Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સેવા શબ્દને ચરીતાર્થ કરતા સદ્દગુરુ આશ્રમનો આજે સ્થાપનાદિન

પૂ. રણછોડદાસજી બાપુના મુખેથી સરી પડેલ 'ભુખે કો અન્ન, અંધે કો આંખે ઔર નિર્વસ્ત્ર કો વસ્ત્ર' વચનોનું આજે પણ અકબંધ પાલન : ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ : ધર્મપ્રેમી ગુરૂભકત ભાઇ બહેનો દ્વારા ઘરે ઘરે પૂજા પાઠ દ્વારા કરાઇ ઉજવણી : કોરોના મુકિતની પ્રાર્થના

રાજકોટ તા. ૧૧ : 'મેં આશ્રમમે સદાય બિરાજમાન હું, કહીં જાને કી જરૂરત નહીં હૈ, આશ્રમ હી ચાર ધામ હૈ, આશ્રમ મે મૈને કરોડો રામનામ લિયા હૈ' જેવા શબ્દો જેમના મુખેથી સરી પડયા હતા એવા પૂ. શ્રી રણછોડદાસજી બાપુના રાજકોટ ખાતે સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ સંચાલિત આશ્રમનો આજે તા. ૧૧ ના સ્થાપના દિવસ છે.

નિજ મંદિરમાં આજે સવારથી વિશેષ પૂજા પાઠ કરવામાં આવેલ. તેમજ લોકોએ ઘરે ઘરે જ ગુરૂદેવની ભકિત કરવા અનુરોધ કરાયો હતો.

પૂ. ગુરૂદેવના જીવન સિધ્ધાંત 'ભુખે કો ભોજન, અંધે કો આંખ ઔર નિર્વસ્ત્ર કો વસ્ત્ર' ને આજે પણ પૂર્ણરૂપે ચરિતાર્થ કરવામાં આવે છે. અહીં અવિરતપણે નેત્ર નિદાન ઓપરેશનની સેવા ચાલી રહી છે. સમયાંતરે અન્ન દાન, વસ્ત્રદાનની પ્રણાલી પણ જળવાતી આવી છે.

શ્રી રણછોડદાસજીબાપુ દ્વારા સન ૧૧/૦પ/૧૯૪૬માં સંસ્થાપિત શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ), રાજકોટ તા. ૧૧/૦પ/ર૦ર૧નાં રોજ ૭પ વર્ષ પૂર્ણ કરી ૭૬માં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે.

શ્રી રણછોડદાસજીબાપુશ્રીએ માનવ સેવાની જયોત પ્રજજવલિત રહે અને રામનામનો પ્રચાર થાય અને સમગ્ર માનવ જાતને સેવા મળી રહે એ ઉદ્દેશ સાથે શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટની સ્થાપના કરી હતી.

શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટ દ્વારા સમગ્ર ભારતમાં કોઇપણ પરિસ્થિતિમાં છેવાડાનાં માનવી સુધી  નેત્રયજ્ઞની સેવા પહોંચાડવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને, મોતિયાનાં દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા સેવા કરવામાં આવે છે.

આ વર્ષે હાલ કોરોના સંક્રમણની ગંભીરતા ધ્યાને લઇ સ્થાપના દિન સાદગીથી છતા ગરીમાભેર ઉજવવા આયોજન થયુ છે.  ઘેર રહીને સર્વે ધર્મપ્રેમી ભાઇ-બહેનો તથા ગુરૂભાઇ-બહેનો સુંદરકાંડ પાઠ કરશે. ગુરૂદેવના પૂજા પાઠ કરશે. તેમજ વિશ્વમાં આવી પડેલી આ કોરોના વાઇરસની મહામારીની વિકટ પરિસ્થિતિમાં મુકત થાય અને ''સર્વ જન નિરામય રહે'' એ નિમિતે શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીને અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના કરે તેવી શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા અપીલ કરાઇ છે.

(3:03 pm IST)