Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

હોમઆઇસોલેશન દર્દીને 'ઓકસીજન'ની જરૂરત પડે તો તુર્ત જ હોસ્પીટલમાં દાખલ થાયઃ ઘરે ફકત સામાન્ય લક્ષણવાળા જ રહે

કલેકટર તંત્રની લોકોને અપીલઃ આજની તારીખે સરકારી-ખાનગીમાં ૧૮૬૦ બેડ ખાલી છે : ચૌધરી હાઇસ્કુલ હેલ્પ લાઇનમાંથી ગઇકાલે ર૧૭ દર્દીના સગાને સામેથી કોલ કરી વિડીયો કોલીંગથી વાત કરાવાઇ

રાજકોટ તા. ૧૧: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન તથા એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ આજે શહેર-જીલ્લાના લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જે કોરોના દર્દીઓ હોમઆઇસોલેશન થાય છે, તેઓએ કેટેગરી એટલે કે સામાન્ય લક્ષણવાળા હોય તો જ હોમ આઇસોલેશન થાય, જો ઓકસીજનની જરૂરિયાતવાળા દર્દી હોય તો તેઓ ઘરે ઓકસીજનના બાટલા વિગેરેનો ઉપયોગ ન કરે, પરંતુ તુર્ત જ સરકારી કે ખાનગી હોસ્પીટલમાં દાખલ થાય જેથી કરીને પાછળથી તેમને ઓકસીજનના બાટલા-અન્ય સાધનો અંગે કોઇ મુશ્કેલી ન પડે અને દર્દીને તુર્ત જ તમામ પ્રકારની સારવાર મળી રહે.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જીલ્લાની સ્થિતિ કોરોનાની દૃષ્ટિએ ઘણી સુધરી છે, ઓકસીજન રેમેડેસિવીયર ઇન્જેકશનનો પુરતો સ્ટોક છે, કોઇ ફીરયાદો નથી, અને સરકારી અને ખાનગી એમ તમામ હોસ્પીટલો થઇને આજની તારીખમાં ૧૮૬૦ બેડ ખાલી છે.

તેમણે જણાવેલ કે સિવીલ, સમરસ, યુનિ. કન્વેશન સેન્ટર અને કેન્સર કોવીડ હોસ્પીટલમાં ઓકસીજનવાળા બેડો ઉપલબ્ધ છે, તેમણે જણાવેલ કે ચૌધરી હાઇસ્કુલ ખાતે હેલ્પલાઇન સેન્ટરમાં ડે. કલેકટર શ્રી ધાંધલ નોડલ ઓફીસર તરીકે મુકાયા હતા, પરંતુ તેમના માતા-પિતાની તબિયત નાદુરસ્ત હોય, તેમના સ્થાને નોડલ ઓફીસર તરીકે બહુમાળીમાં બેસતા યુવા વિકાસ અધીકારી શ્રી વાઘેલાને જવાબદારી સોંપાઇ છે, અને તેમણે ચાર્જ લીધાની સાથે બહુ સારી કામગીરી કરી છે, ગઇકાલે એક જ દિવસમાં હેલ્પલાઇન સેન્ટરમાંથી સિવીલમાં દાખલ કોરોના દર્દીના કુલ ર૧૭ દર્દીના સગાજનોને સામેથી કોલ કરી વિડીયો કોલીંગ દ્વારા વાતો કરાવાઇ છે, આ હેલ્પ લાઇન સેન્ટર ર૪ કલાક ચાલુ છે, રાઉન્ડ ધ કલોક ત્રણ શીફટમાં ત્રણ અધીકારીઓ ઉપરાંત શિક્ષકોની ટીમ વિડીયો કોલીંગ દ્વારા વાતો કરાવી રહી છે.

(3:03 pm IST)