Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મ્યુકરમાકોસીસ રોગ માટેના ઇન્જેકશનો મળતા નથી : મુખ્યમંત્રી યોગ્ય કરે : ગાયત્રીબા - મનસુખભાઇ

રાજકોટ તા. ૧૧ : કોરોનાના દર્દીઓને ચાલુ સારવારે અથવા ત્યાર પછીના સમયમાં ફંગલ ઈન્જેકશનથી થતા મ્યુકરમાકોસીસ નામના રોગનું પ્રમાણ હાલ ઘણુ વધારે જોવા મળે છે.આ રોગની સારવારમાં જરુરી એન્ટીફંગલ ઈન્જેકશન 'એમ્ફોટેરીસીન -બી' ની તીવ્ર અછત વર્તાય છે. જેથી મ્યુકરમાકોસીસની સારવારમાં ખુબ અડચણ આવે છે. જેના લીધે મ્યુકરમાકોસીસના દર્દીઓને ખુબ ભોગવવુ પડે છે, ઘણા દર્દીઓ ઈન્જેકશનના અભાવે મોતને પણ ભેટી રહ્યા છે.  મ્યુકરમાકોસીસના દર્દીઓનું પ્રમાણ દિવસે દિવસે ચિંતાજનક રીતે વધતુ જાય છે ત્યારે આના માટે જરુરી દવા તથા ઈન્જેકશનો દર્દીઓને સહેલાઈથી મળી રહે એવી વ્યવસ્થા કરવા સહિતના મુદ્દે યોગ્ય કરવા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા પૂર્વ કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ માંગ કરી છે.

આ અંગે ગાયત્રીબા અને મનસુખભાઇ કાલરીયાએ કલેકટરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને ચાલુ સારવારે અથવા ત્યાર પછીના સમયગાળામાં ફંગલ ઇન્જેકશનથી થતાં મ્યુકરમાઇકોસિસ નામના રોગનું પ્રમાણ હાલ ઘણું વધારે જોવા મળે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ વોર્ડ પણ શરૂ કરાયો છે પરંતુ જરૂરી સારવારના અભાવે અને આ સારવારમાં જરૂરી દવાઓ અને ખાસ કરીને દર્દીને આપવાના ઇન્જેકશનો જરૂરીયાત પ્રમાણમાં ઉપલબ્ધ નથી અને દર્દીઓ અને તેના સગા વ્હાલા આ ઇન્જેકશનો મેળવવા માટે અનેક જગ્યાએ ધક્કા ખાઇ રહ્યા છે સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા માંગ કરી છે.

(3:07 pm IST)