Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

૧૯મીએ જનરલ બોર્ડઃ કોરોના-પાણી સમસ્યાના પ્રશ્નોની ઝંડી

ભાજપના મહીલા કોર્પોરેટરનો પ્રથમ પ્રશ્નઃ કોંગ્રેસના ચારેય કોર્પોરેટરોએ અને ભાજપનાં ૧ર સહીત ૧૬ કોર્પોરેટરોએ કુલ ૩૩ પ્રશ્નો પુછયાઃ બાંધકામ, આરોગ્ય, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, ટાઉન પ્લાનીંગ સહીતના વિભાગોના પ્રશ્નો રજુ થયાઃ સુલભ શૌચાલય અને યુરીનલ દુર કરવા સહીત ૭ દરખાસ્તોનો લેવાશે નિર્ણયઃ એજન્ડા પ્રસિધ્ધ કરતા મેયર પ્રદીપ ડવ

રાજકોટ, તા., ૧૧: મ.ન.પા.નું આગામી જનરલ બોર્ડ ૧૯ મેને બુધવારે સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.નાં સ્વ.રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાનાર છે. જેમાં ભાજપ-કોંગ્રેસનાં રર કોર્પોરેટરોએ કુલ ૩૬ પ્રશ્નો પુછયા છે જેમાં મોટા ભાગનાં પાણીની સમસ્યા અને કોરોના સારવાર સબંધીના પુછવામાં આવ્યા છે.

બોર્ડમાં પ્રથમ પ્રશ્ન ભાજપનાં કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરાએ પાણી અને જગ્યા રોકાણ વિભાગ સંબંધે પુછયો છે. તેથી પ્રથમ પ્રશ્નમાં જ પ્રશ્નોતરીનો સમય દર વખતની જેમ પુર્ણ થઇ જાય તેવી શકયતાઓ છે.

કોંગ્રેસનાં વોર્ડ નં.૧પનાં કોર્પોરેટર કોમલબેન ભારાઇએ પ્રિમોન્સુન કામગીરી, રખડુ ઢોરનાં પ્રશ્નો પુછયા છે. જયારે કોંગ્રેસનાં જ ભાનુબેન સોરાણીએ વોર્ડ નં. ૩,પ,૬, ૧પ, ૧૬નાં ગેરકાયદે બાંધકામોને કેટલી નોટીસ અપાઇ, વોંકળા સફાઇના પ્રશ્નો પુછયા છે.

કોંગ્રેસના ત્રીજા કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મ.ન.પા.ના કોલ સેન્ટરમાં કેટલી ફરીયાદો મળી કેટલીનો નિકાલ થયો અને  મ.ન.પા.ની મિલ્કતો કેટલી છે તથા ર૦૧પ પછી કેટલી નવી મિલ્કતો ખરીદી તે બાબતનાં પ્રશ્નો પુછયા છે.

જયારે પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ કોરોનામાં વોર્ડવાઇઝ કેસ કેટલા? આરોગ્ય કેન્દ્રમાં કેટલી જગ્યા ખાલી છે? કોરોના માટે કેટલા વાહનો ભાડે રાખ્યા? વોર્ડવાઇઝ કેટલા મૃત્યુ થયા? કેટલી લેબોરેટરી, કેટલા દવાખાના વગેરે પ્રશ્નો પુછયા છે.

જયારે ભાજપના પરેશ પીપળીયાએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વર્કશોપનાં-ર, રાજેશ્રીબેન ડોડીયાએ સ્ટ્રીટ લાઇટના-૧, કેતન પટેલે પાણી વિતરણ અંગ, નયનાબેન પેઢડીયાએ પ્રોજેકટ વિભાગ અંગે, જયોત્સનાબેન ટીલાળાએ આરોગ્ય અને સોલીડ વેસ્ટ, મનીષભાઇ રાડીયાએ આરોગ્ય, ટેકસ, ટેકસનો ૩ પ્રશ્નો, અશ્વીનભાઇ પાંભર-ગાર્ડનનો -૧ પ્રશ્ન, ભાનુબેન બાબરીયા ડ્રેનેજ, રોશની, આરોગ્યનાં-૩ પ્રશ્નો, ડો.દર્શનાબેન પંડયા પાણીનો-૧ પ્રશ્ન, નરેન્દ્રભાઇ ડવ રોશની, આરોગય, બાંધકામના-૩ પ્રશ્નો, દેવાંગભાઇ માંકડ બાંધકામ ટી.પી.ના-ર પ્રશ્નો એમ ઉકત તમામ મળી કુલ ૩૩ પ્રશ્નોની ઝડી જનરલ બોર્ડમાં વરસશે.

૭ દરખાસ્તો

જનરલ બોર્ડમાં  આસી. કમિશ્નરની ઓબીસી કેટેગરીના પસંદગી પામેલ ઉમેદવાર હાજર ન થતા વેઇટીંગમાં રહેલ ઉમેદવારની નિમણુંક  કરતા અરવિંદભાઇ મણીયાર પુસ્તકાલયમાં કોર્પોરેટરની  સભ્ય પદે નિમણુંક કરવા, કેનાલ રોડ, જીન પ્રેસ રોડ પર આવેલ જાહેર યુરીનલ દુર કરવા મનપાની વિવિધ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનોના વેચાણ, મ.ન.પા.ના કોમર્શીયલ પ્લોટોનું વેચાણ, મ.ન.પા. દ્વારા નેશનલ સેમ્પલ સર્વે કચેરીને જમીન વેચાણ તથા જડુસ રેસ્ટોરન્ટ સામે આવેલ. ચંદ્રશેખર આઝાદ ગાર્ડનમાંથી સુલભ શૌચાલય દુર કરવા સહીત ૭ દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

  • મેયર પ્રદીપ ડવે કોરોનાને હરાવી ફરજ સંભાળીઃ આવતાવેંત જનરલ બોર્ડ બોલાવ્યું

રાજકોટઃ મેયર પ્રદીપ ડવ ગઇ તા.ર૭ એપ્રીલનાં રોજ માઇનોર કોરોના હોવાનું માલુમ થતા તેઓ  હોમ આઇસોલેશન થયા હતા અને આરોગ્ય કેન્દ્રનાં ડોકટરોના માર્ગદર્શન હેઠળ સંપુર્ણ સ્વસ્થ થઇ અને આજથી પરત મેયર પદની ફરજ પર હાજર થઇ આવતાવેંત જ કામ પર લાગી જઇ જનરલ બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ કરાવ્યો હતો.  નોંધનીય છે કે મેયરશ્રીના ઘરમાં તેમના માતા-પિતા-પત્ની કોઇ પણ સંક્રમીત થયા ન હતા. કેમ કે તે તમામે વેકસીનનો ડોઝ લઇ લીધો હોઇ તેઓ સંપુર્ણ સ્વસ્થ રહયા હતા.

(3:48 pm IST)