Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સોની બજારમાં લોકડાઉનમાં બંધ રહેલી દૂકાનમાં બે લાખની ચોરીઃ એ ડિવીઝન પોલીસે ભેદ ઉકેલ્યો

ભગવતીપરાના રોહિત, અજય ઉર્ફ કાનબટીયો અને દિનેશને માંડવી ચોકમાંથી દબોચી તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો : એએસઆઇ એચ. આર. ચાનીયા, ડી. બી. ખેર, કોન્સ. નરેશભાઇ ઝાલા અને જગદીશભાઇ વાંકની બાતમીઃ પીઆઇ સી. જી. જોષી અને ટીમને સફળતા : રાતે કેમેરામાં ન આવે એ માટે વિરાણી વાડી પાસે આખી રાત સુઇ ગયાઃ સવારે ટ્રાફિક થયા બાદ ઘરે જવા રવાના થયા : ચોરી કરેલા ઘરેણા ભગવતીપરાના ઝૂપડામાં ખાડો કરી દાટી દીધા'તા

ત્રણેય આરોપીઓ, કબ્જે થયેલા દાગીના અને નીચેની તસ્વીરોમાં સીસીટીવી કેમેરાના દ્રશ્યો જોઇ શકાય છે

રાજકોટ, તા.૧૧: શહેરની સોનીબજારમાં બોઘાણી શેરીમાં લોકડાઉનના લીધે દસેક દિવસથી બંધ એમ.ડી.ગોલ્ડ નામની દુકાનમાં થયેલી બે લાખના ઘરેણાની ચોરીનો એ ડીવીઝન પોલીસે ભેદ ઉકેલી ભગવતીપરાના ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રેલનગર પરમેશ્વરી મેઇન રોડ પર રહેતા જીજ્ઞેશભાઇ સુરેશભાઇ આડેસરા (ઉ.વ.૩૨)ની સોનીબજાર બોઘાણી શેરીમાં  પેટાગલીમાં હરીકૃષ્ણ ચેમ્બરમાં આવેલી એમ.ડી.ગો૯ નામની દુકાન જે લોકડાઉનના લીધે બંધ   હોઇ, ગત તા. ૪ના મોડી રાત્રે ત્રણ શખ્સોએ દુકાનના ગટરના તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂ. ૨,૦૦,૧૬૦ની કિંમતના સોનાના દાગીના ચોરી ગયા હતા. સવારે દુકાનની બાજુમાં આવેલ મંદીરના પૂજારી માયાભાઇએ દુકાનના તાળા તૂટેલા જોઇ દુકાન માલીક જીજ્ઞેશભાઇ આડેસરાને જાણ કરતા તે સ્થળ પર દોડી આવ્યા હતા અને દુકાનના તાળા તૂટેલા તેમજ અંદર સામાન વેરવિખેર જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી.

બાદ જીજ્ઞેશભાઇએ એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પી.આઇ. સી.જી. જોષી સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમ્યાન સોનીબજારમાં એમ.ડી.ગોલ્ડ દુકાનમાં ચોરી કરનાર શખ્સો સોનીબજાર માંડવી ચોક પાસે આવ્યા હોવાની એ.એસ.આઇ હારૂનભાઇ ચાનીયા, ડી.બી.ખેર અને નરેશભાઇ ઝાલા તથા જગદીશભાઇ વાંકને બાતમી મળતા પી.આઇ. સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.એસ.નિમાવત, એ.એસ.આઇ.બી.વી.ગોહીલ, ડી.બી.ખેર, હારૂનભાઇ,વીરેન્દ્રસિંહ, રામભાઇ વાંક, મૌલીકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક, મેરૂભા ઝાલા, નરેશભાઇ ઝાલા અને હોમગાર્ડ ચંદ્રેશભાઇ તેરૈયા સહિતે સોનીબજાર માંડવી ચોક પાસેથી ભગવતીપરા લાકડાના ડેલાવાળા રોડ પર નદીના કાંઠે કાળુભાઇની ઓરડીમાં ભાડે રહેતા રોહીત ભરતભાઇ એદરીયા (ઉ.વ.૨૦), અજય ઉર્ફે કાનબટીયો વિનોદભાઇ બરાસરીયા (ઉવ.૨૩) અને દિનેશ બાબુભાઇ વાહનેકીયા (ઉ.વ૨૦)ને પકડી લીધા હતા. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી રૂ.૨૦૦,૧૬૦/ના ચોરાઉ ઘરેણા કબ્જે કર્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા તા.૪ના મોડી રાત્રે આ દુકાનમાંથી ઘરેણાની  ચોરી કરીને સીસી ટીવી કેમેરામાં પકડાઇ ન જાઇ તે માટે ગરુડ ગરબી ચોક વિરાણી વાડી પાસે આખી રાત ફુટપાથ પર સુઈ રહયા હતા અને દિવસ થતા ટ્રાફીક થયા બાદ ઘરે જવા રવાના થઇ ગયા હતા અને ચોરાઉ દાગીના ઝૂંપડા પાસે  ખાડો ખોદી ઘરેણા દાટી દીધા હતા. ચાર દિવસ પહેલા ત્રણમાંથી એક શખ્સ પકડાય ગયો હોવાની ખબર પડતા બીજા બે શખ્સો  ભગવતીપરા જતા રહયા હતા. બાદ પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.

(3:52 pm IST)