ્તોલ બનાવવા તથા વેંચવા માટે વર્ષોથી કુખ્યાત છે.

  • ઇસુવ ઉર્ફ યુસુફનો શું રોલ?

લૂટમા આરોપી સતીષના ભાગમાં આવતા સોના-ચાંદીના દાગીના તે ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફને આપતો અને ઇસુવ આ મુદામાલ અન્ય વેપારી પાસે વેંચાવી અને પોતાના કમિશન બાદ મળતા પૈસા સતીષને આપતો. આમ ઇસુવ મુદામાલ રીસીવીંગનુ કામ કરતો હતો.

  • સોના-ચાંદીના દાગીના અને દેશી તમંચો કબ્જે

પોલીસે ઝડપાયેલા બે આરોપીઓ પાસેથી સોનાની માળા, ડોકીયુ, સેટ, મંગળસુત્ર, પાટલા, નાળીયેર, ચાંદીની કંકાવટી, છતર, કંઠો, કંદોરા, દિવેલીયા, દિવેલયા સ્ટેન્ડ, ચાંદીની સોપારી, પાયલની જોડી, પગનો પંજો, બંગડી, કડા, ચાંદીની નોટ, ડોડી, પગની માછલી, બાલી-ઘુઘરી સહિતનો રૂ. ૧૨,૯૪,૮૫૦ના દાગીના અને ૧૦ હજારનો તમંચો કબ્જે કર્યો છે.

  • કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓ

આ કામગીરીમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરીમાં ડીસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે.ગઢવી, બી-ડિવીઝન પીઆઇ એમ.બી. ઐસુરા, ડીસીબી પીએસઆઇ પી. એમ. ધાખડા,  પી.બી.જેબલીયા, એસ.વી.સાખરા, એમ.વી.રબારી, યુ.બી.જોગરાણા, વી.જે.જાડેજા તથા બી ડીવીઝનના પીએસઆઇ પી.બી. તરાજીયા, બી.બી.કોડીયાતર, ડીસીબી હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ક્રીપાલસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ,વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ઘોઘારી, દેવરાજભાઇ કાળોતરા કોન્સ. સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા,પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, પુષ્પરાજસિંહ જાડેજા, શકિતસિંહ ગોહીલ, મહેન્દ્રસિંહ જાડેજા (સાઇબર સેલ) તથા બી ડીવીઝન ડી. સ્ટાફના એએસઆઇ વીરમભાઇ ધગલ તથા સીરાજભાઇ ચાનીયા દ્વારા કરવામાં આવી હતી.

  • લૂંટનો પ્લાન અવિનાશ ઉર્ફ ફોૈજી અને સતિષ કરતાં

આ ટોળકી દ્વારા કરવામાં આવતી લૂંટનો પ્લાન અવિનાશ ઉર્ફે ફોજી અને સતિષ સાથે મળીને કરતા હતા અને લૂટ કઇ જગ્યાએ કરવી, કેવી રીતે કરવી, કોણે-કોણે અંદર જવુ, અને કોણે બહાર કઇ જગ્યાએ ઉભા રહેવુ, કોણ હથિયાર રાખશે? એ સહિતના આયોજન પણ અવિનાશ અને સતિષ કરતા. એ પછી લૂંટ કરવા જાય ત્યારે સતિષ ગાડીમા બેસી રહેતો અને અવિનાશ ઉર્ફે ફોજી લૂંટ કરવા અન્ય આરોપીઓ સાથે જે તે સ્થળે અંદર જતો હતો.

  • સતિષની ૧૪ ગુનામાં સંડોવણી

.આરોપી સતિષ સોવરનસિંગ વિરૂધ્ધ મધ્યપ્રદેશ, રાજસ્થાન, સુરત, રાજકોટમાં વર્ષ ૨૦૧૧થી અત્યાર સુધીમાં ધાડ-લૂંટ, હત્યાની કોશિષ, આર્મ્સ એકટ, ચોરી સહિતના ૧૪ ગુના નોંધાઇ ચુકયા છે. જેમાંથી છ ગુનામાં તેને પકડવાનો પણ બાકી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, સુરતના પુણા ગામના ગુનાઓમાં તે વોન્ટેડ હતો.

  • ચંબલ-બિહડ વિસ્તારમાંથી આરોપી પકડ્યાઃ ડીજીપીએ અભિનંદન પાઠવ્યા

માત્ર ૧૫-દીવસ જેટલા ટૂંકાગાળામાં લૂંટનો ગુનો ડિટેકટ કરી તમામ આરોપીઓને પકડી લઇ લૂંટાયેલો મુદામાલ કબ્જે કરાયો છે. ચંબલ-બીહડ જેવા વિસ્તારમાંથી પકડી આરોપીઓને પકડી પાડવામા આવ્યા છે.  કે જયાથી આરોપી પકડવા અને મુદામાલ રીકવર કરવો ખુબજ મુશ્કેલી ભર્યુ કામ ગણાય છે. પણ રાજકોટ પોલીસે પોતાની સુઝબુઝ, હિંમત અને કુનેહથી આ કામગીરી પાર પાડતાં ડીજીપીશ્રી આશિષ ભાટીયા તરફથી પણ શુભેચ્છાઓ મળી છે.

(3:54 pm IST)