Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

આંશીક લોકડાઉન હટાવી કાં તો સંપૂર્ણ લોકડાઉન નાખો અથવા ૪૦ ટકા બજારો પણ ખોલી નાખોઃ કલેકટરને આવેદન

રાજકોટ હોલસેલ મરર્ચન્ટ એસો. સહિત કુલ ૧૪ બજારોના વેપારી એસો.ની વિસ્તૃત રજૂઆત

રાજકોટની વિવિધ બજાર એસો.ના વેપારીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતુ.

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ હોલસેલ ટેકસટાઈલ મરચન્ટ એસો.એ કલેકટરને આવેદન પાઠવી આંશીક લોકડાઉન હટાવી કાંતો સંપૂર્ણ લોકડાઉન આપો અથવા ૪૦ ટકા બંધ બજારોને ખોલવાની મંજુરી આપવા અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા ૨૮-૪-૨૧ના રોજ ગુજરાતમાં આંશીક લોકડાઉનની જાહેરાત કરી ત્યાર બાદ એ લોકડાઉન વધારે એક અઠવાડીયા લંબાવી નાખ્યું, જેની મુદત આગામી તા. ૧૨-૫-૨૧ના રોજ પુરી થાય છે. અત્યારે ફકત ૪૦ ટકા બજારો બંધ છે તેનાથી કોરોનાનું સંક્રમણ ટાળી શકાય તેમ અમોને લાગતુ નથી અને બે વીકમાં આવું કોઈ પરિણામ સામે આવેલ નથી. તેની સામે અમો નાના વ્યાપારીઓને ખૂબજ આર્થિક નુકશાન સહન કરવુ પડેલ છે. અમારી દુકાનોમાં કામ કરતા કર્મચારીઓને અમે પગાર પણ ચૂકવી શકીએ તેવી સ્થિતિ રહી નથી.

અમે રાજકોટના તમામ વેપારી સંગઠનો આપશ્રીને વિનંતી કરીએ છીએ જો સરકાર કોરોનાની ચેઈન તોડવા માંગતી હોય તો કાં તો સંપૂર્ણ લોકડાઉન આપો અથવા તો જે ફકત ૪૦ ટકા બજારો બંધ છે તે વેપારીઓને તેની દુકાનો ખોલવાની મંજુરી આપો, કારણ કે કોરોનાની ચેઈન તોડવા ફકત ૪૦ ટકા વેપારીઓનો ભોગ ન લઈ સરકાર અમારી આ લાગણી અને માંગણીનો તાત્કાલીક ઉકેલ લાવી યોગ્ય કરશે તેવી અપેક્ષા સાથે રજૂઆતો છે. આવેદન દેવામાં શ્રી રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મરચન્ટ એસોસીએશન-ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશન, ગુંદાવાડી વેપારી એસોસીએશન, રાજકોટ રેડીમેઈડ રીટેઈલ મરચન્ટ એસોસીએશન, લાખાજીરાજ રોડ એસોસીએશન, દિવાનપરા વેપારી એસોસીએશન, કોઠારીયા નાકા વેપારી એસોસીએશન, નવાનાકા રોડ વેપારી એસોસીએશન, ઘીકાંટા રોડ વેપારી એસોસીએશન, ભકિતનગર વેપારી એસોસીએશન, જંકશન પ્લોટ વેપારી એસોસીએશન, ગાયકવાડી વેપારી એસોસીએશન, સાંગણવા ચોક વેપારી એસોસીએશન જોડાયા હતા. પ્રમુખ હિતેષ અનડકટ, મંત્રી રૂપેશ રાચ્છ તથા અન્યોએ આવેદન પાઠવેલ.

(3:05 pm IST)