Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજકોટમાં ઉદ્યોગોને બાદ કરી સવારના ૮ થી બપોરના ૩ સુધી વેપાર-ધંધા ચાલુ રાખવા મંજુરી આપોઃ ૩ પછી સંપૂર્ણ લોકડાઉન અમલી બનાવો

રાજકોટ ચેમ્બરની ૨૩ એસો. સાથે બેઠકઃ રાજકોટમાં લોકોને સરળતાથી વેકસીન મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આંશીક લોકડાઉન હટાવી સવારના ૮ થી બપોરના ૩ સુધી તમામ વેપાર-ધંધા ચાલુ રાખવા દેવા અને બપોરે ૩ થી સંપૂર્ણ લોકડાઉન અમલી બનાવવા માગણી કરી છે તેમ આજે બપોરે ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવે અકિલાને જણાવ્યુ હતુ.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યુ છે કે કોરોનાના ભયંકર સંકટમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ અને આ અતિ ભયંકર પરિસ્થિતિમાંથી બહાર નિકળવાનો આપણે પુરેપુરો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા કોરોના મહામારીને કાબુમાં લેવા માટે સતત ૧૫ દિવસથી આંશીક લોકડાઉન લાગુ કરાયેલ છે જે તા. ૧૨-૫-૨૧ના રોજ પૂર્ણ થવા જઈ રહ્યુ છે. તે સંદર્ભે રાજકોટના નાના વેપારીઓની વ્યથા અને લાગણીને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર દ્વારા આજરોજ શહેરના ૨૩ જેટલા વિવિધ એસોસીએશનનો જેવા કે રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસો., જેમ્સ એન્ડ જવેલરી એસો., રાજકોટ દાણાપીઠ વેપારી એસો., રાજકોટ ઈલેકટ્રીક લાયસન્સ કોન્ટ્રાકટ એસો., રાજકોટ ઈમિટેશન જવેલરી એસો., ગુંદાવાડી રોડ વેપારી એસો., ધર્મેન્દ્ર રોડ વેપારી એસો., લાખાજીરાજ રોડ વેપારી એસો., કોઠારીયા નાકા, રાજકોટ પાન એસો., રાજકોટ ઈલેકટ્રીક મરચન્ટ એસો., રાજકોટ સ્કૂટર પાર્ટસ ડીલર્સ એસો. વગેરે વેપારી એસો.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.

આ મિટીંગમાં હાલ લાગુ કરાયેલ આંશીક લોકડાઉનમાં નાના વેપારી-દુકાનદારોના વેપાર-ધંધા બંધ હોવાથી આર્થિકમંદીનો સામનો કરી રહ્યા છે. તેમજ આંશીક લોકડાઉન કરવાથી કોરોનાની ચેઈન તુટશે તેવુ જણાતુ નથી. ત્યારે આ મીટીંગમાં તમામ એસો.નો એક જ સૂર હતો કે સરકાર ઈન્ડસ્ટ્રીઝને બાદ કરીને આગામી આંશિક લોકડાઉન હટાવી સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી તમામ-વેપાર ધંધા ચાલુ રાખવા મંજુરી આપવી જોઇએ. અને ત્યારબાદ બપોરના ૩ વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉનો કડક અમલવારી કરી આવશ્કય સેવાઓ જેવી કે (મેડીકલ સ્ટોર્સ અને દુધની ડેરીઓ) ચાલુ રાખવી.

આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ તમામ વેપારી એસોસીએશનની લાગણી અને માંગણી ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ શહેરમાં ઇન્ડસ્ટ્રીઝને બાદ કરી સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખવાની મંજુરી આપવા રજુઆત કરવામાં આવેલ અને સાથોસાથ લોકોને તાત્કાલીક વેકસીન મળી રહે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવેલ.

(3:02 pm IST)